રાજકોટ
News of Sunday, 9th May 2021

ઘરેલુ પ્રાણવાયુ કપૂરના ભાવમાં ઘરખમ વધારો થયો

પ્રતિકીલોના ૧૭૦૦ થી ૧૮૦૦ રૂપિયા : આયુર્વેદિકના મતે કપૂરની ગોળી સુંઘવાથી ઓક્સિજન લેવલ વધે છે અને ધૂમાડો કરવાથી હવામાં વાયરસનો નાશ થાય છે

રાજકોટ,તા.૯: રાજકોટમાં ઘરેલું પ્રાણવાયુ તરીકે ઓળખાતા કપૂરનો ભાવ રાતોરાત ઉછળ્યો છે. ૧૨૦૦થી ૧૩૦૦ રૂપિયામાં કિલોએ વેચાતા કપૂરનો ભાવ આજે ૧૭૦૦થી ૧૮૦૦ રૂપિયા થઇ ગયો છે. આથી કિલોએ ૫૦૦થી ૬૦૦ રૂપિયાનો ભાવ વધારો આવ્યો છે. કપૂર, લવિંગ અને અજમાની પોટલી ખિસ્સામાં રાખી વારંવાર સુંઘવાથી કોરોના સામે રક્ષણ મળે છે. આવું આજકાલ આપણે તમામ લોકોના મોઢે સાંભળીયે છીએ. કોરોનાની આ બીજી લહેરમાં લોકોનું ઓક્સિજન લેવલ તરત ઘટી જાય છે. જેને લઇને લોકો આ પ્રકારના નુસ્ખાઓ અજમાવી રહ્યાં છે. હાલ રાજકોટની બજારમાં કપૂરની ડિમાન્ડ ખૂબ જ વધી છે. સામાન્ય રીતે લોકો કપૂરનો ઉપયોગ પૂજા-પાઠ માટે કરતા હોય છે. પરંતુ છેલ્લા એકથી દોઢ વર્ષથી કપૂર હવે કોરોના સામે રક્ષણ મેળવવા માટે વપરાય છે. જો તમારું ઓક્સિજન લેવલ નીચું જતું રહે તો કપૂરની બે ગોળી, એક ચમચી અજમા અને લવિંગનો ભુક્કો કરીને પોટલી બનાવીને સૂંઘવાથી ઓક્સિજન લેવલ ઊંચું રહે છે તેવું આયુર્વેદિક ડોક્ટરનું પણ માનવું છે. સાથોસાથે ઓક્સિજન લેવલ વધારવા માટે અડધી કલાક સુધી ઉંધા સૂવાની સલાહ પણ ડોક્ટર આપી રહ્યાં છે. આયુર્વેદિક ડોક્ટરના મતે કપૂરની ગોળી સુંઘવાથી ઓક્સિજન લેવલ વધે છે અને ધૂમાડો કરવાથી હવામાં વાયરસનો નાશ થાય છે. આયુર્વેદિક સામગ્રી વેંચતા કાદર વોરા દુકાનના મલિક કાદરભાઈ ગાંધીએ જણાવ્યું હતું કે, પહેલા કપૂરનો ઉપયોગ દીવાબત્તી અને પૂજાપાઠ માટે થતો હતો. હવે લોકો કપૂરનો ઉપયોગ ઘણી પ્રકારે કરી રહ્યાં છે. લોકો હવે દવા તરીકે કપૂરનો ઉપયોગ કરવા લાગ્યા છે. આથી કપૂરની માગ વધી છે, ત્રણ-ચાર પ્રકારના કપૂરમાં ભીમસેન, વીલસન અને બ્રાસ કપૂરનો સમાવેશ થાય છે. હાલ ભીમસેન કપૂરની માગ વધી છે.

(11:31 am IST)