રાજકોટ
News of Saturday, 9th June 2018

ચિલ્ડ્રન હોમ ફોર બોયઝમાં ઉત્સાહરૂપ માહોલ... ૧૦ વર્ષ પછી પરિવાર સાથે બાળકનું સુખદ પુનઃમિલન

સાયકલની ચાવી ખોવાઇ જતાં પિતાએ મારેલી થપ્પડથી રિસાઇને વિશાલ ઘેરથી નિકળી ગયો'તોઃ ઇટાવા (ઉત્તર પ્રદેશ) થી નીકળી ટ્રેનમાં જયપુર પહોંચી એક મહિનો રોકાયો'તો, ઓખા, જામનગર પછી અભ્યાસાર્થે રાજકોટ રોકાણ

રાજકોટઃ હિન્દી ફિલ્મ જગતમાં જોવા મળતી ઘટના રાજકોટમાં જોવા મળી હતી. જેમાં વર્ષ ૨૦૦૮માં યુપીના કાનપુર ગામે રહેતા વિશાલ નામના બાળકને પિતાએ ઠપકો આપતા બાળક યુપી છોડી ગુજરાતમાં આવી પહોંચ્યો હતો. ગુજરાતમાં આવ્યા બાદ રેલવે પોલીસે બાળકની પુછપરછ કરતા બાળક ભૂલો પડ્યો હતો અને જામનગર સ્થિત ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ મોકલી આપવામાં આવ્યો હતો. ત્યાર બાદ ૧ વર્ષ પછી જામનગર ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ દ્વારા બાળકને અભ્યાસ અર્થે રાજકોટ ખાતે મોકલી આપવામાં આવેલ. રાજકોટ સમાજ સુરક્ષા વિભાગે  વિશાલ મહેન્દ્રભાઈ સૈનિક નામના બાળકને ૧૦ વર્ષ બાદ એમના માતા પિતા સાથે મિલન કરાવતા ભાવવહી દ્રશ્યો સર્જાયા હતા. મહેન્દ્રભાઈ સૈનિક હાલ ઉત્તરપ્રદેશના ઇટાવા ગામના રહેવાસી છે. સોશિયલ મીડિયાની મદદથી સમાજ સુરક્ષા વિભાગ અને પોલીસને સફળતા મળી હતી. આ તકે ડો.દિપક પીપળીયા, વિનોદભાઈ નાગાણી સહીતના હાજર રહ્યા હતા.(તસવીરઃ અશોક બગથરીયા)

રાજકોટ તા.૯: વર્તમાન સમયમાં જેેમ-જેમ ટેકનોલોજીનો વ્યાપ વધી રહયો છે તે ખુશીની વાત છે, સુવિધા પ્રાપ્ત થશે... પણ માણસોમાં સહનશકિત, ધીરજ ખૂંટવા લાગી એ બાબત દુઃખરૂપ કહેવું કંઇ જ ખોટું નહિ ગણાય.

મોટી ઉંમરના વ્યકિત તો ઠીક, પણ બાળકોમાંય વાત-વાતમાં રિસાવાની ટેવ ઘણીવાર પરિવારજનોને મુશ્કેલીમાં મૂકી દે છે... આવા જ એક કિસ્સામાં સાયકલની ચાવી ખોવાઇ જતાં પિતાએ ઠપકો દઇ મારેલી એક થપ્પડથી મનોમન ખિજાઇ ગયેલો બાળક છેક ઉત્તરપ્રદેશના ઇટાવાથી ગુજરાત પહોંચી રાજકોટમાં ચિલ્ડ્રન હોમ ફોર બોયઝમાં અભ્યાસાર્થે સ્થાયી થયો હતો... પરંતુ ખુશીની વાત એ છે કે, દશકા બાદ એ બાળકનું પરિવાર સાથે સુખદ રીતે પુનઃમિલન થતાં જ પુત્ર મળ્યાની ખુશીમાં સૈની પરિવાર સાથે કામગીરીને સફળતા મળ્યાની ખુશીમાં ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ સ્ટાફમાં આજનો દિવસ કોઇ ઉત્સાહથી ઓછો નથી.

