રાજકોટ
News of Friday, 9th August 2019

બેડીનાકા રેનબસેરામાં લુખ્ખાના ડેરાતંબૂ...હુશેન ગોલીની ત્રિપૂટીનો આતંકઃ બે દિવસમાં ચારને છરીઓ ઝીંકી દીધી

હૂશેન, ઋષી અને તેનો સાગ્રીત રાતે ગમે ત્યારે આવી પલંગ ખાલી કરવાનું કહી ધમકાવી પૈસા પડાવતાં હોવાનો આક્ષેપ : પરમ દિવસે ચંપક સવાણીને ઘાયલ કર્યા બાદ ગત રાતે ચોકીદાર જયેન્દ્રસિંહ પરમાર તથા યુપીના રામજી ઉપાધ્યાય અને લીંબડીના ભગવાન રણેસરાને લાકડીથી ફટકારી છરીના ઘા ઝીંકયાઃ એ-ડિવીઝન પોલીસે ગુનો નોંધ્યો

તસ્વીરમાં જ્યાં હુમલાની ઘટના બની તે રેનસેરા, હુમલામાં ઘાયલ પૈકીના ભગવાનભાઇ રણેસરા તથા વિગતો જણાવતા વ્યકિત જોઇ શકાય છે (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૯: બેડીનાકાના રેનબસેરામાં લુખ્ખાઓએ ડેરાતંબૂ તાણ્યા હોય તેમ છેલ્લા બે દિવસથી હુશેન ગોલી નામના શખ્સ સહિતની ત્રિપૂટી રેનબસેરામાં રાતવાસો કરવા આવતાં લોકો સાથે દાદાગીરી કરી પૈસા પડાવી રહ્યા છે, પલંગ ખાલી કરવાનું કહી હુમલો કરી રહ્યા છે. બે દિવસમાં ચાર જણાને લાકડીથી ફટકારી છરીથી ઘાયલ કર્યાના બનાવો સામે આવ્યા છે. આ મામલે પોલીસે ગુનો નોંધી હુમલાખોરોની શોધખોળ શરૂ કરી છે.

જાણવા મળ્યા મુજબ નાના મવા રાજનગરમાં રહેતાં અને બેડીનાકા રેનબસેરામાં સિકયુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતાં જયેન્દ્રસિંહ કનકસિંહ પરમાર (ઉ.૪૬) તથા મુળ યુ.પી.ના રામજીભાઇ જગદીશભાઇ ઉપાધ્યાય (ઉ.૪૦) તેમજ લીંબડીના રાણપુર ચુડાના ભગવાનભાઇ બેચરભાઇ રણેસરા (ઉ.૪૯) પર રાત્રીના દસેક વાગ્યે હુશેન ગલી નામના શખ્સ તથા તેના સાગ્રીત ઋષી દિપકભાઇ રામાવત અને અજાણ્યા શખ્સે લાકડીથી હુમલો કરી તેમજ છરીથી હુમલો કરી ઇજાઓ કરતાં જયેન્દ્રસિંહ અને રામજી રાતે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતાં.

હુમલાથી ગભરાયેલા ભગવાનભાઇ જીવ બચાવીને ભાગી ગયા હતાં. તે આજે સવારે સારવાર માટે દાખલ થયા હતાં.

હોસ્પિટલ ચોકી મારફત જાણ થતાં એ-ડિવીઝનના એએસઆઇ આર.આર. સોલંકીએ હોસ્પિટલે પહોંચી ઘાયલો પૈકીના મુળ યુ.પી.ના હનુમાન ગંજ પટીના કાંપાહરી ગામના અને હાલ બેડીનાકા રેનબસેરામાં રહેતાં રામજી જગદીશપ્રસાદ ઉપાધ્યાય (ઉ.૪૨)ની ફરિયાદ પરથી હુશેન ગોલી, ઋષી રામાવત અને અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધ્યો છે.

રામજીના કહેવા મુજબ પોતે હાલ રેલનગરમાં નવા બંધાતા મકાનની સાઇટ પર કડીયા કામની મજૂરી કરે છે. પરિવારજનો વતનમાં રહે છે. રાતે સુવા માટે પોતે રેનબસેરામાં આવે છે. ગુરૂવારે રાતે પોતે તથા બીજા માણસો રેનબસેરામાં સુતા હતાં ત્યારે ઋષી રામાવત અને હુશેન ગોલી તથા અજાણ્યો એમ ત્રણ જણા આવ્યા હતાં અને 'આ પલંગમાં અમે સુઇ છીએ, તું ઉભો થા, પલંગ ખાલી કર' તેમ કહેતાં તેણે બીજા પલંગ ખાલી હોઇ ત્યાં સુઇ જવાનું કહેતાં ઋષી સહિતના ત્રણેયે ઉશ્કેરાઇ જઇ ગાળો ભાંડતા ગાળો બોલવાની ના પાડતાં હુશેને છરીથી હુમલો કરી પડખામાં ઘા ઝીંકી દીધો હતો. ત્યાં ઋષી અને અજાણ્યો ધોકો લઇને આવ્યા હતાં અને તેનાથી માર માર્યો હતો.

દેકારો થતાં જયેન્દ્રસિંહ દરબાર આવી જતાં તેને પણ કપાળે ધોકાના ઘા ફટકારી દેવાયા હતાં. દેકારો થતાં માણસો ભેગા થતાં હુમલો કરનારા ભાગી ગયા હતાં. ૧૦૮ મારફત પોતાને તથા જયેન્દ્રસિંહને હોસ્પિટલે ખસેડાયા હતાં. હુશેન સહિતનાએ જો ફરિયાદ કરશો તો જાનથી જશો તેવી ધમકી પણ આપી હતી.

ઉલ્લેખનિય છે કે પરમ દિવસે પણ હુશેન સહિતનાએ ચંપકભાઇ કાકુભાઇ સવાણી (ઉ.૪૧)ને પણ છરીથી હુમલો કરી ઇજા કરતાં સારવાર લીધી હતી. પોલીસ આ શખ્સોને કડક પાઠ ભણાવે અને રેનબસેરાના સંચાલકો પણ અહિ કડક સિકયુરીટી મુકે તેવી અહિ રહેનારા લોકોની માંગણી છે. હુમલો કરનારા રાત પડ્યે આવી જઇ રોજબરોજ દાદાગીરી કરતાં હોવાની ફરિયાદો પણ ઉઠી છે.

લીંબડી રાણપુરના ભગવાનભાઇએ કહ્યું-  રૂપિયા માંગી હુમલો કરાયો, મને છરી ઝીંકાતા જીવ બચાવી ભાગ્યો

હુમલામાં ઘાયલ રાણપુર ચુડાના ભગવાનભાઇ બેચરભાઇ રણેસરા (ઉ.૪૯) રાજકોટ નવાગામ રહેતાં દિકરાને મળવા આવ્યા હતાં. આજે સવારે દિકરાને ત્યાં જવાનું હોઇ રાતે રેનબસેરામાં રોકાયા હતાં. તેણે કહ્યું હતું કે-મારી પાસે પૈસા માંગી હુમલો કરાયો હતો. પૈસા આપી દીધા છતાં વધુ માંગ્યા હતાં. ન આપતાં છાતીના ભાગે છરી ઝીંકાઇ હતી. હું ગભરાઇ જતાં જીવ બચાવીને ભાગી ગયો હતો.

(11:33 am IST)