રાજકોટ
News of Thursday, 9th July 2020

હવે રાજકોટમાં કોરોનાના સામાન્ય લક્ષણ ધરાવતા દર્દીઓ માટે કોવિડ હોમ કેર સર્વિસ શરૂ થશે

ગીરીરાજ હોસ્પિટલ સંચાલિત પરમ કોવિડ હોસ્પિટલ દ્વારા દરખાસ્ત : ટૂંક સમયમાં સાનુ કૂળ નિર્ણયની શકયતા

રાજકોટ, તા. ૯ : છેલ્લા કેટલાક દિવસથી રાજકોટ શહેર જિલ્લામાં કોરોનાના કેસ વધી રહ્યા છે. આ સંજોગોમાં છેલ્લા ૧૫ દિવસમાં ત્રણ નવી હોસ્પિટલ કાર્યરત થઈ છે ત્યારે કોરોનાના કેસનો વધારો જોતા હોસ્પિટલમાં સારવારને બદલે હવે ઘરે જ સારવાર ઉપલબ્ધ કરાવવા મોટા શહેરોની જેમ હવે રાજકોટમાં પણ નવી સર્વિસ ચાલુ થશે.

કોરોનાના સામાન્ય લક્ષણ ધરાવતા દર્દીઓએ હવે હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર ન હોય તે સંજોગોમાં હવે ઘરે જ રહીને આઈસોલેશન રાખી દર્દીની સારવાર કરવામાં આવશે.

જાણવા મળતી વિગતો મુજબ રાજકોટની જાણીતી શ્રી ગીરીરાજ હોસ્પિટલે તાજેતરમાં કોરોના માટે ખાસ હોસ્પિટલ બનાવનાર ગીરીરાજ ગ્રુપે ડો. રોહિત ઠક્કરની હોસ્પિટલ ખાતે પરમ હોસ્પિટલ બનાવી છે. જયાં માત્ર કોરોનાના દર્દીઓની જ સારવાર આપવામાં આવે છે.

ડો.મયંક ઠક્કરના નેતૃત્વવાળી શ્રી ગીરીરાજ હોસ્પિટલ સંચાલિત પરમ હોસ્પિટલમાં ક્રિટીકલ કેર સ્પેશ્યાલીસ્ટ ડો.વિશાલ સદાતીયા, ડો.પિયુષ દેત્રોજા અને ડો.રાજેશ મોરી સહિતની ટીમ દર્દીઓની સારવાર કરી રહી છે.

શ્રી ગીરીરાજ હોસ્પિટલના મેડીકલ ડાયરેકટર ડો.મયંક ઠક્કરે અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે પરમ હોસ્પિટલ દ્વારા હવે કોરોનાના દર્દીઓ કે જેમાં કોરોનાના લક્ષણો સામાન્ય હોય કે ઓછા હોય તેઓને હોસ્પિટલમાં રહેવાની જરૂર ન હોય આ સંજોગોમાં દર્દીઓનું બ્લડ પ્રેશર, ટેમ્પરેચર, ઓકિસજન લેવલ સહિતનું નિરીક્ષણ થઈ શકે તે માટે હોમ કેર સર્વિસ આપવા કોર્પોરેશનમાં દરખાસ્ત કરી છે.

(4:00 pm IST)