રાજકોટ
News of Monday, 9th September 2019

સિવિલ હોસ્પિટલમાં તસ્કરણીએ સોનાનો ઓમકાર અને બે મોબાઇલ ચોર્યાઃ સિકયુરીટીએ દબોચી લીધી

ઢેબર કોલોનીમાં રહેતી મધુ સોલંકીએ ઓપીડીની લાઇનમાં ઉભી 'કારીગીરી' કરી'તી

રાજકોટ તા. ૯: સિવિલ હોસ્પિટલમાં સિકયુરીટી દ્વારા અવાર-નવાર ચોર-ગઠીયા-ખિસ્સા કાતરૂઓ અને મોબાઇલ તફડંચી કરનારા શખ્સોને પકડી પાડવામાં આવે છે. આજે સવારે નવી ઓપીડી બિલ્ડિંગમાં કેસ બારીની લાઈનમાં ઊભા રહી એક મોટી ઉંમરની મહિલાએ પોતાની આગળ લાઈનમાં બાળકને તેડીને ઊભેલી મહિલાની નજર ચૂકવી તેના  બાળકના ગળામાંથી સોનાનું ઓમકાર ખેંચી લીધું હતું. આ વખતે ઓમકાર ખેંચનારી મહિલાને ફરજમાં રહેલા સિકયુરીટી કર્મચારીઓએ પકડી લીધી હતી. આ મહિલાનું નામ મધુબેન જીવાભાઇ સોલંકી (રહે. ઢેબર કોલોની પાસે) હોવાનું તેણીએ પુછતાછમાં જણાવ્યું હતું. તેની પાસેથી બીજા બે મોબાઇલ ફોન પણ નીકળ્યા હતાં. આ બાબતે પુછતાછ થઇ રહી હતી ત્યાં ે કાલાવડ રોડ ઉપર આવાસ યોજનાના કવાર્ટરમાં રહેતા રાજીબેન મીઠાભાઇ રાઠોડ આવ્યા હતાં અને પોતાના મોબાઇલ ફોન ગાયબ હોવાનું કહ્યું હતું.  તેને મોબાઇલ બતાવતાં તેના જ હોવાનું ખુલ્યું હતું.

રાજીબેન પોતાની પુત્રી જસુબેનની દવા લેવા આવ્યા હતાં.  જસુબેન તેના પુત્ર વરૂણ (ઉ.૩)ને તેડીને લાઈનમાં ઊભા હતા ત્યારે નજર ચુકવી મોબાઇલ કાઢી લીધા હતાં. સિવિલ હોસ્પિટલ સિકયુરિટી ઇન્ચાર્જ એ. ડી. જાડેજા (નિવૃત્ત્। પીઆઇ) તથા સુપરવાઇઝર જનકસિંહ ઝાલા (નિવૃત એ.એસ.આઈ) અને દક્ષાબેન મકવાણાએ આ અંગે પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી. તસ્વીરમાં ઝડપાયેલી મહિલા, તેણે જેના ગળામાંથી ઓમકાર કાપ્યો તે બાળક તેના વાલીઓ સાથે અને ઇન્સેટમાં ઓમકાર તથા મોબાઇલ ફોન જોઇ શકાય છે.

(3:58 pm IST)