રાજકોટ
News of Monday, 9th September 2019

ત્રણ પોલીસમેન અને એક વોર્ડને લૂંટ કરી!: ધરપકડ

'તમે સલૂનમાં લેડિઝ રાખી ખોટા ધંધા કરો છો'...કહી સલૂન સંચાલક અશોકભાઇ વાળંદને ફડાકા માર્યા...એ પછી ૮૫ હજાર રોકડા અને સીસીટીવીનું ડીવીઆર લૂંટી ગયા'તા :યુનિવર્સિટી રોડ પર સુવર્ણ કોમ્પલેક્ષમાં ૬ઠ્ઠી તારીખે બપોરે પહેલા એક શખ્સ ગ્રાહક બનીને આવ્યો પછી બીજા ત્રણ આવ્યા...દૂકાનદારને 'અમે ગાંધીગ્રામ ડી. સ્ટાફમાંથી આવીએ છીએ, તમે દૂકાનમાં ખોટુ કામ કરો છો...' કહી મારકુટ કરી ધમકાવી લૂંટ કરી'તીઃ ગાંધીગ્રામ પોલીસે ચારેયને દબોચ્યા

કાયદાના રખેવાળો જ બન્યા ગુનેગારઃ  ત્રણ પોલીસમેન અને એક ટ્રાફિક વોર્ડને મળી સલૂનના સંચાલકને ધમકાવી લૂંટ કર્યાની ઘટનામાં ચારેયની ગાંધીગ્રામ પોલીસે ધરપકડ કરી હતી. આ બાબતે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી અજયકુમાર ચોૈધરી, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી પી. કે. દિયોરા, એસીપી જે. એચ. સરવૈયા તથા પી.આઇ. વી. વી. ઓડેદરાએ માહિતી આપી હતી (ઉપરની તસ્વીર), નીચેની તસ્વીરમાં ચારેય આરોપીઓ (ચહેરા ઢાકેલા) સાથે પોલીસ કર્મચારીઓ જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૯: યુનિવર્સિટી રોડ પર સુવર્ણ કોમ્પલેક્ષમાં એન્જોય હેર નામે સલૂન ધરાવતાં અને રૈયા ચોકડીએ ફાસ્ટફૂડનો ધંધો કરતાં વાળંદ યુવાનના સલૂનમાં ચાર શખ્સોએ ઘુસી જઇ પોતે ગાંધીગ્રામ ડી. સ્ટાફના કર્મચારીઓ છે, તમે સલૂનમાં લેડિઝ રાખીને ખોટા ધંધા કરો છો...તેમ કહી ફડાકા મારી રૂ. ૮૫ હજારની રોકડ અને પૂરાવાનો નાશ કરવાના ઇરાદે સીસીટીવીના ડીવીઆરની લૂંટ કરતાં ગાંધીગ્રામ પોલીસે બે શખ્સને સકંજામાં લીધા છે. આ ચારેયમાં બે  ટ્રાફિક પોલીસમેન છે અને એક હેડકવાર્ટરનો સસ્પેન્ડ પોલીસ કર્મચારી છે, તેમજ ચોથો ટ્રાફિક વોર્ડન છે. પોલીસે જ આવા ધંધા કરતાં ચકચાર મચી ગઇ છે.

ગાંધીગ્રામ પોલીસે આ બનાવ સંદર્ભે રૈયા ચોકડી નજીક સરકારી કર્મચારી સોસાયટી બ્લોક નં. ૬૬/૨ શેરી નં. ૭માં ચંદન પાર્ક મેઇન રોડ પર રહેતાં અને રૈયા ચોકડી આનંદ પ્લાઝા કોમ્પલેક્ષ દૂકાન નં. ૧માં બાલાજી ફાસ્ટફૂડ નામે ખાણીપીણીનો ધંધો કરતાં તેમજ યુનિવર્સિટી રોડ પર

સુવર્ણ કોમ્પલેક્ષ દૂકાન નં. ૯ ખાતે એન્જોય હેર એન્ડ સલૂન નામે વાળંદ કામની દૂકાનમાં બેસી ગુજરાન ચલાવતાં અશોકભાઇ ધીરજલાલ વાઘેલા (ઉ.૪૩) નામના વાળંદ યુવાનની ફરિયાદ પરથી કેયુર વનરાજભાઇ આહિર, જોગેશ રમેશભાઇ ગઢવી અને બે અજાણ્યા સામે આઇપીસી ૩૯૪, ૨૦૧, ૧૭૦, ૩૪ મુજબ લૂંટના ઇરાદે ગ્રાહક બનીને જઇ બાદમાં પોલીસની ઓળખ આપી તમે ખોટા ધંધા કરો છો? તેમ કહી ફડાકા મારી રોકડ-ડીવીઆર મળી ૮૯ હજારની લૂંટ કરવા અંગે ગુનો નોંધ્યો છે.

અશોકભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે હું તા. ૬ના બપોરે એકાદ વાગ્યે મારી એન્જોય સલૂનમાં હતો ત્યારે કર્મચારી સીમરનબેને કહ્યું હતું કે એક ગ્રાહકનો ફોન આવ્યો છે તે આવે છે. આથી હું તેની રાહ જોઇને બેઠો હતો. એ દરમિયાન દોઢેક વાગ્યે એક ભાઇ આવ્યા હતાં. સીમરનબેને ગ્રાહક આવી ગયા છે તેમ કહેતાં એ ભાઇ મારી બાજુમાં બેસી ગયા હતાં. એ પછી બીજા ત્રણ શખ્સો આવ્યા હતાં અને એ ત્રણેયએ પોતે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના ડી. સ્ટાફમાંથી આવ્યા હોવાની ઓળખ આપી હતી.

એ પછી આ શખ્સોએ 'તમે તમારા સલૂનમાં લેડિઝ મારફત ખોટા ધંધા કરાવો છો' તેમ કહી ધમકાવવાનું ચાલુ કર્યુ હતું. મેં તેને અમે સલૂનમાં કોઇ ખોટુ કામ નથી કરતાં તેમ કહેતાં સોૈ પહેલા આવેલા એક ગ્રાહક તથા પાછળથી આવેલા ત્રણેયે મળી સલૂનના ખાના ફંફોળ્યા હતાં. મેં તેને અમે કોઇ ખોટુ કામ નથી કરતાં તેમ વિનંતી કરતાં એક શખ્સે લાફો મારી દીધો હતો અને તું ચુપ રહે તેમ કહ્યું હતું.

એ પછી બીજા ત્રણ શખ્સોએ ટેબલના ખાનામાંથી રૂ. ૫ હજાર રોકડા લઇ લીધા હતાં. મારા સાઢુભાઇ મને ૮૦ હજાર રૂપિયા આપી ગયા હોઇ તે મેં મારા ખિસ્સામાં રાખ્યા હતાં. આ રકમ પણ બે શખ્સોએ મને અંદરની કેબીનમાં લઇ જઇ ફડાકા મારી ખિસ્સામાંથી કાઢી લીધા હતાં. ત્યારબાદ દૂકાનમાં લગાડેલા સીસીટીવી કેમેરા ધ્યાને આવતાં અંદરો-અંદર ચારેયએ વાત કરી હતી કે આનું ડીવીઆર કાઢી લઇએ એટલે પુરાવો નહિ રહે, એ પછી ડીવીઆર પણ કાઢીને સાથે લઇગયા હતાં.

આ બનાવ બાદ હું ગભરાઇ જતાં સલૂન બંધ કરી ઘરે જતો રહ્યો હતો. એ પછી મેં કર્મચારી સીમરનને જે ગ્રાહકનો ફોન આવ્યો હતો તેના નંબર હોય તો આપવાનું કહેતાં તેણે મને નંબર આપ્યા હતા. તેમજ મને જાણવા મળ્યું હતું કે ચાર પૈકી એક શખ્સ લોકેસ્ટા સ્પામાં પણ ગયો હતો. ત્યાંથી પણ નંબરની ખરાઇ કરી હતી. એ પછી ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી. અહિના ડી. સ્ટાફના તમામ કર્મચારીઓને મારી સામે લાવવામાં આવ્યા હતાં. પરંતુ મારી દૂકાને આવેલા ચારમાંથી કોઇ તેમાં નહોતું.

એ પછી પોલીસે તપાસ કરતાં જે ફોન નંબરો મળ્યા હતાં તે કેયુર વનરાજભાઇ આહિર અને જોગેશ રમેશભાઇ ગઢવીના હોવાનું અને બંને પોલીસ વિભાગમાં નોકરી કરતાં હોવાનું જાણવા મળ્યું હતું. આ બંને તથા બીજા બે શખ્સોએ મળી પોલીસની ખોટી ઓળખ આપી રોકડા ૮૫ હજાર અને ડીવીઆર લૂંટી ભાગી ગયાની ફરિયાદ કરી હતી.

