રાજકોટ
News of Sunday, 9th August 2020

જીવનમાં આવો દોસ્ત મળવો દુલર્ભ છે

કિરીટ જી. ગણાત્રા : અજીત.જી. ગણાત્રા : એ.ટી. શાહ : હર્ષદ દાવડા : દિપક ભટ્ટ : સુરેશ ભટ્ટ

રાજકોટઃ ૫૫ વર્ષની અતૂટ મિત્રતા, અપાર લાગણીનો છલકતો દરિયો એટલે રીટાયર્ડ નેવી ઓફીસર શ્રી રવિદાસ ગોંડલીયા... જેને હંમેશ હું રવુભાઇ...રવુબાપા કહીને બોલાવતો.. ભાગ્યે જ કોઇ દિવસ ખાલી જાય કે રવુભાઇનો ફોન આવ્યો ન હોય... કોરોના પ્રકોપને લીધે અમે બંને મિત્રો છેલ્લા ૪ મહિનામાં એકાદ વખત માંડ મળ્યા હશું... ફોનમાં કહે '' બાપુ, ના પાડતા નહિ, એકવાર મળી જાઉ... તમને મળુ છું તો એક ઉર્જા મળે છે... '' આવો ભાઇઓથી વિશેષ પ્રેમ હમેશ જળવાઇ રહેલ.

દાયકાઓ પૂર્વે રવુભાઇ મારા પિતાશ્રી સ્વ. ગુણવંતભાઇ (બાબુભાઇ) ગણાત્રા પાસે અમારા જય સૌરાષ્ટ્ર પ્રિ. પ્રેસમાં કોલેજનું સોવેનિયર પ્રિન્ટ કરાવવા આવતા. એ સમયે જી.એસ. યુનિયન ખુબ કાર્યરત હતુ. રાજકોટની બધી કોલેજોના વિદ્યાર્થી યુનિયનોના તેઓ જી.એસ. જનરલ સેક્રેટરી  હતા. રવુભાઇનો એ સમયે મોટો દબદબો હતો. વિદ્યાર્થીઓના પ્રશ્ને રવુભાઇ કોઇપણ ડર વિના મોખરે હોય, લડત આપે, નિવારણ લાવે... એ સમયથી મિત્રતાનો સેતુ સર્જાયો જે આજે પાંચ દાયકા પછી એવોને એવો રહેલ.

રવિભાઇ ગોંડલીયાએ ચૌધરી હાઇસ્કુલ રાજકોટમાં શિક્ષણ લીધુ. ૧૯૬૮ની સાલમાં રવિભાઇ ગોંડલીયા રાજકોટની પોલીટેકનીક કોલેજમાં એન્જીનીયરીંગનો અભ્યાસ કરતા હતા એ સમયે રાજકોટની તમામ કોલેજોના જીએસનું યુનિયન થયું. રવિભાઇ પોલીટેકનીક વિદ્યાર્થી એસો.ના જી.એસ. હતા અને તેમની અપ્રિતમ વિદ્યાર્થી પ્રવૃતિને ધ્યાનમાં રાખીને રાજકોટ જી.એસ. કોલેજ એસો.ના પણ જનરલ સેક્રેટરી થયા હતા. એ પછી તેઓ નેવીમાં ફિલ્ડ એન્જીનીયર તરીકે જોડાયા  દુનિયાના ૮૦થી વધુ દેશોની તેમણે સફર કરી હતી.

૩-૪ દિવસ પહેલા રવુભાઇને વ્હેલી સવારે ૬ વાગે સીવીયર હાર્ટએટેક આવ્યો. ૩ દિવસ રવુભાઇએ જબરી લડાઇ આપી પણ અંતે તો કાળની ગતિ ન્યારી છે, રવુભાઇએ અણધારી વિદાય લીધી.

