સુચીત સોસાયટીનો પ્લોટ બે વખત વેંચી નાખી છેતરપીંડી આચરનાર સુરેશ હિરપરા પકડાયો
ક્રાઇમબ્રાંચની ટીમે ગાંધીનગરના શખ્સને દબોચ્યો : છેતરપીંડી આચર્યા બાદ અમદાવાદ તથા ગાંધીનગર ભાગી ગયો હતો
રાજકોટ,તા. ૯ : કાલાવડ રોડ સત્યસાંઇ હાર્ટ હોસ્પિટલ રોડ પર જય પાર્ક કો.ઓપરેટીવ સોસાયટીના સુચીત પ્લોટને બારોબાર બે વ્યકિતને વેંચી છેતરપીંડી આચરવાના ગુનામાં પાંચ વર્ષથી ફરાર ગાંધીનગરના શખ્સને ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધો હતો.મળતી વિગત મુજબ શહેરના અલગ અલગ વિસ્તારમાં નાસતા-ફરતા આરોપીઓને અગ્રવાલે સુચના આપતા ક્રાઇમ બ્રાંચના પીઆઇ વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ પી.એમ. ધાખડા, હેડ કોન્સ. મયુરભાઇ પટેલ, અમીતભાઇ, વિરેન્દ્રસિંહ, સિધ્ધરાજસિંહ, નગીનભાઇ, સંજયભાઇ, પ્રદીપસિંહ, જયદીપસિંહ સહિતે પેટ્રોલીંગમાં હતા. ત્યારે નગીનભાઇ ડાંગર અને પ્રદીપસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલ છેતરપીંડીના ગુનામાં પાંચ વર્ષથી ફરાર સુરેશ પ્રેમજીભાઇ હીરપરા (ઉવ.૪૮) (રહે. ૧૩-શાંતિવિલા બંગ્લોઝ, સરગાસણા ક્રોસ રોડ ગાંધીનગર તથા બીગ બજાર સામે ઓસ્કાર ટાવર એ-૧૦૧ મુળ જસદણ)ને પકડી લીધો હતો. આરોપી સુરેશ હીરપરાએ પાંચ વર્ષ પહેલા કાલાવડ રોડ સત્યસાંઇ હાર્ટ હોસ્પિટલ રોડ પાસે જય પાર્ક કો.ઓ. સોસાયટી આ સોસાયટી તે સમયે સુચીત હોય, તે સોસાયટીના પ્લોટ એક વ્યકિતને વેચી નાખ્યા બાદ એ જ પ્લોટ ફરી વાર આ સુચીત સોસાયટીની જમીન ખેડાણ જમીન તરીકે બીજા વ્યકિતને વેંચી નાખી છેતરપીંડી આચરતા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ થઇ હતી.