રાજકોટ
News of Saturday, 9th June 2018

કણકોટ પાસે રાહદારીને ઠોકરે લઇ રિક્ષા ગોથું ખાઇ ગઇઃ આઝાદ ચોકના હુશેન ખેરાણીનું મોત

આમ્રપાલી પાસે રહેતો ૧૮ વર્ષનો મુસ્લિમ યુવાન ત્રણ મિત્રો સાથે કામ સબબ નીકળ્યો ને કાળ ભેટી ગયોઃ પરિવારમાં માતમ : ઠોકરે ચડેલા કણકોટના રાહુલ ખત્રીનો પગ ભાંગ્યો

રાજકોટ તા. ૯: કાલાવડ રોડ પર કણકોટના પાટીયા નજીક એન્જિનીયરીંગ કોલેજ તરફ જવાના રસ્તા પર સાંજે એક રાહદારી યુવાનને ઠોકરે લઇ રિક્ષા પલ્ટી ખાઇ જતાં રાહદારીને ઇજા થઇ હતી. જ્યારે રિક્ષામાં બેઠેલો આમ્રપાલી પાસે રહેતો મુસ્લિમ યુવાન ફંગોળાઇ જતાં ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું હતું.

જાણવા મળ્યા મુજબ કણકોટના પાટીયા પાસે રહેતો રાહુલ મગનભાઇ ખત્રી (ઉ.૧૮) સાંજે સાડા સાતેક વાગ્યે એન્જિનીયરીંગ કોલેજના રસ્તે ચાલીને જતો હતો ત્યારે એક રિક્ષા પલ્ટી ખાઇ જતાં પોતે ઠોકરે ચડી જતાં ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. રિક્ષામાં બેઠેલા રૈયા રોડ આમ્રપાલી નજીક આઝાદ ચોક સાગર ઘુઘરાવાળી શેરીમાં રહેતાં હુશેન ભીખાભાઇ ખેરાણી (ઉ.૧૮)ને ગંભીર ઇજા થતાં તેને પણ હોસ્પિટલે ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.

હોસ્પિટલ ચોકીના એએસઆઇ થોભણભાઇ ટીલારા અને દિપસિંહ ચોૈહાણે તાલુકા પોલીસને જાણ કરતાં પીએસઆઇ આર. બી. જાડેજા અને પૃથ્વીરાજસિંહે ઘટના સ્થળે અને હોસ્પિટલે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. પોલીસે ઇજાગ્રસ્ત કણકોટના રાહુલ મગનભાઇ ખત્રીની ફરિયાદ પરથી રિક્ષા નં. જીજે૨૦ટી-૪૩૩૯ના ચાલક સામે ગુનો નોંધ્યો હતો. રાહુલને ડાબા પગમાં ફ્રેકચર થઇ ગયું હતું તેમજ માથામાં ઇજા થઇ હતી.

મૃત્યુ પામનાર હુશેન ત્રણ ભાઇ અને સાત બહેનમાં પાંચમો હતો. તેના પિતા ભીખાભાઇ ઇબ્રાહીમભાઇ ખેરાણી રિક્ષાચાલક છે. હુશેન પોતે કારખાનામાં મજૂરી કરતો હતો. માતાનું નામ ઝરીનાબેન છે. હુશેન સાંજે વૈશાલીનગરમાં રહેતાં તેના મિત્રો ભરવાડ યુવાનો સાથે રિક્ષામાં બેસી આંટો મારવા નીકળ્યો હતો અને આ બનાવ બન્યો હતો. યુવાન દિકરાના મોતથી પરિવારમાં માતમ છવાઇ ગયો છે.

(1:02 pm IST)