રાજકોટ
News of Saturday, 9th June 2018

'રામા તમે આવજો સામા...' દેવલબેન ભરવાડના સુમધૂર સૂરે રેલાશે ભકિતરસ

વધુ એક આલ્બમ રિલીઝ થવાની તૈયારીઃ કાલાવડના રણુજામાં રામાપીરના મંદિરે જ શુટીંગ

 સૂરયાત્રાની સફળતાનો શ્રેય પરિવારજનોનેઃ બીજા પાસેથી પ્રેરણા લેવાને બદલે ખુદની જ ઓળખ બનાવવાની મહેચ્છાઃ :'અકિલા' કાર્યાલય ખાતે આલ્બમ વિશે વિગતો વર્ણવતા ગાયક કલાકાર દેવલબેન ભરવાડ તથા સાથે ઉપસ્થિત દિપકભાઇ ચાવડીયા તસ્વીરમાં દર્શાય છે.

રાજકોટ,તા.૯: કલા-કૌશલ્ય કુદરતની ભેટ છે.'ગીત-સંગીત'નામના બે શબ્દ કાને સંભળાતા જ માનવીના મનમાં એકાદ ખુણામાં કયાંકને કયાંક સુમધૂર યાદ તાજી થવા સાથે જ થનગનાટનો અહેસાસ થયા વિના નથી રહેતો.કોકિલ કંઠ તો માં સરસ્વતીજીની કૃપા હોય તો મળે, ત્યારે આવા જ સૂરીલા સ્વરના માલિક-માલધારી સમાજના રત્ન દેવલબેન ભરવાડ વધુ એક વખત ચાહકોને ડોલાવવા તૈયાર છે...'રામા તમે આવજો સામા' આલ્બમમાં ભકિત રસભીના ગીતો ગાતા સંાભળવા મળશે.

'અકિલા'ની શુભેચ્છા મુલાકાત દરમિયાન સૂરયાત્રા વિશે વિગતો વર્ણવતા દેવલબેને જણાવ્યું હતુ કે, નાનાપણથી જ ગાયન પ્રત્યે રૃચિ હોવાને નાતે શરૃઆતના તબકકામાં શેરી ગરબીઓમાં અવાજ રેલાવવાનું શરૃ કર્યુ, પરિવારજનો તરફથી હમેંશા મળેલા સાથ-સહકારની સાથે સાથે જેમ-જેમ લોકો તરફથી આવકાર મળતો ગયો તેમ-તેમ અંતરમાં ઉત્સાહ વધવાની સાથે જ અવાજ પણ ખીલવા લાગ્યો...કામની પ્રસન્ન્તા જ સફળતાની ચીડીઓ ચડાવામાં જોમ બક્ષે છે એવું સ્મિત ચહેરે સ્વીકારવા સાથે ઉમેર્યુ હતુ કે, લોકસંગીત-કલાસિકલ પ્રથમ પસંદગી છે.સંસ્કૃતિને સર્વોપરી માની મોટા ભાગે  સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમોમાં ગાવાનું વધારે પસંદ આવે છે.માત્ર પૈસા માટે નહિ,પણ લોક સંસ્કૃતિને ઉજાગર કરવા સાથે સાથે માલધારી સમાજના મોભાને વધારે એવું ગાયન રેલાવી રહયાની પણ અંતરમાં ખુશી હોવાનો આનંદ વ્યકત કર્યો હતો.એવી જ રીતે આલ્બમ  વિશે પણ પ્રકાશ પાડયો હતો કે, સ્ટુડિયો સરસ્વતી-જુનાગઢ દ્વારા રિલીઝ થનાર 'રામા તમે આવજો સામા...'માં વિવિધ ભકિતસભર ગીતો સૌને સાંભળવા મળનાર છે.ભગવાન શ્રી રામદેવપીરના નામે જ આલ્બમનું શિર્ષક હોવાથી તમામ શુટીંગ પણ કાલાવડ પાસેના રણુજા ધામે શ્રી રામાપીરના બન્ને મંદિરોમાં જ પૂર્ણ કરી આખી ટીમે પણ ભાવભેર  દર્શનનો લ્હાવો લઇ ધન્યતા અનુભવી હતી.અત્રે નોંધનીય છે કે, ગીત દીપક ભરવાડના છે, જયારે દિગ્દર્શક તરીકે રાજશી મોઢવાડીયા, અરવિંદભાઇ તથા સંગીત મહેશ સવાલા અને રેકોડીંગ વ્રજ ઓડીયો-રોકીભાઇ દ્વારા થયું છે.દેવાધિદેવ મહાદેવ અને ભગવાન શ્રી દ્વારકાધીશ ઉપર અપાર શ્રધ્ધા ધરાવતા દેવલબેન સમય મળ્યે ભગવાનના ચરણોમાં શિશ ઝુકાવી પુજન-અર્ચન કરવા  સાથે સાથે શ્રૃંગાર કરવાનું કદી ભુલતા નથી...ગીત-સંગીત પ્રત્યે વધુ લગાવ હોવાને લીધે છેલ્લા પાંચ વર્ષથી રાજુભાઇ જોષી પાસે સંગીતરૃપી જ્ઞાન મેળવી રહયા છે.નવાઇની વાત એ છે કે, સંગીતની ચાર પરિક્ષા પણ આપી ચુકયા છે.સંગીતની દુનિયામાં પારંગત થવા માટે તમામ પ્રકારની તાલિમ મેળવવા ઇચ્છુક છે.(૨૧.૨૦)

