રાજકોટ
News of Monday, 9th September 2019

પેટ્રોલ પંપના સંચાલક દિનેશભાઇ ચોલેરાને મારી નાંખવાની ધમકી દઇ બુટલેગર ગડાએ ૫૦ હજારની ખંડણી પડાવી!

મુરલીધર વે બ્રીજ પાસે લાભ પેટ્રોલિયમ નામે પંપ ધરાવતાં વેપારીની થોરાળા પોલીસમાં ફરિયાદઃ પંપની ઓફિસના દરવાજા, ખુરશીમાં તોડફોડ કરી રૂ. ૬૦૦નું મફત પેટ્રોલ પુરાવી ભાગી ગયો'તોઃ હિતેષ ઉર્ફ ગડો કાપડી ગાંધીનગરમાં દારૂના જથ્થા સાથે ઝડપાયોઃ કબ્જો મેળવવા તજવીજ

રાજકોટ તા. ૯: થોરાળા વિસ્તારના મુરલીધર વે બ્રીજ પાસે પેટ્રોલ પંપ ધરાવતાં લોહાણા વૃધ્ધના પંપે આજી વસાહત ખોડિયારપરાના બુટલેગર બાવાજી શખ્સે આવી મેનેજર અને કર્મચારીઓને ગાળો ભાંડી 'તારા શેઠને કહેજે ૫૦ હજાર આપી દે, નહિતર પતાવી દઇશ' તેવી ધમકી આપી તોડફોડ કરી બળજબરીથી ૫૦ હજારની ખંડણી પડાવી જતાં થોરાળા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. દરમિયાન આ બાવાજી શખ્સને ગાંધીનગર પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે દબોચી લેતાં ત્યાંથી કબ્જો મેળવવા થોરાળા પોલીસે તજવીજ આદરી છે.

થોરાળા પોલીસે આ મામલે નિર્મલા રોડ પર પ્રકાશ સોસાયટી-૨માં 'શકિત' ખાતે રહેતાં અને થોરાળા વિસ્તારમાં શ્રી હરિ ઇન્ડસ્ટ્રીઝ એરિયાની બાજુમાં મુરલીધર વે બ્રીજ સામે શ્રી લાભ પેટ્રોલિયમ નામે પેટ્રોલ પંપ ચલાવતાં દિનેશભાઇ હરિભાઇ ચોલેરા (લોહાણા) (ઉ.વ.૬૦)ની ફરિયાદ પરથી આજી વસાહત ખોડિયાર પરાના હિતેષ ઉર્ફ ગડો કાપડી સામે આઇપીસી ૩૮૭, ૪૨૭, ૫૦૪ મુજબ ગુનો નોંધ્યો છે.

દિનેશભાઇ ચોલેરાએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું તથા મારા ભાઇ કલ્પેશભાઇ પેટ્રોલ પંપમાં બેસીએ છીએ અને આ પંપના મેનેજર તરીકે બ્રહ્માણી હોલ પાસે રાધેશ્યામ સોસાયટીમાં રહેતાં મનિષભાઇ કેશવજીભાઇ દવે કામ કરે છે. ફિલરમેન તરીકે કુલ ૧૮ કર્મચારીઓ છે. તા. ૪/૮ના રાત્રે સાડા દસેક વાગ્યે હું ઘરે હતો ત્યારે મેનેજર મનિષભાઇએ ફીલરમેન હરગોવિંદભાઇ કુબાવતના ફોનમાંથી ફોન કર્યો હતો. આ વખતે ખોડિયારપરાનો હિતેષ ઉર્ફ ગડો કાપડી ગાળો બોલતો સંભળાયો હતો અને કહેતો હતો કે તારા શેઠને ફોન કર...મારે રૂપિયા જોઇએ છે, મને રૂપિયા આપવાની ના જ કેમ પડાય?...મેનેજરે સમજાવીને અત્યારે જતો રહે, સવારે આવજે તેમ કહ્યું હતું. એ પછી ફોન કાપી નાંખ્યો હતો.

ત્યારબાદ તા. ૫ના સવારે આઠેક વાગ્યે હું પેટ્રોલ પંપે ગયો હતો અને મનિષભાઇ પણ આવી ગયા હતાં. ફિલરમેને ગોવિંદભાઇ કુબાવત, અનુપ શર્મા, સિકયુરીટી લક્ષમણભાઇ રબારી સહિતના હતાં. તેણે આગલી રાતે હિતેષ ઉર્ફ ગડો કાપડી આવ્યાની વાત કરી હતી અને ૫૦ હજારની ખંડણી માંગતો હોવાની ધમકી આપતો હતો તેવી વાત કરી હતી. ગડો બળજબરીથી તેના બાઇકમાં રૂ. ૬૦૦નું પેટ્રોલ પણ પુરાવી ગયો હતો અને પૈસા આપવા નથી તેમ કહી માથાકુટ કરી પંપની ઓફિસના દરવાજાના કાચ ફોડી નાંખ્યા હતાં તેમજ ખુરશીમાં પણ તોડફોડ કરી હતી.

જતાં જતાં કર્મચારીઓ સમક્ષ એવી ધમકી પણ આપી હતી કે જો ૫૦ હજાર મને નહિ અપાય તો તારા શેઠને મારી નાંખશું.  જે તે વખતે કલ્પેશભાઇને ફોન કરી દસ હજાર ખિસ્સામાં હતાં તે અને બીજા ૪૦ હજાર શકિત ટી સ્ટોલવાળા મુકેશભાઇ પાસેથી લઇ હિતેષ ઉર્ફ ગડાને આપતાં તે જતો રહ્યો હતો. સીસીટીવી ફૂટેજ જોયા બાદ હિતેષના બનેવી ભીખુદાસ ગોંડલીયા જે પંપના ટેન્કરમાં નોકરી કરતાં હોઇ તેને વાત કરતાં તેણે પોતે હિતેષને સમજાવીને પૈસા પાછા અપાવી દેશે તેવી વાત કરી હતી. વધુ માથાકુટ ન થાય તેથી જે તે વખતે ફરિયાદ કરી નહોતી. એ પછી હિતેષે પૈસા પાછા ન આપતાં અને તેના બનેવીએ જે કરવું હોય તે કરવાનું કહી દેતાં અંતે ફરિયાદ કરી હતી.

થોરાળા પી.આઇ. બી. ટી. વાઢીયાની રાહબરીમાં પીએસઆઇ કે. કે. પરમાર અને સ્ટાફે તપાસ શરૂ કરી હતી. દરમિયાન હિતેષ ઉર્ફ ગડો કાપડી ગાંધીનગરમાં દારૂના જથ્થા સાથે ઝડપાઇ ગયાની જાણ થતાં થોરાળા પોલીસે તેનો કબ્જો મેળવવા તજવીજ કરી છે.

પોલીસ સુત્રોના કહેવા મુજબ હિતેષ ઉર્ફ કાપડી અગાઉ દારૂના ગુનામાં સંડોવાઇ ચુકયો છે.

(1:16 pm IST)