રાજકોટ
News of Thursday, 9th April 2020

શહેરના વોંકળા કરાશે ચોખ્ખાઃ ૯૫ ટન કચરાનો નિકાલ

વર્તમાન મહામારીના સમયમાં રોડ-રસ્તાની સાથો સાથ વોંકળાની સઘન સફાઇઃ સ્ટે. ચેરમેન ઉદય કાનગડના માર્ગદર્શન હેઠળ સોલીડ વેસ્ટ શાખા દ્વારા કામગીરી

રાજકોટ,તા.૯:વર્તમાન સમયમાં વિશ્વભરમાં કોવીડ-૧૯ વાયરસના કારણે મહામારી ફેલાઈ છે. ત્યારે લોકોને આરોગ્યની જાળવણી માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સઘન સફાઈ ચાલુ કરવામાં આવી છે. તેની સાથે શહેરના તમામ વોંકળાની સફાઈ ચાલુ કરવામાં અવી છે.

આ અંગે માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ જણાવે છે કે, હાલની વૈશ્વિક મહામારીના કારણે ઉભી થયેલ પરિસ્થિતિમાં લોકોના આરોગ્યની જાળવણી માટે મહાનગરપાલિકા દ્વારા રોડ-રસ્તાની સફાઈ, દવા છંટકાવ, ફોગીંગ વિગેરે કામગીરી ચાલુ છે, તેની સાથોસાથ શહેરના તમામ વોંકળાની સફાઈની કામગીરી આજથી ચાલુ કરવામાં આવી છે. જે અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના વોંકળા વિભાગ દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારના વોંકળાની સફાઇ શરૂ કરવામાં આવેલ છે. શહેરમાં આવેલ મોટા અને ખુલ્લા વોંકળાઓ જેમ કે ગવલીવાડ, મહાસતીજી ચોક, એકલ્વ્ય હોલ, પોપટપરા પરસાણાનગર, તીલક પ્લોટ, રામેશ્વર ચોક, સંતકબીર રોડ, ચુનારવાડ, મવડી સ્મશાન પાસે, કાલાવડ રોડ પ્રેમ મંદિર પાસે વિગેરે વોંકળાઓમાં જે.સી.બી. દ્વારા સફાઇ કામગીરી શરૂ કરવામાં આવી છે. તેમજ શહેરના ગીચ અને સાંકડા વિસ્તારમાં આવેલ વોંકળાઓ ક જયાં મશીનથી કામગીરી ન થઇ સકે ત્યાં મજુર દ્વારા સફાઇ કરવામાં આવશે.

ઉપરોકત કામગીરી અંતર્ગત શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારના રામેશ્રર ચોક, હરીહર ચોક વિસ્તારના વોંકળામાંથી ૩૦ ટન ગાર કચરાનો નિકાલ કરવામાં આવેલ છે, જયારે પુર્વ ઝોન વિસ્તાર રણછોડદાસ આશ્રમ સામે, જીલ્લાના નાલાથી સાઘુ સ્મશાન, ચુનારવાડ વિગેરે વિસ્તારમાંથી ૩૦ ડમ્પર અને ૩ ટ્રેકટર દ્વારા ૩૩ ટન ગાર, કચરાનો નિકાલ કરવામાં આવેલ છે. તેમજ પશ્વિમ ઝોન વિસ્તારમાં મવડી ડ્રેનેજ પંમ્પીંગ સ્ટેશન, રામધણ પાસેથી ૩ ડમ્પર અને ૨ ટ્રેકટર દ્વારા કુલ ૩૨ ટન કચરાનો નિકાલ કરવામાં આવેલ છે. તેમજ બાકી રહેતા તમામ વોંકળાની સફાઇ તાત્કાલિક પૂર્ણ કરવામાં આવશે.

(3:41 pm IST)