રાજકોટ
News of Saturday, 9th June 2018

કાનપુર અને કાશી વિદ્યાપીઠની માર્કશીટો બોગસ હોવાનું ખુલ્યું

બોગસ માર્કશીટ કોૈભાંડમાં ક્રાઇમ બ્રાંચની ટૂકડી કાનપુર પહોંચી

રાજકોટ તા. ૯: બે મહિના પહેલા ક્રાઇમ બ્રાંચ રૈયા રોડ આમ્રપાલી સામે વે ટુ લર્ન-સનરેયઝ નામના કલાસીસમાં દરોડો પાડી અલગ-અલગ રાજ્યોની યુનિવર્સિટીની નકલી માર્કશીટ વેંચવાનું કોૈભાંડ ઝડપી લઇ કલાસીસના સંચાલક કુવાડવા રોડ પર રહેતાં પ્રકાશ ગોવિંદભાઇ ગોહેલ (સગર)ની ધરપકડ કરી હતી. આ અંગેની તપાસ કરવા ક્રાઇમ બ્રાંચની ટુકડી રાજસ્થાન, જયપુર પહોંચ્યા બાદ કાનપુર અને કાશી ખાતે તપાસ કરી છે. આ શહેરોની યુનિવર્સિટીની માર્કશીટ પણ પ્રકાશ ગોહેલ પાસેથી મળી હતી. જે નકલી હોવાનું જે તે કોલેજ દ્વારા જણાવાયું છે.

કાનપુરની છત્રપતિ શાહુજી યુનિવર્સિટીની બે માર્કશીટ હતી. ત્યાં તપાસ કરતાં ત્યાંથી આવી કોઇપણ માર્કશીટ કોઇને અપાઇ નહિ હોવાનું જણાવાયું છે. લેખિતમાં આ અંગે યાદી અપાઇ છે. તેમજ મહાત્મા ગાંધી કાશી વિદ્યાપીઠની એક માર્કશીટ હતી. ત્યાંથી પણ આવી માર્કશીટ કોઇને નહિ અપાયાનું જણાવાયું હતું. પીએસઆઇ એચ. બી. ધાંધલીયા અને ટીમ વિશેષ તપાસ કરે છે. હજુ અરૂણાચલ અને મેઘાલય ખાતે તપાસ બાકી છે.

(4:21 pm IST)