રાજકોટ
News of Saturday, 9th June 2018

યુ-ટ્યુબ પર રાજકોટ બ્લ્યુઝઃ ગીતોનો પ્રવાહ

ગુજરાતી સંગીતને ટોચના સ્થાને લઈ જવાનો ત્રણેય યુવા કલાકારોનો ધ્યેયઃ ધૈર્ય રાજપરા, ડો. કવન પોટા, કુ. ગાથા પોટા દ્વારા ઈન હાઉસ તૈયાર ગીત - સંગીતની જમાવટ

રાજકોટ, તા.૯ : આજથી આશરે એક વર્ષ પહેલા રાજકોટ શહેરના નવ લોહીયા સંગીતપ્રેમી કલાકારોએ રાજકોટીયન હોવાના ગર્વ સાથે ઉપરાંત ગુજરાતી હોવાની ગરીમા સાથે ગુજરાતી ગીતોને નવા પરિધાન અને મૂડ સાથે આજની નવી પેઢીને ગમતીલા કરવાના નમ્ર પ્રયાસરૂપે યુ ટ્યુબ ઉપર 'રાજકોટ બ્લુઝ' નામે એક પેઇજની શરૂઆત કરી, માત્ર ત્રણ આવા સંગીતપ્રેમી યુવા કલાકારોએ જુના પ્રચલીત ગુજરાતી સુગમ અને લોક ભોગ્ય ગીતોને નવા સંગીતથી સજાવીને અલગ શૈલીમાં પરંતુ સ્વરાંકનને જીવંત રાખીને પ્રસ્તુત કરે છે.

રાજકોટીયન હોવાના નાતે આ કલાકારોને એટલી અપેક્ષા તો ખરી કે, રાજકોટપ્રેમી જનતા આ પેઇજને લાઈક કરે અને સબસ્ક્રાઈબ કરે. આ 'રાજકોટ બ્લુઝ' ધૈર્ય રાજપરા, ડો.કવન પોટા, અને કું.ગાથા પોટા ત્રણ ચુનંદા કલાકારો છે.  આ ત્રણેય કલાકારોએ આ પ્રોડકશન બિલકુલ નોન પ્રોફેશનલી ઇન હાઉસ તૈયાર કર્યુ છે. એટલે કે, આ પ્રોડકશન, ગીતનું કમ્પોઝીશન, ગીતનાં ટ્રેક, રેકોર્ડીંગ, વીડીઓ શુટીંગ તેમજ એડીટીંગ આ તમામ કસબ આ ત્રણ કલાકારો જ પાર પાડે છે. ત્રણેય કલાકારોનો પરિચય આ મુજબ છે.

કુ. ગાથા પોટા : નાનપણથી ગાયકીનો શોખ ધરાવતી ગાથા આજ ક્ષેત્રને પોતાનો આત્મસાત કરાવતી શોધ તરીકે સ્વીકારી લેશે તેવી વિરલ ઘટના તેના જીવનમાં બની છે. સીએનું પ્રથમ વર્ષ પાસ કરીને સંગીતના રીયાઝ માટે પુરતો સમય ન આપી શકવાના ભયથી સીએનો અભ્યાસ છોડીને સૂરને વ્હાલો કર્યો. હાલ એમ.કોમ.ની ઉપાધી મેળવીને વિદ્યાભ્યાસ ચાલુ છે. તેઓ પીયુબેન સરખેલ પાસે પોતે તાલીમ લઇ રહ્યા છે. શ્રી મહાત્મા ગાંધી શૈક્ષણિક સંકુલની લોઅર કે.જી.માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની બાલ સભામાં સુંદર ગીતો ગાતી ગાથા આજે હજારોની જન મેદનીને પોતાના સુર અને સંગીતથી ડોલાવે છે. ઈટીવી ગુજરાતી, રાજકોટ દુરદર્શન, અમદાવાદ દુરદર્શન પર ઉદદ્યોષક અને ગાયક તરીકે અનેક રજુઆતો કરી સ્પર્ધામાં પણ સફળતા મેળવી હાલ એફબી પર ગુજરાતી જલસો લાઈવ જેમીંગમાંમાં સતત બે કલાક ''રાજકોટ બ્લુઝ''ના તમામ કલાકારોએ ગુજરાતી સંગીત પીરસી લોકોને તરબતર કર્યા. વિદેશમાં પણ ગાથાએ પોતાના અદકેરા ગીતો પ્રસ્તુત કરેલા છે. રાજકોટ સુર-તાલમાં કરાઓકે પર પણ ગીતો પ્રસ્તુત કર્યા હતા.

