રાજકોટ
News of Thursday, 9th April 2020

કોરોના સંદર્ભે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જાહેરનામા થકી લાગુ કરેલા નિયંત્રણો લંબાવાયાઃ પ્રતિબંધો યથાવત

ચારથી વધુએ ભેગા ન થવું: સભા-સરઘસ-સંમેલન-મેળાઓ કે પ્રસંગોમાં લોકો ભેગા ન કરવાઃ મોલ, મલ્ટીપ્લેકસ, પાર્ક, કલબ હાઉસ, મેરેજ હોલ, સહિતના સ્થળો બંધ રાખવાઃ શેૈક્ષણિક સંસ્થાઓ-સરકારી અને ખાનગી હોસ્ટેલો બંધ રાખવી-પાનના ગલ્લા બંધ રાખવા સહિતના આદેશો

રાજકોટ તા. ૯: વિશ્વમાં નોવેલ કોરોના વાયરસ કોવિડ-૧૯ને વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી હોઇ તેના કારણે દેશભરમાં લોકડાઉન છે. અગાઉ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે ૨૨/૩/૨૦ના રોજ એક જાહેરનામુ કોરોના સંદર્ભે બહાર પાડ્યું હતું. તેમાં અનેક પ્રતિબંધો ફરમાવ્યા હતાં. આ જાહેરનામા થકી મુકાયેલા નિયંત્રણોને લંબાવાયા છે અને ગઇકાલે પ્રતિબંધોને યથાવત રાખતું જાહેરનામુ ફરીથી રીન્યુ કરવામાં આવ્યું છે. જેમાં લોકો માટે અનેક સુચનો આપવામાં આવ્યા છે.

પોલીસ કમિશનરશ્રીએ જણાવ્યું છે કે ૨૨મીપછી અલગ-અલગ દિવસે કોરોનાના ઝડપી સંક્રમણને અટકાવવા તકેદારીના ભાગ રૂપે વિવિધ માર્ગદર્શિકાઓ જાહેર કરવામાં આવી છે. આ માટેના નિયંત્રણો યથાવત રાખવા જરૂરી છે. જે મુજબ ચારથી વધુ લોકોએ કયાંય પણ ભેગા થવું નહિ, પરવાનગી વગર સભા, સરઘસ, સંમેલન, મેળાવડા જેવા પ્રસંગો ન યોજવા, મોલ-મલ્ટીપ્લેકસ-સિનેમા-નાટ્યગૃહો, જીમ, સ્પોર્ટસ કોમ્પલેક્ષ, સ્વીમિંગ પુલ, ડાન્સ કલાસીસ, ગેમ ઝોન, કલબ હાઉસ, એમ્યુઝમેન્ટ પાર્ક, પાર્ટી પ્લોટ, મેરેજ હોલ, લગ્ન વાડી, હાટ બજાર કે જ્યાં લોકોની વધુ અવર-જવર હોય તેવા તમામ સ્થળો બંધ રાખવા.

સરકાર દ્વારા મંજુરી આપવામાં આવી હોય તે સિવાયની તમામ શૈક્ષણિક સંસ્થાઓ, ટ્યુશન કોચીંગ કલાસ સહિતની જગ્યાએ શૈક્ષણિક કાર્યો બંધ રાખવા. શૈક્ષણિક કામગીરી સાથે સંકળાયેલી સરકારી અને ખાનગી હોસ્ટેલ બંધ કરવી, બાગ બગીચાઓ, ધાર્મિક મેળાવડાઓ બંધ રાખવા. પાન માવાના ગલ્લાઓ, દૂકાનો બંધ રાખવી. હોટેલો રેસ્ટોરન્ટ, ખાણીપીણીના સ્થળ, મીઠાઇ-ફરસાણની દૂકાનો, ભોજનાલય સહિતના સ્થળે કોવીડ-૧૯ અંગે રાજ્ય સરકારે બહાર પાડેલી સુચનાઓનું ચુસ્ત પાલન કરવું.

કોઇએ કોરોના વિશે ખોટી અફવા ફેલાવવી નહિ, જો ફેલાવશે તો ગુનો નોંધાશે. કોઇ નાગરિક જાહેર થયેલા કોરોના વાયરસ પોઝિટિવ વિસ્તાર-દેશમાંથી આવ્યો હોય તો તેણે નજીકની સરકારી હોસ્પિટલ અથવા શહેર જીલ્લાના કન્ટ્રોલ રૂમમાં અથવા હેલ્પ લાઇન નં. ૧૦૪ ઉપર ફરજીયાત જાણ કરવાની રહેશે. તેમજ વહિવટી તંત્રની સુચના મુજબ હોમ કવોરન્ટાઇન, આઇસોલેશનના પ્રોટોકોલનું ચુસ્ત પાલન કરવાનું રહેશે. જો તેમ નહિ કરવામાં આવે તો કવોરન્ટાઇન વોર્ડમાં ખસેડી એપિડેમિક ડિસીઝ એકટ-૧૮૯૭ની જોગવાઇ મુજબ કાર્યવાહી થશે.

જાહેર રસ્તાઓ પર થુંકીને ગંદકી કરનારા સામે પણ કાર્યવાહી કરી દંડ વસુલવામાં આવશે. ભવિષ્યમાં ઉપરોકત હુકમમાં સુધારો થશે તો ફરીથી પ્રતિબંધ લગાવવામાં આવશે. જેને અગાઉ પ્રતિબંધમાંથી છુટછાટ અપાઇ છે તે યથાવત રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર સામે જીપીએકટ ૧૩૫ મુજબ કાર્યવાહી થશે. તેમ પોલીસ કમિશનર શ્રી અગ્રવાલે જણાવ્યું છે.

(1:36 pm IST)