રાજકોટ
News of Monday, 9th September 2019

સિવિલ હોસ્પિટલ પોસ્ટ મોર્ટમ રૂમના કર્મચારી દિલીપભાઇ વાઘેલાનું હાર્ટએટેકથી મોત

તેર વર્ષથી પોસ્ટ મોર્ટમ રૂમમાં ફરજ બજાવતાં હતાં: સ્વજનો, સાથી કર્મચારીઓમાં શોક

રાજકોટ તા. ૯: સિવિલ હોસ્પિટલના પોસ્ટ મોર્ટમ રૂમમાં તેર વર્ષથી સ્વીપર તરીકે ફરજ બજાવતાં દિલીપભાઇ હીરાભાઇ વાઘેલા (વાલ્મિકી) (ઉ.૪૮)ને સાંજે સાડા છએક વાગ્યે ઘરે હતાં ત્યારે અચાનક છાતીમાં દબાણ થતાં બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃતદેહ જ પહોંચ્યાનું તબિબે જાહેર કરતાં સ્વજનોમાં શોક છવાઇ ગયો હતો.

હોસ્પિટલ ચોકીના એએસઆઇ જગુભા ઝાલાએ જાણ કરતાં પ્ર.નગરના હેડકોન્સ. વિજયસિંહે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર દિલીપભાઇ ચાર ભાઇ અને બે બહેનમાં મોટા હતાં. સંતાનમાંં એક પુત્રી અને ત્રણ પુત્ર છે. દિલીપભાઇને અગાઉ પણ ત્રણેક વખત હાર્ટએટેક આવ્યો હતો. બે વર્ષ પહેલા ખાનગી હોસ્પિટલમાં બાયપાસ સર્જરી પણ કરાવી હતી. તે વખતે સિવિલ હોસ્પિટલના સામાજીક કાર્યકર રમણિકભાઇ પરમાર જાતે તેમને હોસ્પિટલમાં લઇ ગયા હતાં અને બાયપાસ કરાવડાવ્યું હતું.

દિલીપભાઇ તેર વર્ષથી સિવિલ હોસ્પિટલના પોસ્ટ મોર્ટમ રૂમ ખાતે નોકરી કરતાં હતાં. ખુબ જ સરળ અને મળતાવડા સ્વભાવના હોઇ સાથી કર્મચારીઓ, તબિબી સ્ટાફમાં સારું માન ધરાવતાં હતાં. સોૈએ સદ્દગતને શ્રધ્ધાંજલિ આપી હતી.

(1:14 pm IST)