રાજકોટ
News of Monday, 9th September 2019

પુનિતનગર વૃંદાવન સોસાયટીના કારખાનેદાર પ્રદિપ ઠુમ્મરની પજવણીથી કંટાળી યુવતિએ ફિનાઇલ પીધું

તું મને મોબાઇલ નંબર નહિ આપ તો મરી જઇશ...પંદર દિ' સુધી પીછો કરી ધમકી દીધી!: મુળ બગસરાના બાલાપુરનો વતનીઃ તાલુકા પોલીસે ગુનો નોંધી સકંજામાં લઇ કાયદાનું ભાન કરાવ્યું

રાજકોટ તા. ૯: શહેરના ગોંડલ રોડ પુનિતનગર વિસ્તારના પટેલ શખ્સે ધએક યુવતિની સતત પંદર દિવસ સુધી પાછળ પાછળ જઇ તેણીના મોબાઇલ નંબર માંગી પજવણી કરી 'જો મોબાઇલ નંબર નહિ આપ તો હું મરી જઇશ' તેવી ધમકી આપતાં કંટાળીને યુવતિએ ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતાં પોલીસે ગુનો નોંધી પટેલ શખ્સને સકંજામાં લેવા તજવીજ કરી છે.

પુનિતનગર વિસ્તારની બાવીસ વર્ષની યુવતિએ રાત્રે ફિનાઇલ પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં ચોકીના હેડકોન્સ. ડી. કે. ખાંભલાએ તાલુકા પોલીસને જાણ કરી હતી. તાલુકા પોલીસ મથકના એએસઆઇ અજીતસિંહ જાડેજા, રિતેશભાઇ પટેલે હોસ્પિટલે આવી યુવતિની પુછતાછ કરતાં પોતાને પ્રદિપ મનસુખભાઇ ઠુમ્મર નામનો પટેલ શખ્સ હેરાન કરતો હોઇ કંટાળીને આ પગલું ભર્યાનું જણાવતાં પોલીસે તેણીની ફરિયાદ પરથી આઇપીસી ૩૫૪ (ઘ) મુજબ ગુનો નોંધી પ્રદિપને સકંજામાં લીધો હતો.

તેણીએ એફઆઇઆરમાં જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને કારખાનામાં કામ કરી પરિવારજનોને મદદરૂપ થાવ છું. રવિવારે રાતે સાડા દસેક વાગ્યે હું ઘરે હતી અને મારા માતા-પિતા-ભાઇ રામદેવપીર ચોકડીએ કામ સબબ ગયા હતાં. તે વખતે બાથરૂમમાંથી ફિનાઇલની બોટલ લઇ પી ગઇ હતી. માતા-પિતા આવી જતાં તેણે મને કારણ પુછતાં મેં તેને જણાવ્યું હતું કે પુનિતનગર પાસે વૃંદાવન સોસાયટી-૩માં રહેતો પ્રદિપ ઠુમ્મર છેલ્લા પંદરેક દિવસથી હું જ્યારે કારખાને કામ કરવા જાવ છુ ત્યારે પાછળ આવી મોબાઇલ નંબર માંગે છે અને જો મોબાઇલ નંબર નહિ આપે તો હું મરી જઇશ તેવી ધમકીઓ આપે છે. તેનાથી કંટાળી જઇને મેં ફિનાઇલ પી લીધી છે.

પીઆઇ વી.એસ. વણઝારાની રાહબરીમાં એએસઆઇ અજીતસિ઼હ, રિતેશભાઇ સહિતે પ્રદિપને સકંજામાં લેવા તજવીજ કરી હતી. પીએસઆઇ જી.એસ. ગઢવીને આગળની તપાસ સોંપાઇ છે.  પ્રદિપ કારખાનુ ધરાવે છે અને મુળ બગસરાના બાલાપુરનો વતની છે. રાજકોટ મામા સાથે રહે છે.

(1:14 pm IST)