રાજકોટ
News of Monday, 9th September 2019

કોસ્મોપ્લેક્ષમાં ઓડીજીઆઇ સર્વિસ સેન્ટરમાં મોબાઇલ ફોનના સોફટવેર સાથે ચેડા !!

મી-નોટ ૪ મોડેલનો ફોન ખરીદનાર પોલીસમેન પ્રદિપસિંહ પરમાર સાથે સેલ્સ સ્ટાફનું ગેરવર્તનઃ આઇએમઇઆઇ નંબર ફેરવી મધરબોર્ડ બદલી નાખ્યોઃ સોફટવેર સાથે છેડછાડ છેતરપીંડીની એ ડીવીઝન પોલીસમાં ફરીયાદ

રાજકોટ, તા., ૯: સેવ મમરાની માફક વેચાતા મોબાઇલ ફોન વેચવા સમયે મોબાઇલ સ્ટોરના ડીલરો અને માલીકો દ્વારા જાત જાતની લલચામણી ઓફરો ગ્રાહકોને આપવામાં આવતી હોય છે. પરંતુ જયારે જયારે ગેરંટી-વોરંટી પીરીયડ દરમિયાન કોઇ મોબાઇલ ઇન્સ્ટુમેન્ટમાં ખામી ઉભી થાય ત્યારે ગ્રાહકો સાથે મોબાઇલ કંપનીના સર્વિસ સેન્ટરો દ્વારા રીતસરની અવળચંડાઇ  કરવામાં આવતી હોવાની અનેક ફરીયાદો કર્ણોપકર્ણ  ચર્ચાતી હોય છે. ઘણી બધી ફરીયાદો ગ્રાહક તકરાર નિવારણ  ફોરમમાં  થતી હોય છે. આવી જ અવળચંડાઇ એક જાગૃત પોલીસમેન સાથે થતા તે અંગે સર્વિસ સેન્ટર વિરૂધ્ધ છેતરપીંડી અને ફોનના સોફટવેર સાથે ચેડા કરાયાની ફરીયાદ એ ડીવીઝન પોલીસમાં નોંધાવી ધોરણસરની કાર્યવાહીની માંગણી કરવામાં આવી છે.

પોલીસ હેડ કવાર્ટર ખાતે મારૂતીનગર પોલીસ લાઇન બ્લોકમાં રહેતા પ્રદીપસિંહ અનિરૂધ્ધસિંહ પરમાર નામના પેરાલીસીસ અને હાર્ટની બીમારીથી પીડાતા પોલીસમેન  દ્વારા આ અંગે કોસ્મો કોમ્પલેક્ષની શોપ નં. રર અને ર૩ માં આવેલા ઓડીજીઆઇ સર્વિસ લીમીટેડ સામે લેખીત ફરીયાદ નોંધાવવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે , મેં ઉપરોકત સ્થળેથી મી નોટ ૪ મોડેલનો  મોંઘો મોબાઇલ ખરીદ્યો હતો. થોડા સમયમાં જ આ મોબાઇલના સોફટવેરમાં તકલીફ ઉભી થતા હું સર્વિસ સેન્ટરમાં ગયો હતો ત્યારે સેલ્સગર્લ દ્વારા મોબાઇલ લઇ ૧પ દિવસ પછી લઇ જજો તેવો ઉડાવ જવાબ આપવામાં આવ્યો હતો. જેથી અમે સમય બાબતે દલીલો કરતા અંદરના રૂમમાં જઇ બહાર આવી સાંજે ફોન લઇ જજો તેવો જવાબ મળ્યો હતો.  હું સાંજે ફોન લેવા જતા અસ્સ્લ બીલ અને સર્વિસ રેકોર્ડ આપી સેલ્સ સ્ટાફે જણાવેલ કે આ સાચવજો અમે આઇએમઇઆઇ નંબર બદલાવી નાખી રેડ મી નોટ પ નો મધરબોર્ડ નાખી મોબાઇલ  ચાલુ કરી દીધાનું સમજાવી દેવાયું હતું.

ત્યાર બાદ થોડા મહિના બાદ ફરીથી મોબાઇલમાં અચાનક જ નેટવર્ક પકડાતું બંધ થઇ ગયું હતું. સીમકાર્ડની ચકાસણી કરાવી ફરીથી સર્વિસ સેન્ટરમાં મારા મિત્રને મોકલતા સર્વિસ સેન્ટરનું નિયત ફોર્મ ભરાવી મધરબોર્ડ બગડી ગયું છે તેવું જણાવી ૬ થી ૭ હજારનો ખર્ચ જણાવવામાં આવ્યો હતો. જેથી હું ફોનના જરૂરી આધાર પુરાવા સાથે સર્વિસ સેન્ટર ઉપર વાતચીત કરવા ગયો ત્યારે ફોનના આધાર પુરાવા આપવાની કોઇ જોગવાઇ નથી તેમ કહી અપમાનીત કરવામાં આવ્યો હતો. આવા જવાબથી મને આર્થિક શારીરીક આઘાતની લાગણી અનુભવાઇ હતી.  જેથી તુરંત જ સર્વિસ સેન્ટરમાં ફોનમાંથી સીમ કાર્ડ લઇ પાછો આવી ગયેલ. અમોને સર્વિસ સેન્ટરમાં અંદરના રૂમમાં મારા મોબાઇલ સોફટવેર સાથે છેડછાડ થયાની પુરેપુરી શંકા છે. આ બાબતે યોગ્ય કાર્યવાહી કરી ન્યાય અપાવવા મારી માંગણી છે તેવું પ્રદીપસિંહએ પોલીસ સ્ટેશનમાં કરેલી ફરીયાદ અરજીમાં જણાવાયું છે.

(3:51 pm IST)