૮૦થી વધુ દેશો તેઓ દરિયામાર્ગે બબ્બે વખત જઇ આવ્યા હતા. તેમની પાસે મારે યાદગાર દરિયાઇ તોફાનો લખાવવા હતા તે ખ્વાહીશ અધુરી રહી ગઇ.... મને વચન આપેલ કે હું અકિલા માટે જીવનના યાદગાર પ્રસંગો, સમુદ્ર સફરોની દિલધડક સત્ય ઘટનાઓ અચુક લખીશ, પણ મારી એ ઇચ્છા પુરી ન થઇ.

કચ્છના કંડલાના કિનારે ૨૦૦ કિ.મી. ઝડપે વાવાઝોડું ફુંકાયું ત્યારે શ્રી રવિભાઈ ગોંડલીયા જે તોતીંગ જહાજમાં હતા. તેનો કંટ્રોલ જતો રહેલ અને આ જહાજ બેકાબુ બની કંડલા બંદર તરફ ધસમસી રહેલ જયાં અન્ય મોટા જહાજ લાંગરેલા હતા. પરમ હનુમાનભકત રવુભાઈ કહેતા કે મોત નિશ્ચિત નજર સમક્ષ હતું. ઈષ્ટદેવને યાદ કરી હનુમાન ચાલીસાનો સતત પાઠ શરૂ કરી બધું ઈશ્વર ઉપર છોડી દીધેલ. અમારા હાથમાં કશું ન હતું. જહાજ ઉપર કોઈ કંટ્રોલ રહેલ નહિ ૧૮૦ થી ૨૦૦ કી.મી. ઝડપે વાવાઝોડું ફૂંકાતું હતું. પણ કંડલા કિનારે લાંગરેલા જહાજથી ૨૦૦ -૪૦૦ મીટર દૂર અમારૃં જહાજ હતું. ત્યારે અચાનક જહાજની દિશા બદલી અને બંદર ઉપર જહાજ અથડાવવાના બદલે દરિયામાં વળી ગયું, અમે બધા બચી ગયા...

આવા અનેક પ્રસંગો રવુભાઈના જીવનમાં બન્યા હતા. જેને શાબ્દિક દેહ આપવવાનું મારૃં સ્વપ્ન અધુરૃં રહી ગયું.

રવુભાઈના બન્ને પુત્રો ચિ.હિમેન અને ચિ.પંકજ બન્ને ખૂબ આજ્ઞાંકિત પુત્રો છે. બન્નેએ  રવુભાઈની ખૂબ સેવા કરી છે.  તો રવુભાઈના ભાઈ નગીનભાઈ, ભત્રીજા રમેશભાઈ, ચિ.મીત, ચિ. ધનુષ સહુ પરિવાર વચ્ચે અનુકરણ કરવા લાયક સંપ છે  તે ભગવાન યથાવત રાખે તેવી પ્રાર્થના.

રવુભાઈ જેવો નિરાભીમાની, સત્યનિષ્ઠ, પવિત્ર, હિમતવાન, ઉર્જાવાન, મિત્ર જીવનમાં મળવો દુર્લભ છે. જન્મો જન્મ આવા મિત્રો મળતા રહે તેવી ઈશ્વરને પ્રાર્થના સાથે આ મહામાનવ એવા મિત્રને સત્ સત્  વંદન... અલવિદા...

એક પછી એક મિત્રો વિદાય લેવા માંડયા છે. દિનેશ ઠાકર, ભદ્રેશ ઉપાધ્યાય, પ્યારેજી, રસિક બાવલીયા, અનિલ સંઘવી, હર્ષદ ચાવડા અને રવિભાઈ ગોંડલીયા.. મનને અપાર દુઃખ થાય છે પણ આ ગતી તો સહુ માટે નિર્માણ થયેલ છે,  આ એક જ દોર એવો છે જે ઈશ્વરે પોતાના હાથમાં રાખ્યો છે અને આપણે તે સ્વિકારી જીવન પૂર્ણ કરવાનું રહ્યું.

(4:04 pm IST)