રાજકોટ
News of Tuesday, 9th August 2022

આજીડેમ ચોકડીએ રૂમના તાળા તોડી ગેસના બાટલા, ચુલો અને ૧૨ હજાર રોકડની ચોરી

મુળ બિહારના સચીન તંતીની ફરિયાદઃ તે અને બે રૂમ પાર્ટનર કામે ગયા બાદ બનાવઃ આજીડેમ પોલીસે ગુનો નોંધી તપાસ આદરી

રાજકોટ તા. ૯: આજીડેમ ચોકડી પાસે રહેતાં ત્રણ બિહારી મજૂરની ઓરડીના તાળા તોડી કોઇ ગેસના બે બાટલા, ચુલો, રેગ્‍યુલેટર અને રોકડા ૧૨ હજાર મળી સતર હજારની મત્તા ચોરી જતાં ફરિયાદ થઇ છે.  આ બનાવમાં પોલીસે આજીડેમ ચોકડી પાસે મુરલીધર કરિયાણાવાળી શેરીમાં મફતીયાપરામાં રહેતાં મુળ બિહારના વતની અને કારખાનામાં મજૂરી કરતાં સચીનકુમાર અનુપમલાલ તંતી (ઉ.૪૨)ની ફરિયાદ પરથી ચોરીનો ગુનો નોંધ્‍યો છે.

સચીનકુમાર સાથે રૂમમાં રાજકુમાર હીરા તંતી અને વિવેક હીરા તંતી પણ રહે છે. આ મકાનના માલિક રાજાભાઇ સુવા છે. ૨૫/૭ના રોજ સચીનકુમાર અને તેના બે રૂમ પાર્ટનર એમ ત્રણેય રૂમને તાળુ મારી કારખાને મજૂરીએ ગયા હતાં. સાંજે સાતેક વાગ્‍યે વિવેક કામેથી રૂમે આવતાં તાળા તૂટેલા જોવા મળ્‍યા હતાં. રૂમાંથી ગેસના બે બાટલા જેમાં એક ભરેલો અને એક ખાલી તથા રેગ્‍યુલેટર, ચુલો ચોરાઇ ગયા હતાં. આ ઉપરાંત સચીનકુમારની બેગ રૂમમાં હતી તે ખોલી તેમાંથી રૂા. ૧૨ હજારની રોકડ પણ ચોરી જવામાં આવી હતી.

આ અંગે મકાન માલિકને જાણ કરતાં ઘરેમેળે શોધખોળ બાદ પોલીસને જાણ કરતાં એએસઆઇ વી. બી. સુખાનંદી અને વિક્રમભાઇએ કુલ ૧૭ હજારની ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

(3:36 pm IST)