રાજકોટ
News of Thursday, 9th April 2020

જંગેલશ્વરમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓની ફલેગ માર્ચઃ બીજો પોઝિટીવ જાહેર થયેલો યુવાન જ્યાં રહે છે એ શેરી નં. ૨૭ પતરાથી બંધ કરી દેવાઇ

જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી રવિમોહન સૈની, પીઆઇ વી. કે. ગઢવી અને ટીમે સમગ્ર વિસ્તારમાં ફૂટ પેટ્રોલીંગ કરી લોકોને ઘરમાં જ રહેવા કડક સુચના આપીઃ ૨૬ અને ૨૮ નંબરની શેરીઓને બેરીકેટથી બંધ કરવામાં આવી

રાજકોટઃ કોરોનાની મહામારી સામે તંત્રો સતત ઝઝૂમી રહ્યા છે. જંગલેશ્વરના વધુ એક યુવાનનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતાં દોડધામ મચી ગઇ હતી. કલેકટર તંત્ર, પોલીસ તંત્ર અને મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રના ઉચ્ચ અધિકારીઓ તુર્ત જ હરકતમાં આવી ગયા હતાં અને સમગ્ર પોઝિટિવ જાહેર થયેલો યુવાન જ્યાં રહે છે એ જંગલેશ્વરની શેરી નં. ૨૭ને પતરાથી બંધ કરી દેવાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત તેની આજુબાજુની ૨૬ અને ૨૮ નંબરની શેરીઓને બેરીકેટથી બંધ કરી દેવામાં આવી હતી. ૨૭ નંબરની શેરીના તમામ ઘરોના રહેવાસીઓને કવોરન્ટાઇન કરી દેવાયા છે. આ વિસ્તારના ૬૮ લોકોના શંકાને આધારે કોરોનાના રિપોર્ટ કરાવવામાં આવ્યા હતાં. જેમાંથી બપોર સુધીમાં ૬૫ના રિપોર્ટ નેગેટિવ જાહેર થઇ ગયા હતાં. બાકીના ત્રણ રિપોર્ટ સાંજ સુધીમાં જાહેર થવાના હતાં. આજે બપોરે જંગલેશ્વર વિસ્તારમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી રવિમોહન સૈની, એસીપી એચ. એલ. રાઠોડ, પીઆઇ વી. કે. ગઢવી તથા ટીમોએ ફલેગ માર્ચ યોજી ફૂટ પેટ્રોલીંગ કર્યુ હતું અને લોકોને ઘરમાં જ રહેવા સુચના આપી હતી. જો કે અગાઉ પહેલો યુવાન પોઝિટિવ જાહેર થયો ત્યારે ખુદ રહેવાસીઓએ જ તંત્રને સામેથી સહકાર આપ્યો હતો અને બધા ફરજીયાત હોમ કવોરન્ટાઇન રહ્યા હતાં. આ વખતે પણ લોકો પોલીસ અને બીજા તંત્રોને સહકાર આપી રહ્યા છે. તસ્વીરમાં ઉચ્ચ અધિકારીઓ, જે શેરી બંધ કરવામાં આવી તે તથા અન્ય એક તસ્વીરમાં ઘર બહાર આટાફેરા કરી રહેલા યુવાનને સમજાવી રહેલા પોલીસ અધિકારીઓ જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

(3:29 pm IST)