રાજકોટ
News of Friday, 9th July 2021

સોમવારથી રાજકોટમાં સૂચિત સોસાયટીઓ અંગે ફરી ઝુંબેશ : કલેકટર

ઢેબર સેનેટોરીયમ ખાતે કોરોનાની ત્રીજી વેવ સંદર્ભે ૩૦૦ બેડ વધારવા અંગે પણ ફાઇનલ મંત્રણા : મુખ્યમંત્રી સાથેની મીટીંગમાં ગાંધીનગર ખાતે ફાઇનલ નિર્ણય લેવાયો : જે સોસાયટી મંજૂર થઇ તેમાં બાકી રહેલ માપણી - નાણા ભરાવવા - અરજી અંગે ખાસ ટીમો મોકલાશે

રાજકોટ તા. ૮ : સોમવારથી રાજકોટમાં સૂચિત સોસાયટીમાં બાકી રહેલ તમામ પ્રકારની કામગીરી અંગે ફરી ઝુંબેશ હાથ ધરાશે તેમ ગાંધીનગરથી આજે 'અકિલા' સાથેની ટેલીફોનિક વાતચીતમાં કલેકટર શ્રી અરૂણ મહેશ બાબુએ જણાવ્યું હતું.

તેમણે જણાવેલ કે, સરકારે રાજકોટમાં જે સૂચિત મંજૂર કરી છે, અને જે બે નવી દરખાસ્ત મોકલાઇ છે, તે સંદર્ભે ત્યાં બાકી રહેલ અને જે લોકોની મીલ્કતો સૂચિત સંદર્ભે કાયદેસર કરવા અંગે મંજુર થઇ છે, તેમાં બાકી રહેલ લોકોની મીલકતોના નાણા ભરાવવા, અરજીઓ લેવી, માપણી સહિતની કામગીરી અંગે ફરીથી ઝુંબેશ હાથ ધરાશે અને જે તે મામલતદાર - ડે.કલેકટરોના સ્ટાફની ખાસ ટીમો આ સૂચિત સોસાયટીમાં મોકલાશે.

કલેકટરે ઉમેર્યું હતું કે, સોમવારે આ બાબતે અધિકારીઓ - પદાધિકારીઓ સાથે મીટીંગ પણ યોજી છે, આજે સૂચિત સોસાયટી અંગે મુખ્યમંત્રી સાથેની બેઠકમાં ઝુંબેશ અંગે નિર્ણય લેવાયો હતો.

દરમિયાન કોરોના થર્ડ વેવ સંદર્ભે રાજકોટમાં કલેકટર કચેરી સામે આવેલ ઢેબર સેનેટોરીયમ ખાતે ૩૦૦ બેડ વધારવા અંગે પણ સીએમ સાથે ફાઇનલ મંત્રણા થઇ હતી.

કલેકટર કાલે રાજકોટ આવ્યા બાદ શનિવારે કે રવિવારે એઇમ્સ અને હિરાસર સાઇટનું નિરીક્ષણ કરવા જનાર હોવાનું કલેકટર તંત્રે ઉમેર્યું હતું.

(3:03 pm IST)