ડો.કવન પોટાઃ વ્યવસાયે તબીબ પણ સંગીતનો આત્મા કંઈક નવ સર્જન માટે સતત પ્રયત્નશીલ રહે છે. નાનપણથી સંગીત સાથેનો કોઈ આત્મીય ધરોબો આજે એક સર્જનનું સ્ત્રોત બની ચુકયો છે. રાજકોટના સંગીતકાર શ્રી કાન્તીભાઈ સોનછાત્રા પાસે ઓર્ગન પર સૂરની તાલીમ મેળવી. ડો.કવન પોટાની પણ રાજકોટ શહેર ખાતેની સફર શ્રી મહાત્મા ગાંધી શૈક્ષણિક સંકુલથી શરૂ કરી બી.એ.ડાંગર હોમિયોપેથી કોલેજ સુધી રહી. જેમાં સંગીતના તમામ આયોજનોમાં સફળતા મેળવી. આજે તેઓ હોમિયોહબમાં પતિ-પત્ની બને હોમિયોપેથી તબીબી સારવાર કરી રહ્યા છે. ડો.ઉર્વી પણ સંગીતની આ સફરમાં તેમને મોરલ સપોર્ટ આપી રહ્યા છે. ગાથા અને ડો.કવન બન્ને ભાઈ-બહેન એક જ નાવના મુસાફર હોય તેમની આ સંગીત સફર કંઈક અનેરો રંગ ચોક્કસ લાવશે.

રાજકોટના ઉદઘોષક, નાટ્યકાર અને હાસ્ય કલાકાર શ્રી સમીર પોટાના આ બંને સંતાનો છે.

ધૈર્ય રાજપરા : આ યુવા કલાકાર પણ આજની નવી પેઢીને કંઈક નવું આપવા સતત થનગની રહ્યો છે. એમને પણ સંગીત-સુરના સંસ્કાર લોહીમાં મળ્યા છે. પિતા પણ એક સારા ગીટારીસ્ટ હતા અને પોતાની અધવચ્ચે છુટેલી સફર પોતાના પુત્રને સોંપી પોતાનો આત્મસંતોષ તેઓ પામી રહ્યા છે. ધૈર્યનો નાનપણથી જ સંગીત સાથેનો અનેરો લગાવ અને આ લગાવને આજે એક અદકેરું સ્થાન આપી શકયો છે ગીટાર સાથે ગાયન ને પણ પોતાની સાધના બનાવી વધુ ને વધુ રીયાઝ દ્વારા કંઈક નવી નવી સિધ્ધિઓ મેળવવા તત્પર છે.

ડો.કવન અને ધૈર્ય સંગીતના ક્ષેત્રમાં તો માહીર છે જ પરંતુ, સાથે આજની ટેકનોલોજી યુગના પણ એટલા જ જાણકાર છે. 'રાજકોટ બ્લુઝ'ના તમામ પ્રસ્તુતિમાં, તમામ પ્રોડકશનમાં, ઓડિયો ઈન્જીનીયરીંગ અને સાઉન્ડ રેકોર્ડીંગનું સંપૂર્ણ કામ ધૈર્યએ સાંભળી છે. જયારે વિડીયોગ્રાફી અને એડીટીંગનું કસબ ડો.કવન પોટા સંભાળે છે. કુ. ગાર્ગી વોરા, લેખક શ્રીમાન જય વસાવડા, ડો. શૈલેષ સગપરીયા, સાઉન્ડ ઈન્જીનીયર શ્રી રોકી જેસીંગ (વ્રજ ઓડિયો), કુનાલ સાકરવાડીયા, કશ્યપ પટેલનો સહયોગ મળ્યો છે.

આ ત્રણેય કલાકારોના વિડીયો ગીત યુ ટ્યુબ ઉપર નિહાળી શકાશે. વધુ વિગતો માટે શ્રી સમીરભાઈ પોટા (મો.૯૮૨૫૫ ૪૮૧૯૯) અથવા ઈ-મેઈલ rajkotblues@gmail.com ઉપર સંપર્ક કરી શકાય છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)(૩૭.૧૦)

પાંચ ગીતો  યુ ટ્યુબ ઉપર  અપલોડ કર્યા

(૧) સાવરીયા રે મોરી...

(૨) પાન લીલુ જોયુ ને તમે યાદ આવ્યા

(૩) નયનને બંધ રાખીને

(૪) માડી તારૂ

(૫) છેલાજીરે  

(4:26 pm IST)