રાજકોટના ત્રિકોણ બાગ પાસે ટેમ્પોએ એક્સેસને ઉલાળતા જીવલેણ અકસ્માત: મહિલાનું મોત: ટેમ્પો ચાલાક ફરાર
કૌટુંબિક દિયર સાથે બજરંગવાડીમાં એક્સરે પડાવી પરત ફરતા મિલપરામાં રહેતા ભાવનાબેનને કાળ ભેટ્યો
રાજકોટઃ ત્રિકોણ બાગ પાસે સાંજે જીવલેણ અકસ્માત સર્જાયો છે. એક ટેમ્પો ચાલકે એક્સેસને ઠોકરે લેતા એક્સેસ ચાલક મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું છે. મૃતકનું નામ ભાવનાબેન જગદીશભાઈ સોલંકી હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. ચાલક ટેમ્પો મૂકીને ભાગી ગયો છે. પોલીસે તપાસ શરૂ કરી છે.
આ અંગે વધુમાં મળતી વિગત મુજબ મૃતક ભાવનાબેન ( રહે, મિલપરા મેઈન રોડ ) આજે તેણીના કૌટુંબિક દિયર મહીપતભાઈ રતિલાલ સોલંકી ( રહે, રામેશ્વર સોસાયટી, બાબરીયા કોલોની પાસે ) સાથે પોતાનો એક્સરે પડાવવા બજરંગવાડીમાં ગયા હતા ત્યાંથી પરત ફરતા જવાહર રોડ પાસે ગેલેક્સી હોટલ નજીક ટેમ્પો ચાલકે પાછળથી ઠોકરે ચડાવતા ભાવનાબેનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું,
આ અકસ્માત બાદ ટેમ્પો ચાલક ટેમ્પો મૂકીને ફરાર થઇ ગયો હતો અકસ્માતની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી
વધુમાં મળતી વિગત મુજબ મૃતક ભાવનાબેનને સંતાનમાં 23 વર્ષીય પુત્ર કલ્પેશ છે તેણીના પતિ રાજહંશ ફરસાણ નામની દુકાન ધરાવે છે