રાજકોટ
News of Monday, 9th September 2019

તું પણ મમ્મીને કપડા ધોવડાવ...તેવું કહી પતિ કારખાને ગયા અને પટેલ પરિણીતાએ 'પરલોક'ની વાટ પકડી

આપઘાત કરતાં પૂર્વે ચિઠ્ઠીમાં લખ્યું-હું મારી જાતે પગલુ ભરું છું, મને માફ કરજો... : સામા કાંઠે રત્નદિપ સોસાયટીમાં બનાવઃ મિતલબેન વનાગરાએ ગળાફાંસો ખાઇ જિંદગીનો અંત આણ્યો

રાજકોટ તા. ૯: સામા કાંઠે રત્નદિપ સોસાયટીમાં પટેલ પરિણીતાએ ચિઠ્ઠી લખ્યા બાદ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે. પતિએ કારખાને જતાં પહેલા પત્નિને 'મમ્મી કપડા ધોવા બેઠા છે તો તું પણ મદદ કરાવ ને...' તેમ કહ્યું હતું. એ પછી તેણીને માઠુ લાગી જતાં આ પગલુ ભરી લીધાનું પરિવારજનોએ પ્રાથમિક તપાસમાં કહ્યું હતું.

જાણવા મળ્યા મુજબ રત્નદિપ સોસાયટી-૧ આર્યનગર ૫/૧ના ખુણે રહેતાં મિતલબેન રોહિતભાઇ વનાગરા (ઉ.૩૦) નામના પટેલ પરિણીતાએ સવારે ગળાફાંસો ખાઇ લેતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ તબિબે મૃત જાહેર કરતાં સ્વજનોમાં કલ્પાંત સર્જાયો હતો. હોસ્પિટલ ચોકીના એએસઆઇ જગુભા એન. ઝાલાએ બી-ડિવીઝનમાં જાણ કરતાં તપાસ પીએસઆઇ આર. આર. રાઠોડ અને મહેશભાઇ રૂદાલતાએ તપાસ હાથ ધરી હતી.

આપઘાત કરનાર મિતલબેનને સંતાનમાં એક પુત્ર છે. પતિ રોહિતભાઇને કારખાનુ છે. તેણીના માવતર રાજકોટમાં જ રહે છે. પોલીસને એક ચિઠ્ઠી આપવામાં આવી હતી. આ ચિઠ્ઠી મિતલબેને આપઘાત પૂર્વે લખી હોવાનું કહેવાયું હતું. તેમાં તેણીએ હું મારીજાતે આપઘાત કરુ છું, બધા મને માફ કરજો...એ પ્રકારનું લખાણ છે. પોલીસે ચિઠ્ઠીને આધારે તપાસ શરૂ કરી છે. તેમજ મૃતકના માવતર પક્ષના નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં કહેવાયું હતું કે ગઇકાલે ઘરે રાંદલમાના લોટા તેડ્યા હોઇ જાગરણ કરવામાં આવ્યું હતું. સવારે રોહિતભાઇના માતા કપડા ધોવા બેઠા હતાં. તે કારખાને જવા નીકળ્યા ત્યારે પત્નિ મિતલબેનને પણ માતાને કપડા ધોવામાં મદદ કરવાનું કહીને ગયા હતાં. એ પછી કદાચ માઠુ લાગી જતાં તેણીએ આ પગલું ભર્યુ હોવાનું સમજાય છે. પોલીસે તપાસ યથાવત રાખી છે.

(3:57 pm IST)