રાજકોટ
News of Monday, 9th September 2019

બળાત્કાર-આપઘાતની ફરજ પાડવાના ગુનામાં જમિલ સોલંકીને ભગવતી હોલ-શિવપરામાં લઇ જઇ એસઓજી-ક્રાઇમ બ્રાંચે પુછતાછ કરી

રાજકોટઃ રૈયા રોડ ભગવતી હોલ પાછળ શિવપરામાં રહેતાં અને હાલ દૂધની ડેરી પાસે રહેતાં જમિલ બસીરભાઇ સોલંકી (ઉ.૨૩)ની એક યુવતિને ધમકાવી ધરાર પ્રેમજાળમાં ફસાવી ગોંધી રાખી બળાત્કાર ગુજારતાં અને તેણીની સગાઇ થઇ ગયા પછી પણ ધમકીઓ આપતાં આ યુવતિએ આપઘાત કરી લેતાં યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી તેની અને મદદગારી કરનાર તેની માતા અસ્માબેન (ઉ.૬૫)ની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતાં છ દિવસના રિમાન્ડ મંજૂર થયા હતાં. દરમિયાન આ ગુનામાં વકિલ દિવ્યેશ રાજેશભાઇ મહેતા (રહે. ૧૫૦ ફુટ રીંગ રોડ, અયોધ્યા ચોક, કલાઉડ ૯ એપાર્ટમેન્ટ)ની પણ ધરપકડ કરવામાં આવી હતી. તેને રિમાન્ડ માંગણી સાથે ગઇકાલે કોર્ટમાં રજૂ કરાયેલ. બંને પક્ષની દલિલો બાદ વકિલના જામીન મંજુર કરવામાં આવ્યા હતાં. એ પછી સાંજે ક્રાઇમ બ્રાંચ પીઆઇ એચ. એમ. ગઢવી, એસઓજી પી.આઇ. આર. વાય. રાવલ અને ટીમોએ મુખ્ય આરોપી જમિલ સોલંકીને રૈયા રોડ ભગવતી હોલ પાસે અને અગાઉ તે જ્યાં રહેતો હતો તે શિવપરા વિસ્તારમાં લઇ જઇ તપાસની કાર્યવાહી કરતાં લોકોના ટોળા કાર્યવાહી જોવા એકઠા થઇ ગયા હતાં.

(11:12 am IST)