હિન્દી ફિલ્મ જગતમાં જોવા મળતી કહાની જેવા જ દ્રશ્યો રાજકોટ ખાતે ચિલ્ડ્રન હોમમાં જોવા મળેલ છે. ૧૦ વર્ષ બાદ બાળકના વાલી યુપી (ઉત્તરપ્રદેશ) ના આવતા સોૈ રાજીના રેડ થઇ ગયા છે.

આ અંગે બાળકના પિતાના જણાવ્યાનુંસાર વિશાલ પોતાના મામા સાથે કાનપુર રહેતો હતો, ત્યારથી ૨૦૦૮માં તેના પિતાજી પોતાના સાથે ઇટાવા ઘેર લઇ આવેલ ઘેર પિતા દ્વારા સાયકલની ચાવી ખોવાઇ જતાં ઠપકો આપી થપ્પડ મારી લેવાતા જ બીજા જ દિવસે ઘેરથી નિકળી ગયેલ, પોતાનો દિકરો ગુમ થતાં પરિવારના સભ્યો દ્વારા વિશાલની શોધખોળ કર્યા બાદ પણ પુત્રનો કોઇ પતો લાગેલ નહિ... લાંબો સમય થતાં બાળક મળવાની આશા ઓછી થયેલ, પણ હ્રદયના કોઇ ખુણામાં વિશાલ પ્રત્યે પ્રેમ અને હુંફ હતા. વિશાલ મળી આવશે તેવું આશાનું કિરણ હતું અને તેઓ ફરી પરિવાર સાથે પોતાના રોજીંદા જીવનમાં વ્યસ્ત થવા લાગ્યા. અચાનક એક દિવસ વિશાલ વિશે સમાચાર મળતા પરિવારમાં આનંદનું મોજુ ફરી વળેલ. ૧૦ વર્ષ બાદ ''દિકરો'' મળી આવતા વિશાલના પપ્પા અને ભાઇ વિશાલને પોતાના ઘરે લઇ જવા માટે એક ક્ષણનો વિલંબ કર્યા વિના રાજકોટ આવવા રવાના થઇ ગયા હતા.

દરમિયાન જાણવા મળ્યાનું સાર વિશાલ ઘરેથી નીકળ્યા બાદ રેલ્વે મારફત રાજસ્થાનના જયપુર ખાતે પહોંચી ત્યાં એક મહિનો રોકાયેલ, ત્યાંથી ટ્રેન મારફત ગુજરાતના ઓખા આવેલ. ત્યાં રેલ્વે સ્ટેશન ઉપર પોલીસ દ્વારા કબજો લઇ ઓખાની સામાજીક સંસ્થાની મદદથી જામનગર ચિલ્ડ્રન હોમ ખાતે રાખવામાં આવેલ. એક વર્ષ ચિલ્ડ્રન હોમમાં રહયા બાદ વિશાલને અન્ય બાળકોની સાથે રાજકોટ ખાતે અભ્યાસાર્થે ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ સંસ્થામાં મોકલાયો હતો. ૨૦૦૯ થી વિશાલ ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ રાજકોટ માં રહે છે.

ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ સંસ્થામાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી કનકસિંહ ઝાલાના માર્ગદર્શન મુજબ વિશાલ ના વાલી શોધવાનું નક્કી કરી મૈત્રીભાવે સંબંધો કેળવ્યા બાદ સ્ટાફ દ્વારા વિશાલને પરિવાર વિશે સમયાંતરે પુછપરછ કરવામાં આવેલ. ખુબ લાંબો સમય વિતી જવાથી પહેલા મુળ વતન સ્પષ્ટ જણાવી શકેલ નહી, પણ જયપુર ઇટાવા એવું જણાવેલ અને પિતાજીનું નામ મહેન્દ્ર સૈની જણાવેલ અને''બુધ્ધ'' ભગવાનના મંદિરમાં માળીનું કામ કરે છે તેવું કહયું હોવા છતાં પણ અધુરી વિગત સાથે એક આશાના કિરણ સાથે વિશાલના વાલી શોધવાની શરૂઆત કરવામાં આવેલ.

