રાજકોટ
News of Thursday, 9th August 2018

હલેન્ડામાં પટેલની વાડીમાંથી ભેંસ ચોરી ભાગતો એક રંગેહાથ પકડાયોઃ બે શખ્સ ભાગી ગયા

સાંજે સવા અઠેક વાગ્યે છોટા હાથી લઇ ત્રણ શખ્સો ચોરી કરવા આવ્યા'તા : અગાઉ સરધારમાં થયેલી ભેંસની ચોરીમાં પણ આ ટોળકીની સંડોવણીની શંકા

(વિજય વસાણી) આટકોટ તા. ૯: સરધાર અને હલેન્ડામાંથી અવાર-નવાર નાની મોટી ચોરીના બનાવ બને છે. અગાઉ સરધારમાંથી એક ભેંસ ચોરી જવાઇ હતી. ત્યાં ગત સાંજે હલેન્ડામાં પટેલની વાડીમાંથી ભેંસ ચોરીને ભાગતા ત્રણ પૈકીના એક શખ્સને છોટા હાથી સાથે ગામલોકોએ ઝડપી લઇ પોલીસને જાણ કરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ હલેન્ડામાં રહેતાં પટેલ મનસુખભાઇ ગોબરભાઇ ડેડીયાના ખેતરમાં સાંજે સવા આઠેક વાગ્યે એક શખ્સ ઘુસી ગયો હતો અને ખેતરમાં બાંધેલી એકાદ લાખની કિંમતની ભેંસ છોડીને રોડ પર પહોંચ્યો હતો. અહિ આ શખ્સના બીજા બે સાગ્રીત છોટા હાથી સાથે ઉભા હતાં. ત્રણેય મળી ચોરેલી ભેંસને આ છોટા હાથીમાં ચડાવવા મથી રહ્યા હતાં ત્યાં મનસુખભાઇની બાજુની વાડી વાળા જોઇ જતાં તેણે મનસુખભાઇને જાણ કરતાં તે તથા બીજા ગામલોકો ભેગા થઇ ગયા હતાં. આ વખતે બે શખ્સ તક જોઇ ભાગી ગયા હતાં. જ્યારે કાળીપાટ તરફનો એક શખ્સ રંગેહાથ પકડાઇ જતાં તેને લોકોએ સારો એવો મેથીપાક આપ્યો હતો.

આ અંગે સરધાર પોલીસને જાણ કરતાં પકડાયેલા શખ્સની વિશેષ પુછતાછ થઇ રહી છે. અગાઉ સરધારમાંથી પણ ભેંસ ચોરાઇ ગઇ હતી. તેમાં પણ આ ટોળકીનો હાથ હોવાની શંકા છે. તસ્વીરમાં પકડાયેલો શખ્સ, છોટાહાથી વાહન અને ચોરાયેલી ભેંસ જોઇ શકાય છે. (ફોટોઃ વિજય વસાણી-આટકોટ) (૧૪.૬)

(3:45 pm IST)