રાજકોટ
News of Monday, 9th September 2019

પ્રદુષણ અટકાવવા રાજકોટમાં ઇલેકટ્રીક બસ નહી ટ્રામ કે ટ્રોલી બસ યોગ્ય વિકલ્પ

રાજકોટ : દિનપ્રતિદિન વધતા જતા પ્રદુષણથી બચવા અને ખર્ચ ઘટાડવા હાલ બેટરીથી ચાલતી બસો ઉપર નજર દોડાવવામાં આવી રહી છે. ત્યારે રાજકોટ પણ આવુ કઇક કરવા વિચારી રહ્યુ છે. પરંતુ મારી દ્રષ્ટીએ બેટરીથી ચાલતી બસો પણ સફેદ હાથી પુરવાર થશે. કેમ કે બેટરીથી ચાલતી ઇલેકટ્રીક બસની મર્યાદા પ૦ થી ૧૦૦ કિ.મી.ની જ હોય છે. પછી તરત જ બેટરી રીચાર્ય કરવી પડે છે. તેને રીચાર્જ કરવા ઓછામાં ઓછા પ થી ૬ કલાકનો સમય ફરીથી રીચાર્જ કરવામાં લાગે છે. આ સમય દરમિયાન બસ કોઇ કામમાં આવતી નથી. એટલે ઇન્ટર સ્ટેટ ટ્રાન્સપોર્ટ માટે કોઇ કામની નથી રહેતી.

વળી બેટરીથી ચાલતી ઇલેકટ્રીક બસમાં તેની બેઠક ક્ષમતાનો પણ ખુબ ખ્યાલ રાખવો પડે છે. વધારે પેસેન્જર ભરી શકાતા નથી. જયારે આપણ ત્યાં તો લોકો જગ્યા ન મળે તો ઉભા ઉભા મુસાફરી કરવા ટેવાયેલા છે. એટલે ઓવર ટ્રાફીકમાં આ બસ ન ચાલે.

ઇલેકટ્રીક બસોમાં જો એર કન્ડીશ્નર ફીટ કરવામાં આવે તો ફરીથી પેલુ બેટરીના વજન વધારાનું વિષચક્ર નડે. બેટરીનું વજન વધારીએ તો જ વધુ ક્ષમતામાં કામ આપે અને બેટરીનું વજન વધારવુ ખુબ ખર્ચાળ પુરવાર થાય છે. દિલ્હીમાં ઇલેકટ્રીક બસ શરૂ પણ કરાઇ હતી. પરંતુ સફળતા ન મળી હોવાનું આપણે સામે જ છે.

આમ આવા બધા મુદ્દાઓનો અભ્યાસ કરીએ તો ઇલેકટ્રીક બસ આપણે ત્યાં કોઇરીતે બંધ બેસતી નથી. તો શું કરવાનું હવે? પેટ્રોલ ડીઝલ તો કોઇકાળે પરવડે તેમ નથી. કેમ કે ખનીઝ તેલનું તળીયુ દેખાવા લાગ્યુ છે. માથે જાતા પ્રદુષણનો પ્રશ્ન તો ઉભો ને ઉભો.

ત્યારે આવા સમયે મારી દ્રષ્ટીએ ટ્રામ અને ટ્રોલી બસ યોગ્ય વિકલ્પ છે. પ્રથમ વિકલ્પ ટ્રામ બસની વાત કરીએ તો કોલકતામાં પરંપરાગત ચાલી રહેલ ટ્રામ વે ની સુધારેલી એર કન્ડીશન્ડ આવૃત્તિ ઉપર આપણે નજર દોડાવવી જોઇએ. આ માટે રાજકોટ અને અમદાવાદના બીઆરટીએસ રૂટો શ્રેષ્ઠ છે. માત્ર ઓવર હેડ વાયર સેટની સીસ્ટમ કે જેમાંથી પેન્ટોગ્રાફ નામની રચનાથી ટ્રામને વિજળી મળે છે. તેની વ્યવસ્થા કરવાની રહે છે. આ વ્યવસ્થા કાયમી છે. પણ જો શહેરમાં બીઆરટીએસના રૂટ સિવાયના રસ્તાઓ પર આડેધડ થતા પાર્ક અને ચલાવાતા વાહનો, રખડતા ભટકતા ઢોર, સાયકલ ચાલકો અને ઉતરાયણની સીઝનમાં પતંગબાજોની દોડાદોડી ધ્યાનમાં લેવામાં આવે તો આ વિકલ્પ પણ આપણે ત્યાં ચાલે તેમ નથી.

બીજો એક વિકલ્પ ટ્રોલીબસનો છે. જે થોડો બંધબેસતો આવી જાય તેમ છે. ટ્રોલીબસ એ બીજુ કઇ નહીં, પણ ન્યુમેટ્રીક ટાયરવાળી ઇલેકટ્રીક ટ્રામ જ છે. બસ તેમાં ટ્રામની નીચે ટ્રેક લગાવવો પડતો નથી. કિંમત, નિભાવ ખર્ચ અને લાંબા સમય સુધી કામ આપે તેવી કાર્ય ક્ષમતાના કારણે તે પેટ્રોલ, ડીઝલ કે સીએનજીથી ચાલતા વાહનોથી ઘણી કીફાયતી પુરવાર થઇ શકે. આવા વાહનો જો પેસેન્જરોનો ટ્રાફીક વધાર હોય અને ડ્રાઇવર ઓછા હોય તેવા સમયે એકની પાછળ એક બીજી ટ્રોલી જોડી અને બીઆરટીએસ જેવા રૂટ પર એકજ ડ્રાઇવરથી ચલાવી શકાય છે. આવી બસો ચોવીસેય કલાક દોડાવી શકાય તે નફામાં. આવી બસો પર પણ ઓન ગ્રીડ સોલાર પેનલ લગાવી અને બેટરી વગર પણ ચલાવી શકાય. જેથી ઇલેકટ્રીક ખર્ચ ઘટી જાય.

બીઆરટીએસ રૂટ સિવાય જયા મોટા ડીવાઇડર અને વચ્ચે લાઇટના ઇલેકટ્રીક થાંભલાવાળા પહોળા રસ્તાઓ છે ત્યાં આવા ઇલેકટ્રીક પોલને ફરીથી ડીઝાઇન કરી અને બંન્ને બાજુએ ટ્રીપલ વાયરસેટ લગાવવામાં આવે તો તે બધા રસ્તાઓ પર પણ ટ્રોલીબસ સરળતાથી ચાલી શકે છે. વધારે કાર્યક્ષમતાથી ઉપયોગ કરવા આવી ટ્રોલીબસોને હાઇબ્રીડ કરવી પડે. આ હાઇબ્રીડ ટ્રોલીબસ બેટરી તેમજ પેન્ટોગ્રાફથી સજજ હોય છે. જયારે તે બીઆરટીએસ સીવાયના રૂટ પર હોય ત્યારે બેટરી પર ચાલે અને બીઆરટીએસ રૂટ પર ફરી આવી જાય એટલે પેન્ટોગ્રાફ પર દોડવા માંડે.

આમ ટ્રામબસનો વિકલ્પ બધી રીતે બંધબેસતો લાગે છે. ત્યારે રાજકોટ જેવા શહેરોમાં પહેલ કરવા આ દિશામાં ગંભીરતાથી વિચારવાની જરૂર છે.

- અશોક હંસદેવ સાગઠીયા, રાજકોટ મો.૯૪૨૬૨ ૪૯૬૦૧

(4:00 pm IST)