રાજકોટ
News of Friday, 9th April 2021

રાજકોટ ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ દ્વારા કુરીવાજોને તિલાંજલી : સંમેલનમાં 'ધારો ૨૦૨૧' ની રચના

રાજકોટ : ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ દ્વારા તાજેતરમાં કનકનગરમાં જ્ઞાતિની વાડી ખાતે ગુર્જર પ્રજાપતિ મહાસંમેલ યોજવામાં આવ્યુ હતુ. 'ધારો ૨૦૨૧' શીર્ષકતળે યોજાયેલ આ સંમેલનમાં ગુર્જર પ્રજાપતિ સમાજના પ્રમુખ રમેશકુમાર ચંપકલાલ સોરઠીયાએ જણાવેલ કે હાલના સમયમાં સગાઇ, લગ્ન, શ્રીમત અને અવસાન જેવા પ્રસંગોના રીવાજોમાં વધારો થતો જાય છે. તેના પર નિયંત્રણ લાવવુ જરૂરી હોવાથી આ સંમેલન બોલાવેલ છે. ખોટી દેખાદેખીમાંથી બહાર આવવા અને કુરીવાજ-દુષણોમાંથી મુકત થવા સૌને અપીલ કરી હતી. સંમેલનના અધ્યક્ષ નીતિનભાઇ વ્રજલાલ ઘાટલીયાએ પણ જ્ઞાતિના રીતરીવાજો પર છણાવટ કરી બીનજરૂરી ખર્ચા ટાળવા અને સુધારાવાદી વલણ અપનાવવા હિમાયત કરેલ. ગુજરાતના જુદા જુદા પ્રદેશમાંથી આશરે ૨૫૦ જેટલા પ્રતિનિધિઓએ સંમેલનમાં હાજરી આપી હતી. જામનગરથી આવેલા યોગેશભાઇ ચૌહાણે લગ્ન, મામેરા જેવી પ્રથાઓ વિશેષ છણાવટ કરેલ. વરીયા તેમજ વાટલીયા પરિવારના અગ્રણી ગોરધનભાઇ કાપડીયા, મનસુખભાઇ ધંધુકીયા, ગોંડલના નરેન્દ્રભાઇ મગનભાઇ મંડલીક, જસદણના હિરેનભાઇ સાકરીયા, થાનગઢના ભાવેશભાઇ રાઠોડ, અમદાવાદના સુરેશભાઇ ધનજીભાઇ બજાણીયાએ પ્રાસંગીક પ્રવચન કરેલ. કાર્યક્રમના અંતમાં મીઠી કાણ બંધ કરવા, અવસાન પ્રસંગે લાણી (ભેટ) બંધ કરવા, સમુહલગ્ન સાદાઇથી કરી પાછળથી મોટા ખર્ચા ન કરવા, સગાઇ અને લગ્નમાં પહેરામણીની પ્રથા બંધ કરવા, છાબમાં ઘરેણા મર્યાદીત રાખવા, મામેરૂ ફકત મામા એક જ લાવે તેવી વ્યવસ્થા કરવા, ઢોલ-નગારા પર રૂપિયા ઉડાડવાનું બંધ કરવા, અવસાન બાદ પાંચમાં દિવસે બધી વીધી પુર્ણ કરી દરેક સગાને એક જ દિવસે તેડાવવા સહીતના નિયમો જાહેર કરી આ 'ધારો ૨૦૨૧' ની બુકલેટ છપાવી સૌના સુધી પહોંચતી કરવા જાહેરાત કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જ્ઞાતિના મંત્રી બળવંતભાઇ હળવદીયા (મો.૯૪૨૬૨ ૪૦૨૩૪) અને કારોબારી સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

(2:58 pm IST)