રાજકોટ
News of Tuesday, 9th March 2021

બમ બમ ભોલે : ગુરૂવારે શિવરાત્રી મહોત્સવ

કોરોનાની સરકારી માર્ગદર્શીકાના પાલન સાથે સંયમિત આયોજનો : શિવાલયોમાં રૂદ્રાભિષેક, દીપમાળા આરતીના કાર્યક્રમો

રાજકોટ તા. ૯ : ગુરૂવારે મહાશિવરાત્રી હોય શિવભકતોમાં અનેરો ઉમંગ છવાયો છે. દેવાધિદેવ શિવશંભુને રીઝવવા શિવમંદિરોમાં પાઠ, પૂજા, આરતીના આયોજનો થયા છે. કોરોના મહામારી ધ્યાને લઇ સરકારી ગાઇડ લાઇનને અનુસરીને મર્યાદીત કર્યક્રમો સાથે શિવરાત્રી ઉજવણી કરાશે. વિવિધ સંસ્થા દેવાલયોની યાદીઓ અહી પ્રસ્તુત છે.

ગીતા વિદ્યાલય

જંકશન પ્લોટ ખાતે આવેલ શ્રી મનહરલાલજી મહારાજ સ્થાપિત સેવા સંસ્થા ગીતા વિદ્યાલય ટ્રસ્ટના ગીતા મંદિરમાં બિરાજતા શ્રી રામેશ્વર મહાદેવના સાનિધ્યમાં તા. ૧૧ ના ગુરૂવારે દર્શનીય શોભા સાથે સવારે ૮ થી ૧૨ અને સાંજે ૪.૩૦ થી ૮ સુધી શિવપૂજન, રૂદ્રાભિષેક થશે. બપોરે ૧૨ વાગ્યે મહાઆરતી બાદ ભાંગની પ્રસાદીનું વિતરણ કરાશે. સવારે ૬ થી બપોરે ૧૨.૩૦ અને સાંજે ૫ થી રાત્રે ૯ સુધી દર્શન ખુલ્લા રહેશે. ભાવિકોએ દર્શનનો લાભ લેવા ગીતા વિદ્યાલય પરિવાર દ્વારા અનુરોધ કરાયો છે.

અમર બાલા હનુમાન

ગાયકવાડી - ૧૦, જંકશન સ્થિત અમર બાલા હનુમાન તથા અમર રામેશ્વર મહાદેવ મંદિરે ગુરૂવારે મહાશિવરાત્રી નિમિતે સવારે ૮ કલાકે પ્રથમ આરતી તેમજ ૯ થી ૧૦ દીપમાળા દર્શન, શિવચાલીસા પાઠ, શિવ મહીમ્ન સ્ત્રોત, ૧૨ વાગ્યે દીપમાળા આરતી અને લંગર પ્રસાદ, બપોરે ૩ થી ૪ સુંદરકાંડ પાઠ, પ થી ૬ ભજન સંધ્યા, ૭ વાગ્યે દીપમાળા આરતી, ફરાળ પ્રસાદ અને રાત્રે ઇશ્વર વિવાહ (શંકર પાર્વતી વિવાહ), રાત્રે ૯ થી ૧૧ દિવ્ય સત્સંગ, ૧૨ વાગ્યે આરતી સહીતના કાર્યક્રમો થશે. તેમ પુજારીશ્રી શૈલેષગીરી ગોસ્વામીની યાદીમાં જણાવાયુ છે.

રામેશ્વર મંદિર રૈયા રોડ

રૈયા રોડ, બ્રહ્મસમાજ પાસે જીવનનગર શેરી નં. ૪ ખાતે આવેલ શ્રી રામેશ્વર મહાદેવ મંદિરે ગુરૂવારે તા. ૧૧ ના મહાશિવરાત્રી પર્વ નિમિતે પૂજન, અર્ચન, રૂદ્રાભિષેક, દીપમાલા, મહાઆરતી, સત્સંગ, ભજન-ધુન સહીતના કાર્યક્રમો યોજવામાં આવેલ છે. સવારે પ વાગ્યે ભસ્મ આરતી, બપોરે ૧૨ વાગ્યે મહાઆરતી સાથે ભાંગની પ્રસાદીનું વિતરણ, સાંજે મહિલા સત્સંગ મંડળના ધુન ભજન, રાત્રે ૧૨ વાગ્યે દીપમાળા મહાઆરતી થશે. તેમ મંદિરના સહ વ્યવસ્થાપક સુનિતાબેન વ્યાસની યાદીમાં જણાવાયુ છે.

હાટકેશ્વર મંદિરે ઉજવણી બંધ

ગુરૂવારે મહાશિવરાત્રી નિમિતે શહેરના બેડીનાકા ખાતે આવેલ શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિરે પાઠાત્મક લઘુરૂદ્ર તથા મહાઆરતીના કાર્યક્રમો કોવિડ-૧૯ મહામારીના કારણે મોકુફ રાખેલ છે. મંદિર દર્શનાર્થે રાબેતા મુજબ ખુલ્લુ રહેશે. તેમ હાટકેશ્વર સંસ્થાની યાદીમાં જણાવાયુ છે.

(3:05 pm IST)