રાજકોટ
News of Friday, 9th April 2021

એસ.બી.આઇ.ના એ.ટી.એમ. મશીનમાં ખામી હોવા અંગે રૂ.ર૦ હજાર વ્યાજ સાથે ચુકવવા હુકમ

રાજકોટ જીલ્લા ગ્રાહક કમિશને આપેલ મહત્વનો ચુકાદો

રાજકોટ તા. ૯: અત્રે આમ્રપાલી સિનેમા પાસે ૪, વૈશાલીનગરમાં રહેતા નિતિનભાઇ એસ. ગણાત્રાએ એસ.બી.આઇ. સદર બજારના શાખા પ્રબંધક એ.ટી.એમ. મેનેજર ચેતનભાઇ માનસાતા ત્થા અમદાવાદ લાલ દરવાજા પાસેની સદરહું બેંક વિરૂધ્ધ એ.ટી.એમ. ટ્રાન્જેકશનમાં ખામી સંદર્ભે કરેલ ફરિયાદમાં રાજકોટ જીલ્લા ગ્રાહક ફોરમે મહત્વનો ચુકાદો આપીને ફરીયાદીની આંશિક ફરિયાદને મંજુર કરી હતી.

ફરીયાદીએ તા. ર૩-૧૧-૧૮નાં રોજ સદર બજાર શાખાના એ.ટી.એમ. માંથી રૂ. ર૦ હજાર વિથ-ડ્રો કરતાં મશીનમાં ખામી હોવાથી રકમ વિથ-ડ્રો થયેલ નહિં ૧૦ મિનિટ સુધી રાહ જોયા પછી પણ મશીનમાં પૈસા નહિં નીકળતાં સી.સી. ટી.વી. ફુટેજ જોતા રાત્રીના ર૦ કલાક ૪૮ મિનિટે રકમ નીકળ્યાનું જણાવેલ પરંતુ ૧૮ મિનિટ બાદ ર૧ કલાક પ મિનિટે રકમ તથા ડ્રો થયેલ નહિં જેથી મશીનમાં ખામી હોય ફરીયાદીએ ૧૮ ટકા વ્યાજ સહિત ર૦ હજાર તેમજ અન્ય ખર્ચ માનસિક ત્રાસ બદલ વળતરના પ૦૦૦ તેમજ ફરિયાદ ખર્ચના રૂ. ૧૦ હજાર અપાવવા ગ્રાહક ફોરમમાં ફરિયાદ કરી હતી.

સદરહું ફરીયાદને રાજકોટ જીલ્લા ગ્રાહક કમિશનનાં પ્રમુખ જજ શ્રી વાય. ડી. ત્રિવેદી અને સભ્ય એ.પી. જોષીએ આંશિક મંજુર કરીને મશીનમાં ખામી હોવા બાબતે ર૦ હજાર છ ટકા વ્યાજ સહિત ચુકવી આપવા તેમજ થયેલ ખર્ચની રકમ ચુકવવાનો હુકમ કર્યો હતો.

(3:01 pm IST)