નવોદિત કલાકારો માટે સંદેશો...

લોક સંસ્કૃતિની ગરિમા, અસ્મિતાને  કોઇ દિ' ઝાંખપ ન આવવા દેજો

કલા ભગવાનની દેન, કોઇ દિ' ઘમંડ કરવું નહિ

મહેનત અને નશીબની સાથે સાથે સફળતાનો સ્વાદ ચાખવા માટે આરાધ્યદેવની કૃપા પણ એટલી જ જરૃરી હોવાના વિશ્વાસ સાથે દેવલબેનનું કહેવું છે કે, ગાયન ક્ષેત્રમાં ટકી રહેવા માટે ધીરજની સાથે સાથે રિયાઝ પણ મહત્વનો ભાગ ભજવે છે. કલા ભગવાની ભેટ હોવાથી કોઇ દિવસ અહંકાર કરવો જોઇએ નહિ.

તો, નવોદિત કલાકારોને સંદેશો પણ પાઠવ્યો હતો કે, લોક સંસ્કૃતિની ગરિમા ઝાળવવા સાથે અસ્મિતાને કોઇ ઝાંખપ આપતા કાર્યક્રમોથી હમેંશા છેટુ રહેવું જોઇએ.અન્યોને પ્રેરણા સ્ત્રોત માનવાને બદલે પોતાનામાં રહેલા કૌશલ્યનો ઉપયોગ કરી પોતાની  અલગ રીતે ઓળખ ઉભી  કરવામાં વધારે મહેનત કરવી.

એક દાયકાની સફરમાં ૪૫૦થી વધુ આલ્બમો,  ૧૨૦૦થી વધુ કાર્યક્રમો

માલધારી સમાજ સહિત અન્ય સમાજના લોકોમાં પણ ગીત-સંગીતની દુનિયામાં જાણીતા બનેલા ગાયક દેવલબેને છેલ્લા ૧૦ વર્ષની સફરમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં અંદાજે ૧૨૦૦થી વધુ સ્ટેજ કાર્યક્રમો કરી અસંખ્ય શ્રોતાજનોને ડોલાવ્યા છે.

એવી જ રીતે અત્યાર સુધીમાં ૪૫૦થી વધુ આલ્બમોમાં પણ અવાજનો જાદુ પાથરી ચુકયાની ખુશી છે.

(3:59 pm IST)