રાજકોટ
News of Tuesday, 9th July 2019

શાપર-વેરાવળમાંથી મજુર પરિવારનો સગીર મેહુલ સરવૈયા ગૂમઃ અપહરણ થયું કે જાતે લાપત્તા થઇ ગયો?

ગત સાંજે સ્કુલેથી આવ્યા બાદ કોથમીર લેવા નિકળ્યો'ને ગૂમ થઇ ગયોઃ વાણંદ પરિવાર આકુળ-વ્યાકુળઃ પોલીસે રાતભર શોધખોળ કરી પણ પત્તો ન લાગ્યો : અગાઉ પાંચ વર્ષે પુર્વે મેહુલનો મોટો ભાઇ પણ અભ્યાસ કરવો ન હોય લાપત્તા થઇ ગયો હતો અને હાલ સુરતમાં કામ કરે છે

શાપર-વેરાવળ, તા., ૯: શાપર-વેરાવળમાં રહેતા  વાણંદ પરિવારનો સગીર પુત્ર ગત સાંજે કોથમીર લેવા નિકળ્યા બાદ લાપત્તા થઇ જતા પરિવારજનો આકુળ-વ્યાકુળ થઇ ગયા છે. આ સગીરનું અપહરણ થયું છે કે જાતે લાપત્તા થઇ ગયો છે? તે અંગે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ શાપર-વેરાવળમાં શિતળા માંના મંદિર પાછળ રહેતા અને મજુરી કામ કરતા વિઠ્ઠલભાઇ સરવૈયાનો પુત્ર મેહુલ (ઉ.વ.૧૩) ગઇકાલે સાંજે પાંચ વાગ્યે સ્કુલેથી પરત આવ્યા બાદ તેને તેની માતા હેતલબેને ૧૦ રૂ. આપી  કોથમીર લેવા બજારમાં મોકલ્યો હતો. પરંતુ મોડી સાંજ સુધી પુત્ર મેહુલ પરત ન ફરતા તેના પરિવારજનોએ આજુ-બાજુમાં તથા સ્નેહીજનોને ત્યાં શોધખોળ કરી હતી. પરંતુ પત્તો ન લાગતા મોડી રાત્રે શાપર પોલીસને જાણ કરી હતી.

સગીર મેહુલ ગૂમ થયાની જાહેરાત થતા જ જ શાપરના મહિલા પીએસઆઇ એ.એ.ખોખર, એએસઆઇ જે.બી.રાણા તથા મુકેશભાઇ ચૌહાણ સહિતના સ્ટાફે રાત્રે જ શાપર-વેરાવળ તથા આજુબાજુના વિસ્તારમાં ગૂમ થયેલ મેહુલની શોધખોળ હાથ ધરી હતી પણ પત્તો લાગ્યો ન હતો. શાપર પોલીસે સગીર મેહુલની માતા હેતલબેનની ફરીયાદ પરથી અજાણ્યા શખ્સ સામે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

પોલીસના જણાવ્યા મુજબ ગૂમ થયેલ મેહુલનો મોટો ભાઇ પણ પાંચ વર્ષ પુર્વે અભ્યાસ કરવો ન હોય જાતે ગૂમ થઇ ગયો હતો અને ત્યાર બાદ તે સુરતમાં હોવાનું અને ત્યાં જ કામ કરવા માટે રોકાયો હોવાનું પરીવારજનોને જાણ કરી હતી. ગૂમ થયેલ મેહુલનું ખરેખર અપહરણ થયું છે કે જાતે લાપત્તા થયો છે? તે અંગે શાપર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

(11:46 am IST)