આ ગુનામાં પોલીસે ગાંધીગ્રામ પોલીસે હેડકવાર્ટરના સસ્પેન્ડ પોલીસ કર્મચારી કેયુર વનરાજભાઇ આહિર (ઉ.૨૪-રહે. ૩૦૧-એ, શંખેશ્વર એપાર્ટમેન્ટ પટેલ ચોક નાગેશ્વર મંદિરથી આગળ), ટ્રાફિક બ્રાંચના જોગેશ રમેશભાઇ ઠાકરીયા (ગઢવી) (ઉ.૨૯-રહે. રત્નમ્ સીટી ગેઇટ નં. ૨, મકાન નં. ડી-૧૧ એસઆરપી કેમ્પ સામે), પ્રવિણ વજુભાઇ મહિડા (અનુ. જાતી) (ઉ.૩૦-રહે. રામનાથપરા પોલીસ લાઇન બ્લોક નં. ૨ કવાર્ટર નં. ૧૭) તથા ટ્રાફિક વોર્ડન તરીકે કામ કરતાં નવઘણ યોગેશભાઇ દેગડા (ચારણ) (ઉ.૨૧-રહે. વિરડા વાજડી ગામ વીવીપી એન્જિનીયરીંગ કોલેજની સામે પ્રાર્થના એપાર્ટમેન્ટની બાજુમાં)ની ધરપકડ કરી છે.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી અજયકુમાર ચોૈધરી,ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી પી. કે. દિયોરાની રાહબરીમાં ગાંધીગ્રામ પી.આઇ. વી.વી. ઓડેદરા, પીએસઆઇ ભટ્ટ, ભાનુભાઇ મિંયાત્રા, રશ્મીનભાઇ પટેલ, રાહુલભાઇ વ્યાસ, સંતોષભાઇ મોરી, કિશોરભાઇ ઘૂઘલ,  હિતુભા ઝાલા, દિવ્યરાજસિંહ જાડેજા, દિગ્વીજયસિંહ ગોહિલ, ગોપાલભાઇ પાટીલ, દિનેશભાઇ વહાણીયા, હાર્દિકસિંહ પરમાર સહિતે આ કામગીરી કરી હતી.

ઝડપાયેલા ચારેયની વિશેષ પુછતાછ માટે રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી છે. જ્યારે લૂંટ કરી ત્યારે ચાલુ નોકરીએ હતાં કે કેમ? ખાનગી ડ્રેસમાં શા માટે ગયા? બીજા કોઇ સ્થળે આ રીતે પૈસા પડાવ્યા છે કે કેમ? તે સહિતના મુદ્દે પી.આઇ. વી. વી.  ઓડેદરા અને ટીમે તપાસ હાથ ધરી છે. (૧૪.૧૩)

ડીવીઆર કાલાવડ રોડ પર ફેંકી દીધું: રોકડ કબ્જે કરવા તજવીજ

. વાળંદના સલૂનમાંથી લૂંટેલુ ડીવીઆર  ચારેયએ કાલાવડ રોડ પર કયાંક ફેંકી દીધાનું રટણ કર્યુ છે. તે તથા રોકડ રકમ કબ્જે કરવા તજવીજ હાથ ધરાઇ છે. મોજશોખ માટે પૈસાની જરૂર હોઇ ચારેયે ભેગા મળી લૂંટ કરી હતી.

જાપ્તામાંથી કેદી ભાગી જતાં કેયુર બે મહિના પહેલા સસ્પેન્ડ થયો'તો

. લૂંટમાં ઝડપાયેલા ચાર પૈકીમાં કેયુર આહિર બે મહિના પહેલા સસ્પેન્ડ થયો હતો. તે અમરેલીમાં કેદી જાપ્તામાં ફરજ પર હતો ત્યારે કેદી ભાગી જતાં બેદરકારી સબબ તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. (૧૪.૧૩)

આ છે લૂંટ કરનારા પોલીસ કર્મચારીઓ

.જેથી ધરપકડ થઇ છે તેમાં હેડકવાર્ટરના સસ્પેન્ડ પોલીસમેન કેયુર વનરાજભાઇ આહિર, ટ્રાફિક બ્રાંચના જોગેશ રમેશભાઇ ગઢવી, પ્રવિણ વજુભાઇ મહિડા અને ટ્રાફિક વોર્ડન નવઘણ યોેગેશભાઇ દેગડાનો સમાવેશ થાય છેઃ ચારેયના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી છે

(3:48 pm IST)