રાજકોટ
News of Monday, 9th September 2019

વાહન અકસ્માત મૃત્યુના કેસમાં ટ્રકની વિમા કંપનીને ૭૪ લાખનું વળતર ચુકવવા હુકમ

મેટોડાની ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતાં બે કર્મચારીઓના

રાજકોટ તા. ૯: અત્રે મેટોડા જી.આઇ.ડી.માં આવેલ કંપનીના બે કર્મચારીના વાહન અકસ્માત મૃત્યુના કેસમાં રૂ. ૭૪,૦૦,૦૦૦/- નું જંગી વળતર મંજુર કરવાનો રાજકોટ ટ્રીબ્યુનલે ટ્રકની વિમા કંપની વિરૂધ્ધ કર્યો હતો.

આ અંગેની હકીકત એવી છે કે ફોર્ચુયન ઇન્ડ્રસ્ટીઝ નામની કંપનીમાં બે કર્મચારી જેમાં ૧. હીતેષ નાથાભાઇ કુંડારીયા તથા ર. લક્ષ્મણભાઇ મધુકરભાઇ પાટીલ કર્મચારીઓ ઉપરોકત કંપનીમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા હતા. તેઓ બન્ને મો.સા. લઇને તા. ૦ર-૦૪-ર૦૧૪ના રોજ કાલાવડ રોડ ઉપર, ખીરસરા ગામ નજીક જઇ રહ્યા હતા ત્યારે અકસ્માતમાં સંડોવાયેલ ટ્રક નં. જીજે ૧૦ યુ ૬પ૭પના ચાલકે પોતાના હવાલાવાળો ટ્રક પુરઝડપે, ગફલટભરી રીતે તેમજ ટ્રાફીકના નિયમોનું ઉલ્લંઘન કરી ચલાવીને હિતેષભાઇ તથા લક્ષ્મણભાઇને મો.સા. સહીત હડફેટે લઇ અકસ્માત સર્જેલ હતો.

આ અંગેનો કલેઇમ કેસ ગુજરનારના વારસદારોએ રાજકોટ ખાતે તા. ૧૭-પ-ર૦૧૪ના રોજ દાખલ કરેલ. આ અંગેનો કલેઇમ ટ્રીબ્યુનલ રાજકોટ ખાતે ચાલી જતા અરજદારોના વકીલશ્રી કલ્પેશ કે. વાઘેલા તથા રવિન્દ્ર ડી. ગોહેલે હાલની મોંઘવારી મુજબ તેમજ ગુજરનાર ફોર્ચુયન ઇન્ડ્રસ્ટીઝમાં નોકરી કરતા હોઇ તથા ઇન્કમટેક્ષ રીટર્ન ફાઇલ કરતા હોય અને ગુજરનારના પરીવારની સ્થિતિને ધ્યાને લઇ તેમના પરીવારનો એકમાત્ર આધાર હોઇ તેમનું ભરણપોષણ કરતા હોઇ તેવી કાયદાકીય દલીલો તેમજ નામદાર સુપ્રીમ કોર્ટના જજમેંટો રજુ કરેલ જેને ધ્યાને લઇ રાજકોટ ટ્રીબ્યુનલે ગુજરનાર મેટોડા જી.આઇ.ડી.સી.માં ફોર્ચુયન ઇન્ડ્રસ્ટીઝમાં નોકરી કરતા હોઇ જેથી ગુજરનાર ઉરોકત બન્ને કર્મચારીના અકસ્માત મૃત્યુના કેસમાં રૂ. ૭૪,૦૦,૦૦૦/- નું જંગી વળતર વ્યાજ સહીત મંજુર કરેલ છે.

આમ, ઉપરોકત બન્ને કર્મચારીના મૃત્યુના કેસમાં રૂ. ૭૪,૦૦,૦૦૦/-નું જંગી વળતર રાજકોટ ટ્રીબ્યુનલ દ્વારા મંજુર કરવામાં આવેલ જે વાહન અકસ્માતના કિસ્સામાં સિમાચિન્હરૂપ ચુકાદો ગણી શકાય.

આ કામમાં ગુજરનારના વારસદાર તરફથી રાજકોટ વકીલ શ્રી કલ્પેશ કે. વાઘેલા, રવિન્દ્ર ડી. ગોહેલ, ભાવિન આર. પટેલ, કુલદિપ પી. ધનેશા, હીરેન જે. ગોહેલ, હેમંત એલ. પરમાર, વિવેક વી. ભાંસળીયા (ગઢવી) તેમજ અર્જુન ડી. કારીયા (ગઢવી) રોકાયેલ હતા.

(3:55 pm IST)