રાજકોટ
News of Monday, 9th September 2019

બેંકની હોમલોનનું કરજ વધી જતા માસુમ બાળકની હત્યા અંગે માતા-પિતા જામીન પર

રાજકોટ, તા. ૯ :. રાજકોટમાં હંસરાજનગરમાં રહેતા મનીષભાઈ મહેશભાઈ રાવતાણી અને તેની પત્નિ ભાવીકાબેન મનીષભાઈ રાવતાણીએ તેમના બાળકને ગળાટુપો દઈ મારી નાખી પોતે આત્મહત્યા કરતા અને બચી જતા પ્ર.નગર પોલીસે ઈ.પી.કો. કલમ ૩૦૨ના ગુન્હામાં ધરપકડ કરતા જામીન પર છોડવામાં આવેલ છે.

આ બાબતની હકિકત એવી છે કે મનીષભાઈ રાવતાણી અને ભાવિકાબેન રાવતાણી જેઓ પતિ-પત્નિ છે. તેમના પર આઈ.સી.આઈ.સી.આઈ. બેન્કની હોમલોનનું કરજ વધી જતા કંટાળીને આત્મહત્યા કરવાનું નક્કી કરેલ અને તેમણે પોતાના દોઢ વર્ષના બાળકને ગળાટુપો દઈ મારી નાખેલ. ત્યાર બાદ તેઓ પોતાના હાથની નસો કાપી અને સળગી અને આત્મહત્યા કરવા પ્રયત્ન કરેલ. પરંતુ તેઓ બચી જતા પ્ર.નગર પોલીસે બન્ને પતિ-પત્નિ વિરૂદ્ધ નાના બાળકને મારી નાખવાના ગુન્હામાં ઈ.પી.કો. કલમ ૩૦૨, ૧૧૪નો ગુનો દાખલ કરી ધરપકડ કરેલ. જેની જામીન અરજી ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવતા બનાવના સંજોગોને ધ્યાને લઈ બન્ને પતિ-પત્નિને રૂ. ૧૦,૦૦૦ના જામીન ઉપર છોડવા હુકમ કરેલ છે.

બન્ને તહોમતદારોના એડવોકેટ તરીકે સમીરખાન પઠાણ, બળવંતસિંહ રાઠોડ, નિલેશ દવે, બહાદુરસિંહ ઝાલા અને ધર્મિષ્ઠાબા જાડેજા રોકાયેલ હતા.

(3:47 pm IST)