પોલીસ બંદોબસ્ત સાથે બાળકને જયપુર ખાતે લઇ જવામાં આવેલ પણ જયપુર (રાજસ્થાન) ખાતે વાલી મળી આવેલ નહી. અને નિષ્ફળતા સાંપડતા પરત રાજકોટ લાવવામાં આવેલ. પણ નિરાશાને ખંખેરી ટીમ ને ફરીથી સમાજ સુરક્ષા અધિકારી દ્વારા કામ પર લગાડાતા 'ઉત્તર પ્રદેશ' ના ''ઇટાવા'' ખાતે જિલ્લા બાળ સુરક્ષા એકમનો સંપર્ક કરી ફરીથી તપાસ આગળ ધપાવી હતી. દરમિયાન સમાજ સુરક્ષા અધિકારી શ્રી ઝાલાએ જણાવ્યુ હતુ કે, જયપુર ખાતે જયારે બાળકને લઇ જવામાં આવેલ ત્યારે રાહુલભાઇ શર્મા (મો.૯૭૮૨૨ ૭૯૨૧૯) નો સંપર્ક સંસ્થાના પી.ઓ.રાજાણી ભાઇને થયેલ રાજસ્થાન ખાતે મુખ્યમંત્રી કાર્યાલયમાં શ્રી શર્મા પોતાની ફરજ બજાવવા સાથે-સાથે સેવાકીય કામગીરી પણ કરે છે. જેમાં મુખ્યત્વે પરિવારથી સાથે-સાથે સેવાકીય કામગીરી પણ કરે છે. જેમાં મુખ્યત્વે પરિવારથી વિખુય ખેલ બાળકોને પરિવાર સાથે પુનઃસ્થાપન કરવાનુ મુખ્ય કામ છે.

ચિલ્ડ્રન હોમ-રાજકોટના પી.ઓ. રાજાણીભાઇ દ્વારા રારૂલભાઇ સાથે સતત સંપર્ક જાળવી રાખવામાં આવેલ અને અંતે ઓ.પી.ઓ. ખાતે બાળકના વાલી સાથે સંપર્ક કરાવવામાં તેમની મદદ કામે લાગી હતી સતત એક માસની મહેનતની ફળશ્રતિરૂપે વિદ્યાર્થીના વાળી મળી આવતા બાળકના પરિવારમાં અને ચિલ્ડ્રન  હોમના સ્ટાફમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

...હવે પ્રકાશ વાલીની રાહમાં

રાજકોટ : અહિંયા ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ દ્વારા છેલ્લા ૧૦ વર્ષ દરમિયાન અંદાજે ૪૫ થી ૫૦ બાળકોના પરિવારજનો સાથે સુખદરૂપ મિલન કરાવી ચહેરાઓ ઉપર સ્મિત રેલાવી દેવામાં આવ્યું છે.

અત્રે નોંધનીય છે કે,સંસ્થામા હવે પ્રકાશ (ઉ.વ.૧૬) નામનો સગીર પોતાના માતા-પિતાની રાહમાં છે. જે છેલ્લા ત્રણ વર્ષથી અહીં રહે છે.

રાજકોટઃ અહીના ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ ખાતે રહેનાર વિશાલે રમત-ગમત ક્ષેત્રે જિલ્લા અને રાજ્ય કક્ષાએ લઇ કૌશલ્ય ઝળહળાવ્યુ હતુ.

જેમાં રીલે દોડમાં જીલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન, ડ્રોઇંગ કોમ્પીટીશનમાં પ્રથમ સ્થાન રાજકોટ મ્યુ.કોર્પો.દ્વારા આયોજીત સ્પર્ધામાં સહિત ડીસીપીયુ દ્વારા આયોજીત શરદ ઉત્સવ માઉન્ટ આબુ ટ્રેકીંગ કેમ્પની જેમ વડોદરા અને સુરત ખાતે પણ રમત-ગમતમાં ઉત્સાહપૂર્ણ ભાગ લઇ સફળતા મેળવી હતી.

 

(4:29 pm IST)