રાજકોટ
News of Tuesday, 9th March 2021

ગુરૂવારે વિશ્વ કિડની દિવસ નિમિતે ડો. સંજય પંડયાનો વર્ચ્યુઅલ સેમીનાર

રાજકોટ તા. ૮ : આત્મીય યુનિવર્સિટી દ્વારા સામાજિક ઉતરદાયિત્વના ભાગરૂપે તા.૧૧ માર્ચે 'વિશ્વ કિડની દિવસ' નિમિતે 'કિડની બચાવો અભિયાન'નું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન અંતર્ગત એક વેબિનાર યોજાશે.

'કિડનીની સંભાળ અને સારવાર' વિષય પરના આ વેબિનારમાં વિશ્વવિખ્યાત નેફ્રોલોજિસ્ટ ડો. સંજય પંડયા માર્ગદર્શન આપશે.આત્મીય યુનિવર્સિટીના અધ્યક્ષ પૂજય ત્યાગવલ્લભ સ્વામીના જણાવ્યા અનુસસાર આધુનિક ખાનપાન અને આહાર-વિહારની વિષયમાતાઓ, જળવાયું પ્રદુષણ, જંતુનાશકોના ઉપયોગથી બનેલા ખાદ્યપદાર્થો, શરીરની જાળવણી અંગે જાગૃતિનો અભાવ, તબીબની સલાહ વગર જાતે જ કોઇ પણ રોગની સારવાર કરી લેવાની અને પીડાશામક દવાઓ લેવાની કુટેવ વગેરેને કારણે કિડનીને ભારે નુકસાન પહોંચી રહ્યું છે. જેને પરિણામે નાની ઉંમરના લોકો પણ કિડનીની અસાધ્ય બીમારીઓનો ભોગ બની રહ્યા છે.ત્યારે સૌ કિડનીના રોગોથી બચે તે માટે આત્મીય યુનિવર્સિટી દ્વારા આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, રાજકોટને કર્મભૂમિ બનાવીને કિડનીના રોગોને અટકાવવાની ઝૂંબેશ દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે સુખ્યાત થનાર જાણીતા નેફ્રોલોજિસ્ટ ડો. સંજય પંડયા આ વેબિનારમાં માર્ગદર્શન અને વ્યાખ્યાન આપવાના છે વિશ્વ પ્રસિદ્ધ કિડની નિષ્ણાંત સ્વ. ડો.એચ.એલ.ત્રિવેદીના શિષ્ય એવા ડો. પંડયાએ કિડનીના રોગોને અટકાવવા અને તેની સારવાર અંગે વૈશ્વિક સ્તરે બેનમુન કામગીરી કરી છે તબીબી શિક્ષણ માટેનું તેમના પુસ્તકો પ્રેકટિકલ ગાઇડલાઇન્સ ઓફ ફલ્યુડ થેરેપી તેમજ ''તમારી કિડનીને બચાવો'' ખૂબ લોકપ્રિય બન્યા હતા. તા.૧૧ માર્ચે ગુરૂવારે બપોરે ૪-૩૦ થી પ-૩૦ દરમિયાન વેબેકસ સિસ્કોના માધ્યમથી આ વેબિનાર યોજાશે. આ નિઃશુલ્ક વેબિનારમાં ભાગ લેવા માટે સૌ પ્રથમ http://bit.ly/AUSavae KidneyCampaign લિંક પર રજીસ્ટ્રેશન કરાવવું જરૂર છે.

રજીસ્ટ્રેશન કરાવનારા લોકોને કાર્યક્રમની લિન્ક મોકલવામાંં આવશે. ઓનલાઇન કાર્યક્રમમાં  વધુને વધુ લોકો લાભ લે તે માટે આત્મીય યુનિવર્સિટી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

(3:09 pm IST)