રાજકોટ
News of Thursday, 9th April 2020

આજે શબે બરાતની બંદગી મુસ્લિમો ઘરમાંજ કરશે

બુદ્ધિજીવીઓ કહે છે, ઇસ્લામી આદેશોનું ખરા અર્થમાં પાલન થઇ જશેઃ ફરજ ઉપરાંત વધારાની નમાઝ ઘરમાંજ પઢાશે : કબ્રસ્તાન, દરગાહ, મસ્જીદો કોરોના વાયરસના પ્રકોપથી પહેલાંથી જ બંધ છે ત્યારે પરિવારજનોને એક સાથે બેસી દુઆઓ કરવાની તક મળી

રાજકોટ શહેરમાં સદર વિસ્તારમાં આવેલ શહેર જામ્એ મસ્જીદ બંધ છે તેનો મુખ્ય પ્રવેશ દ્વાર પણ બંધ છે તે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

અમદાવાદ તા. ૯: ઇસ્લામ ધર્મમાં ૮મા મહિનામાં ૧પમી રાત્રિને શબે-બરાત તરીકે ઓળખવામાં આવે છે. કેટલાક તહેવારો છે એ રીતે ઇસ્લામ ધર્મમાં કેટલીક રાત્રિઓ પણ મહત્વતા વાળી છે જે પૈકી શબે બરાત આજે મનાવવામાં આવનાર છે.

આ રાત્રિમાં મુસ્લિમ સમુદાય બંદગીમાં ઓતપ્રોત થઇ જાય છે સાંજે ૭ વાગ્યે થતી મગરીબની નમાઝ બાદ વધારાની નમાઝ પઢે છે અને તે પછી રાત્રિના ૯ વાગ્યાની ઇશાની નમાઝ પછી પણ વધારાની નમાઝ અને કુઆર્ન પઠન કરે છે એ ઉપરાંત આજે સાંજે અને કાલે સાંજે બે દિ' પોતાના ઘરે શ્રાદ્ધતર્પણ કરી પોતાના સ્વર્ગસ્થોને યાદ કરે છે.

ખાસ કરીને આ શબે બરાતની રાત્રિમાં બંદગીનું વધુ મહત્વ હોવા ઉપરાંત ખુદાના દ્વારે પશ્ચાતાપ કરવાનો એક અવસર હોય છે એ સાથે નાના-મોટા હરકોઇપણ એકબીજાને ક્ષમાયાચના કરે છે. આ રાત્રિમાં ખુદાની કૃપા અવિરત વરસે છે તે એક માન્યતા છે. આથી આ રાત્રિને પશ્ચાતાપની રાત્રિ પણ કહેવામાં આવે છે.

પરંતુ હાલમાં સમગ્ર ભારત દેશમાં લોકડાઉન ચાલી રહ્યું હોઇ અને કોરોના વાયરસના પ્રકોપ વચ્ચે શબે-બરાતની ઉજવણી મુસ્લિમ સમાજ પોતપોતાના ઘરમાં જ નમાઝ પઢી, બંદગી કરીને ઉજવશે અને કબ્રસ્તાન, દરગાહ ત્થા મસ્જીદોમાં નહીં જઇ લોકડાઉનનો સંપૂર્ણ અમલ કરશે.

આ માટે મુસ્લિમ સમાજની તમામ સંસ્થાઓ, ધર્મગુરૂઓ, ઉલેમાઓ અને વિદ્વાનોએ પણ લોકડાઉનનો સંપૂર્ણ અમલ કરવા અપીલ કરી છે અને લોકડાઉન શરૂ થયું ત્યારથી દરગાહ-મસ્જીદો-કબ્રસ્તાન બંધ રાખવામાં આવેલ હોઇ ત્યાં પણ નહીં આવવા-જવા અનુરોધ કર્યો છે.

આ ઉપરાંત મુસ્લિમ સમાજના અનેક લોકો ત્રણ દિ' રોઝા રાખશે આ તમામ હંમેશની ક્રિયાઓ છે. ખાસ કરીને મુસ્લિમો કબ્રસ્તાન રાત્રિના જાય છે પણ તે લોકડાઉન વચ્ચે કરવાનું બંધ રહેશે.

બીજી તરફ કેટલાક બુદ્ધિજીવીઓએ લોકડાઉનનું પ્રથમથી જ પાલન થઇ રહ્યું હોય તે વાતને સમર્થન આપીને જણાવ્યું છે કે, આ વધારાની નમાઝો ''નફલ'' નમાઝો છે અને તેની આમ પણ ''જમાઅત'' ફરજ નમાઝોની જેમ થતી નથી ત્યારે આ નમાઝો હંમેશ માટે ઘરે પઢવી પણ ઉતમ હોઇ આ વખતે ખરેખરા અર્થમાં લોકડાઉન વચ્ચે આનફલ નમાઝો સૌના ઘરમાંજ પઢાશે અને સૌ લોકો પોતપોતાના ઘરમાંજ અશ્રુભેર દુઆઓ કરશે જે ઇસ્લામ ધર્મની પાયાની તાલીમનું એક અનુકરણીય અને ઇસ્લામી આદેશનું પણ ખરા અર્થમાં પાલન થનાર હોવાનું સ્પષ્ટ થાય છે.

ઇસ્લામ ધર્મમાં આ રાત્રિનું મહત્વ છે અલ્લાહ તઆલા દ્વારા મનુષ્યને તેના પાપો માટે માફ કરવામાં આવે  છે. આજે અને કાલે મુસ્લિમ ઘરોમાં તમામ પ્રકારની વાનગીઓ તૈયાર કરવામાં આવે છે અને પઠન બાદ ગરીબોમાં વહેંચવામાં આવે છે. શબ-એ-બરાતની રાત ઇસ્લામની સૌથી મહત્વપૂર્ણ રાત માનવામાં આવે છે કારણ કે ઇસ્લામિક માન્યતાઓ અનુસાર, આ રાતે મનુષ્યના મૃત્યુ અને જીવનનો નિર્ણય લેવામાં આવે છે. તેથી તેને ચુકાદાની રાત પણ કહેવામાં આવે છે. શબ-એ-બરાતની રાત્રે મુસ્લિમ સમુદાયના માણસો મસ્જિદોમાં નમાઝ પઢવા જાય છે તેના બદલે આ વખતે ઘરે પઢશે અને ઇસ્લામ ધર્મમાં આ રાત ખૂબ જ આશ્ચર્યજનક અને બરકત વંતી ગણાય છે.

(11:30 am IST)