રાજકોટ
News of Monday, 9th July 2018

ચિંતાના વાદળો

વરસાદ ખેંચાય તો રાજકોટમાં જળસંકટ

આજીમાં ૧૫.૩૦ ફુટ, ન્યારીમાં ૪.૩૦ ફુટ તથા ભાદરમાં ૧૧.૯૦ ફુટ : પાણીની સમીક્ષા કરતુ તંત્ર : નર્મદા નીર માટે હાથ લંબાવાશે

રાજકોટ તા. ૯ : ચોમાસાના પ્રારંભને ૧ મહિનો થયા બાદ શહેરમાં માત્ર ૩ થી ૫ ઇંચ વરસાદ વરસતા શહેરને પુરૃં પાડતા જળાશયો ખાલીખમ્મ થવાની ભીતી દર્શાતા તંત્ર માટે ચિંતાનો વિષય શરૂ થયો છે.

 

આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ ચોમાસુ શરૂ થયાના એક મહિના બાદ શહેરમાં સીઝનનો ૩ થી ૫ ઇંચ વરસાદ વરસ્યો છે. શહેરમાં પીવાના પાણીનો આધાર નર્મદા પર રહ્યો છે. શહેરના જળાશયોની સ્થિતિ તરફ એક નજર કરીએ તો આજીમાં ૧૫.૩૦ ફુટ, ન્યારીમાં ૪.૩૦ ફુટ તથા ભાદરમાં ૧૧.૯૦ ફુટ પાણી છે. જો વરસાદ ખેંચાય તો જળાશયોમાંથી વધુ પાણીનો ઉપાડ કરવામાં આવે અને ડેમો ખાલીખમ્મ થઇ જાય ત્યારે તંત્ર દ્વારા નર્મદાની સૌની યોજનાનો સહારો એ જ એક વિકલ્પ છે.

શહેરમાં પાણીની સમસ્યા હલ કરવા તંત્ર દ્વારા નર્મદા નીરની વધુ માંગ કરવામાં આવે તેવું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

અત્રે નોંધનિય છે કે, ગત ચોમાસામાં શહેરના જળાશયો અડધા જ ભરાયા હતા પરંતુ સૌની યોજના હેઠળ નર્મદા નીરથી ડેમ ભરી દેવામાં આવતા પાણીની સમસ્યા હલ થઇ હતી પરંતુ આ વર્ષે વરસાદ ખેંચાતા લોકોમાં ચિંતાના વાદળો છવાયા છે. (૨૧.૩૦)

શહેરનો પાણી પુરૂ પાડતા જળાશયોની સ્થિતિ

ડેમ       હાલની સપાટી  કુલ સપાટી

આજી        ૧૫.૩૦         ૨૯

ન્યારી        ૪.૩૦          ૨૫

ભાદર        ૧૧.૯૦         ૩૪

 

(4:43 pm IST)