રાજકોટ
News of Tuesday, 9th March 2021

સ્પીડવેલ પાર્ટી પ્લોટના યોગ વર્ગમાં માર્ગદર્શન ગોષ્ઠી

ગુજરાત રાજય યોગ બોર્ડ આયોજીત તથા ઉમીયા માતાજી સંસ્થાન - રાજકોટ (ઉમીયાધામ), પટેલ સેવા સમાજ (સ્પીડવેલ પાર્ટી પ્લોટ) તથા પટેલ પ્રગતિ મંડળ (ફિલ્ડ માર્શલ વાડી)ના સહયોગથી સ્પીડવેલ પાર્ટી પ્લોટના શૈક્ષણીક ઓડીટોરીયમ ખાતે રાજકોટ સૌરાષ્ટ્રમાં યોગ બોર્ડ દ્વારા ચાલતા યોગ કલાસના મહિલા યોગ ટ્રેનરોની માર્ગદર્શન ગોષ્ઠિમાં બોલતા પ્રકાશભાઇ ટીપરેએ જણાવ્યું હતું કે, યોગ એ માત્ર શરીરને ફીટ રાખવાની ક્રિયા નથી એ માટે તો વ્યાયામ છે જ અલબત યોગ ક્રિયાઓથી શરીર ફીટ રહે છે તે તેનો આડકતરો લાભ છે, યોગની ક્રિયાઓ અને આસનોનો વાસ્તવમાં સુક્ષ્મ મન સાથે વિશેષ સંબંધ છે.  તેમના પ્રવચન પછી યોજાયેલા પ્રશ્નોતરી કાર્યક્રમમાં પણ અનેક યોગ ટ્રેનરોએ યોગને લગતા અનેક સુક્ષ્મ સવાલો પૂછીને શ્રી ટીપરે પાસેથી માર્ગદર્શન મેળવ્યું હતું. બાળકોએ કઇ ઉમેરે કેવા પ્રકારના યોગ શીખવવા જોઇએ ? જેવા સમાજ જીવનને સીધા સ્પર્શતા અનેક સવાલોનું સત્ર અત્યંત રસપ્રદ રહ્યું હતું. વૈદિક ગણિત ગુજરાત સંસ્થાના ડાયરેકટર, યોગ ટ્રેનર અને રોટરી કલબના સદસ્ય ડો. મિતલબેન પટેલે યોગ વિષેના અનેક અન્ય પાસાઓની વિશદ છણાવટ કરી હતી. ઉપસ્થિતી સમુદાયની લાગણીને ધ્યાનમાં રાખી આગામી દિવસોમાં બાળકો  માટે ખાસ એક સપ્તાહનો 'કુડોઝ' કાર્યક્રમ નિઃશુલ્ક યોજવાની પણ જાહેરાત કરી હતી. ઉમીયા માતાજી સંસ્થાન રાજકોટ (ઉમીયાધામ), પટેલ સેવા સમાજ તથા પટેલ પ્રગતિ મંડળના કારોબારી સદસ્ય ડો. રમેશભાઇ ઘોડાસરાએ સંસ્થાની પ્રવૃતિઓ રજૂ કરી હતી. આ ગોષ્ઠિમાં ગુજરાત રાજય યોગ બોર્ડના વરિષ્ઠ યોગ કોચ સર્વશ્રી અનિલભાઇ ત્રિવેદી, દિપકભાઇ તળાવીયા, વંદનાબેન રાજાણી, ગીતાબેન સોજીત્રા, નિલમબેન સુતરીયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતાં. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. ધર્મિષ્ઠાબેને કર્યુ હતું. કાર્યક્રમના પ્રારંભે મા ઉમીયાજીની આરતી થઇ હતી. પ્રકાશભાઇ ટીપેર તેમજ સંસ્થાના અગ્રણી અને ભાજપ રાજકોટ જીલ્લા મહામંત્રી મનીષભાઇ ચાંગેલા અને કિશોરભાઇ ઘોડાસરા, જગદીશભાઇ પરસાણીયા અને ડો. રમેશભાઇ ઘોડાસરાનું પુષ્પગુચ્છથી સ્વાગત કરાયું હતું.

(3:08 pm IST)