રાજકોટ
News of Sunday, 9th May 2021

શિવમ્ પાર્કની વિષપાનની ઘટનામાં કર્મકાંડી કમલેશભાઇ લાબડીયા, તેના પુત્ર અંકિત પછી હવે સારવારમાં રહેલી પુત્રી કૃપાલીનું પણ મોત

વકિલ આર. ડી. વોરા અને દિલીપ કોરાટે મકાનના સોદામાં છેતરપીંડી કરતાં ગુનો નોંધાયો છે

રાજકોટઃ નાના મવા રોડ અજમેરા શાસ્ત્રીનગર સામે શિવમ્ પાર્ક-૩માં રહેતાં કર્મકાંડી બ્રાહ્મણ યુવાન કમલેશભાઇ રામકૃષ્ણભાઇ લાબડીયાએ તા. ૩ના રોજ પોતાના દિકરા અંકિત (ઉ.વ.૨૨), પુત્રી કૃપાલી (ઉ.વ.૨૧)ને 'કોરોનાની દવા છે' કહી ઝેર પીવડાવી દીધા બાદ પોતે પણ પી લીધું હતું. સારવારમાં પહેલા અંકિતનું મોત થયા બાદ કમલેશભાઇએ દમ તોડી દીધો હતો. આ બનાવમાં પોલીસે કમલેશભાઇ લાબડીયા સામે પુત્ર-પુત્રીને ઝેર પીવડાવી પોતે પી લેવા અંગે હત્યા, હત્યાની કોશિષનો ગુનો નોંધ્યો હતો. સારવારને અંતે આજે મધર્સ ડેના દિવસે દિકરી કૃપાલીએ પણ સિવિલ હોસ્પિટલમાં દમ તોડી દેતાં પરિવાર વેરણ છેરણ થઇ ગયો છે.

કમલેશભાઇ લાબડીયાએ પોતાના દિકરા-દિકરીની સગાઇ થઇ ગઇ હોઇ લગ્ન માટે પૈસાની જરૃર હોઇ મકાન વેંચવા કાઢ્યું હતું. આ મકાનના સોદામાં વકિલ આર. ડી. વોરા અને દિલીપ કોરાટે છેતરપીંડી કરી માત્ર ૨૦ લાખ ૫૧ હજાર આપી ૧ કરોડ ૨૯ લાખનું મકાન પચાવી પાડવા કાવત્રુ ઘડ્યું હતું. પોતાના સોદા મુજબના બાકીના પૈસા ન મળતાં છેતરપીંડી થતાં કમલેશભાઇ આ પગલુ ભરવા મજબુર થયા હતાં. આ બનાવની તપાસ તાલુકા પોલીસ ચલાવી રહી છે.

(2:55 pm IST)