રાજકોટ
News of Tuesday, 9th March 2021

૧૦ માર્ચ 'નો સ્મોકિંગ ડે'- ધુમ્રપાન નિષેધ દિવસ

જીવન સુંદર છે તેને ધુમાડામાં જવા ન દો, જિંદગી પસંદ કરો, તમાકું નહીં

'ધુમ્રપાન નિષેધ દિવસ' દર વર્ષે માર્ચ મહીનાના બીજા બુધવાર પર મનાવવામાં આવે છે. તેનો મુખ્ય હેતુ સૌને ધુમ્રપાન નિષેધ પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવાનો છે. આ દિવસ ઉજવવાની શરૂઆત સન ૧૯૮૪ થી થઇ હતી. ધુમ્રપાન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. એક અંદાજ મુજબ સામાન્ય રીતે ધુમ્રપાનનો શિકાર દરેક ૧૨ થી ૧૭ વર્ષની વયના યુવા થાય છે. આ પાછળનું કારણ ક્યારેક કઈક નવું કરવાની જિજ્ઞાસા હોય છે તો ક્યારેક અન્ય કરતાં પોતે મોટા છે એવું સાબિત કરવાની લાલસા પાછળ સગીર વયે વ્યકિત ધુમ્રપાનનો શિકાર થાય છે.

ધુમ્રપાન નિષેધ માટે જનજાગૃતિ હેતુ આ દિવસ પસંદ કરવામાં આવ્યો છે, પરતું ખરેખર તો આવા માદક પદાર્થો ના નિષેધ માટે કોઈ પણ નિશ્ચિત્ત દિવસ હોતો નથી. કોઈ પણ વ્યકિત ઈચ્છે ત્યારે તેને બંધ કરી શકે છે બસ આ માટે જે તે વ્યકિતએ પોતાનું મન મકકમ કરવાની આવશ્યકતા છે. ધુમ્રપાનની ખરાબ અસર મુખ્યત્વે ઉધરસ અને ગાળામાં બળતરાની સાથે શરૂ થાય છે અને સમય જતાં તે હદય રોગ, શ્વાસનળીનો સોજો, ન્યુમોનિયા સ્ટ્રોક અને ઘણા પ્રકારના કેન્સર જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓ સહિત વધુ ગંભીર પરિસ્થિતી પણ સર્જી શકે છે જેમાં સૌથી ગંભીર અને વધુમાં વધુ જોવા મળતી સમસ્યા ઓરલ કેન્સર ( માઉથ કેન્સર ) છે.

હાલની કોરોના કાળની કપરી પરિસ્થતિતમાં જ્યારે દરેક જગ્યાએ ઇમ્યુનિટી પાવર વધારવાની ચર્ચાઓ ચાલી રહી છે અને તેના માટે યોગ્ય દવાઓ પણ શોધાઇ રહી છે એ સમયમાં દરેક વ્યકિતએ પોતાના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું જ રહ્યું. જો ધુમ્રપાન જેવી આદતો હશે તો તે ફેફસા માટે હાનિકારક બનશે અને તેનાથી મૃત્યુ પણ નીપજી શકે છે.

અહીં કયારેક એ સવાલ પણ પેદા થાય છે કે ભારત જેવા દેશમાં જ્યાં તમાકુ,સીગારેટ ના પેકિંગ પર જ તેના ઉપભોગ કર્યા પછીના પરિણામો દર્શાવેલ હોય છે અને કોઈ ફિલ્મ બતાવતા પહેલા પણ વ્યસન નિષેધ જાગૃતિના વિજ્ઞાપનો દર્શાવાય છે છતાં પણ દેશમાં મોટા ભાગે લોકો કોઈ ને કોઈ વ્યસન નો શિકાર થતા જ હોય છે. ધુમ્રપાન ની સમસ્યા મુખ્યત્વે મેટ્રો સિટીમાં વધારે જોવા મળે છે તેની પાછળ  મેટ્રો સિટિનું વ્યસ્ત જીવન, સતત ચાલતું અને દોડધામ કરતું શરીર અને મન ને લાગતો માનસિક થાક જવબદાર છે. વધતી જતી હરિફાઈમાં વ્યકિત પર સતત ને સતત કામનું દબાણ રહેવાનું એ સ્વાભાવિક છે પરંતુ તેના કારણે માદક દ્રવ્યોના સેવનનું આદિ થઇ જવું એ કોઈ સમસ્યાનો હલ ન કહી શકાય. ધુમ્રપાનની આદત છોડવા માટે વ્યકિતએ સૌ પ્રથમ મકકમ નિર્ધાર કરવો પડશે જેના માટે એકાગ્રતા તેમજ ચિત્તની શકિતની આવશ્યકતા છે. આ શકિત ધ્યાન, પ્રાણાયામ અને યોગથી શકય બની શકશે. ધુમ્રપાન સહિત તમામ વ્યસનોનો ત્યાગ કરીએ.(૩૦.૭)

સંકલનઃ મિત્તલ ખેતાણી, મો. ૯૮૨૪૨૨૧૯૯૯

(4:23 pm IST)