રાજકોટ
News of Thursday, 9th April 2020

જંગલેશ્વર હોટસ્પોટઃ સમગ્ર વિસ્તાર કલસ્ટર કોરન્ટાઇન

પોલીસનાં ધાડા ઉતારી દેવાયાઃ ઘર બહાર નીકળનારાનાં ''મોર'' બોલાવી દીધા : ગઇકાલ સાંજથી જંગલેશ્વરમાં વધુને વધુ શંકાસ્પદોનાં સેમ્પલો લેવાનું શરૃઃ ૧૦૦ જેટલાં સેમ્પલો લેવાશેઃ ૧૦૦૦ આરોગ્ય કર્મી.ની ટીમ ઉતારાઇઃ શહેરમાં ૧ર૬૮ વ્યકિતઓનાં હોમ કોરન્ટાઇનમાંથી બહાર આવ્યાઃ ૧ર વ્યકિતઓ મેડીકલ ઓબ્ઝર્વેશનમાં: શહેરમાં કોરોનાની સ્થિતિ જાહેર કરતાં ઉદીત અગ્રવાલ

રાજકોટ તા. ૯: કોરોનાં સંક્રમણની રાજકોટ શહેરમાં જયાંથી શરૂઆત જોવા મળી હતી તે જંગલેશ્વર વિસ્તારને મ્યુ. કોર્પોરેશને હોટસ્પોટ જાહેર કર્યો છે. કેમકે આજ વિસ્તારમાંથી કોરોના પોઝીટીવનો બીજો દર્દી મળી આવતાં હવે આ સમગ્ર વિસ્તારનાં હજારો કુટુંબોને કલસ્ટર કોરન્ટાઇન કરી અને આ એકજ વિસ્તારમાંથી કોરોનાનાં શંકાસ્પદોને શોધવાની પ્રક્રિયા ગઇ સાંજથી શરૂ કરી દેવાઇ છે અને ગઇકાલથી આજ સાંજ સુધીમાં ૧૦૦ જેટલાં લોકોનાં કોરોનાં ટેસ્ટ કરવાની પ્રક્રિયા જોરશોરથી આરંભી દેવાઇ છે અને બપોર સુધીમાં ૬૦ વ્યકિતનાં ટેસ્ટ કરી દેવાયેલ. તેમ મ્યુ. કમિશ્નર ઉદીત અગ્રવાલે સતાવાર જાહેર કર્યું હતું.

શ્રી અગ્રવાલે શહેરમાં કોરોનાની સ્થિતિ અંગે વિગતો આપતાં જણાવેલ કે, રાજકોટનાં જંગલેશ્વરમાંથી સૌ પ્રથમ કોરોનાં પોઝીટીવ દર્દી મળી આવેલ ત્યારથી તંત્રની આ વિસ્તાર ઉપર કડક નજર હતી. દરમિયાન ગઇકાલે વધું એક પોઝીટીવ કેસ મળતાં હવે તંત્રને સમગ્ર જંગલેશ્વરને હોટસ્પોટ ગણી કલસ્ટર કવોરન્ટાઇન કરવાની ફરજ પડી છે અને આ વિસ્તારમાંથી વધુને વધુ શંકાસ્પદોનાં કોરોના ટેસ્ટ કરવા ઉપર ફોકસ કરાયું છે.

જદરમિયાન જંગલેશ્વર વિસ્તારમાં લોકડાઉનનો કડક અમલ થાય અને કોઇપણ ઘરમાંથી બહાર ન નીકળે તેનાં માટે અહીં ચારેબાજુએથી ખતરા લગાવીને મુખ્ય રસ્તાઓ સીલ કરી દેવાયા છે અને ર૭થી વધુ પોલીસનો કાફલો ખડકી દેવાયો છે.

શ્રી અગ્રવાલે જણાવેલ કે જંગલેશ્વરમાં કોરોના શંકાસ્પદોને શોધવા ૧૦૦૦ જેટલા આરોગ્ય કર્મીઓની ટીમ ઉતારી દેવાઇ છે જે શર્દી-તાવ-ઉધરસ કે 'ફલુ'નાં લક્ષણો ધરાવનારાઓનો કોરોનાં ટેસ્ટ કરાવવાં માટે ઘરે-ઘરે સર્વે કરી રહ્યા છે.

આ વિસ્તારનાં કોરન્ટાઇન લોકો માટે જીવન-જરૂરી તમામ વસ્તુઓ પહોંચાડવા માટે તંત્ર દ્વારા અગાઉથી જ વ્યવસ્થા છે. માટે હવે વિસ્તારનાં લોકોને બહાર ન નીકળવાં અપીલ છે.

આમ છતાં કેટલાક લોકોમ બહાર ફરતાં જોવા મળેલ અને દુકાનો ખોલતાં પોલીસે સખત અપનાવી અને ''મોર'' બોલાવી દીધા હતા.

શ્રી અગ્રવાલે ગિવસ્તૃતમાં જણાવેલ કે, શહેરમાં વિદેશથી આવેલા અને તેનાં સંપર્કમાં આવેલા ૧ર૬૮ વ્યકિતઓ હેમખેમ રીતે હોમ કોરન્ટાઇનમાંથી બહાર આવી ગયા છે. જયારે આજે માત્ર ૧ર વ્યકિતઓજ મેડીકલ ઓબ્ઝર્વેશનમાં છે.

કરિયાણાનાં રિટેલરો પાસે માલ ખલાસ હોય તો વોર્ડ ઓફીસરને કહો

મ્યુ. કમિશ્નરશ્રીએ શહેરનાં રીટેલ કરિયાણા વાળાને હોલસેલર પાસેથી માલ-સામાન લેવામાં મુશ્કેલી થતી હોય તો જે તે વિસ્તારનાં વોર્ડ ઓફીસરનો સંપર્ક સાધવા જણાવેલ.

શહેરમાં ૭૦ કુટુંબનો હોમ કોરન્ટાઇન

આજની સ્થિતિએ શહેરમાં ૭૦ કુટુમ્બો હોમ કોરન્ટાઇન હોવાનું શ્રી અગ્રવાલે જાહેર કર્યું હતું.

(3:30 pm IST)