રાજકોટ
News of Friday, 9th April 2021

ચૌધરીના મેદાનમાં કોરોનાના દર્દીઓના સગાને અપાય છે માહિતીઃ વિડીયોકોલથી વાત પણ કરાવાય છે

રાજકોટ, તા.૯: રાજકોટ શહેર-જિલ્લામાં કોરોનાના તમામ દર્દીઓના સગા-સંબંધી અને પરિવારજનોને દર્દીની સ્થિતિ વિશે છેલ્લામાં છેલ્લી જાણકારી મળી રહે તે માટે હેલ્પ લાઇન અને હેલ્પ ડેસ્ક તેમજ વીડિયો કોલિંગની સુવિધા ઉપલબ્ધ છે.

જિલ્લા કલેકટરશ્રી રેમ્યા મોહનના માર્ગદર્શન, અધિક કલેકટરશ્રી પરિમલ પંડ્યાના સંકલન હેઠળ તેમજ વિવિધ પ્રાંત અધિકારીશ્રીઓ પણ સિવિલ હોસ્પિટલ, જિલ્લાની સબ હોસ્પિટલો તેમજ કેર સેન્ટરોના જરૂરી મેનેજમેન્ટ- સંકલનમાં કામગીરી બજાવી રહ્યા છે.

રાજકોટની પંડિત દિનદયાલ ઉપાધ્યાય કોવીડ હોસ્પિટલમાં કોવીડના દર્દીઓને આધુનિક સારવાર, અવિરત ઓકિસજનનો પૂરવઠો, જરૂરી દવા અને ૨૪ કલાક તબીબો-નસિંગની બહેનો,સ્ટાફ પેરા મેડિકલ કર્મયોગીઓની સેવા ઉપલબ્ધ છે.

સિવિલ હોસ્પિટલની નજીક ચૌધરી હાઇસ્કુલના મેદાન પાસે કોવીડના દાખલ-સારવાર હેઠળના દર્દીઓના સગા-સંબંધીઓને દર્દી વિશેની સંપૂર્ણ માહિતી મળી રહે તે માટે સેવા ઉપલબ્ધ કરવામાં આવી છે.

અહીં વીડિયો કોલિંગ, ફોન કોલિંગ, દર્દીની જરૂરિયાત મુજબની વસ્તુઓ પહોંચાડવા હેલ્પ ડેસ્ક, દર્દીની સ્થિતિ તેમજ દર્દી ઓકિસજન પર છે કે વધારે ઓકિસજનની જરૂર છે તે વિશેની અને અપાઈ રહેલી સારવાર અંગેની માહિતી આપવામાં આવે છે. જુદા જુદા કોમ્પ્યુટર દ્વારા અને લેન્ડ લાઇન પર કર્મયોગીઓ સેવા આપે છે. આ કામગીરીનું સંકલન ડેપ્યુટી કલેકટરશ્રી એન.આર. ધાધલ કરી રહ્યા છે.

(2:57 pm IST)