રાજકોટ
News of Tuesday, 9th March 2021

કોમ્પ્યુટર શીખવા જતી સગીરા ઉપર વારંવાર બળાત્કાર ગુજારવા અંગે પકડાયેલ આરોપીની જામીન અરજી નામંજુર

કોચીંગ કલાસના શિક્ષકે ચાર્જશીટ બાદ કરેલ જામીન અરજીને પણ કોર્ટે ફગાવી દીધી

રાજકોટ તા. ૯: કોમ્પ્યુટર કોચીંગ કલાસમાં કોચીંગ શીખવવાના બહાને સગીરા ઉપર બળાત્કાર તથા સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કરવાના ગુનામાં પકડાયેલ આરોપી શિક્ષકની ચાર્જશીટ બાદની જામીન અરજીને અદાલતે રદ કરી હતી.

આ બનાવની વિગત એવી છે કે, આ કામના ભોગ બનનાર/ફરીયાદી આરોપી શિક્ષકના એમ.સી.ડબલ્યુ. નામના કોમ્પ્યુટર કોચીંગ કલાસમાં કોમ્પ્યુટર શીખવા જતી હતી ત્યારે આ કામનાં આરોપી ભાર્ગવ દવે (ઉ.વ.આ. ર૮) રહે. રાજકોટ વાળાએ તેણી સાથે બળજબરીથી ઇચ્છા વિરૂધ્ધ અવાર-નવાર શારીરીક સંબંધ બાંધતો હતો તેટલું નહીં તેણી સાથે અવાર-નવાર સૃષ્ટિ વિરૂધ્ધ કૃત્ય પણ કરતો હતો.

બનાવની ફરીયાદ તા. ર૦/૧૧/ર૦ર૦ના રોજ આ કામના ભોગ બનનારે રાજકોટ મહિલા પો.સ્ટે.માં નોંધાવેલી અને તપાસના અંતે આરોપી વિરૂધ્ધ ચાર્જશીટ ફાઇલ કરવામાં આવેલું. આ કેસમાં આ કામના આરોપીએ નામ. સ્પે. પોકસો કોર્ટમાં જામીન ઉપર છુટવા અરજી કરેલી જેમાં સરકારપક્ષે એ.પી.પી. શ્રી પરાગ એન. શાહ હાજર થયેલા અને તેઓએ પોલીસ પેપર્સ તથા અભિપ્રાય રજુ કરેલો અને એવી દલીલો કરેલી કે, ભોગ બનનાર સગીર છે તેને પોતાનું સારૂ-નરસું શું છે તેને ખ્યાલ ન હોય. વિશેષમાં જો સગીરની કોઇપણ જાતની મરજી પણ હોય તો તે પણ કાયદાની દ્રષ્ટિ એ મંજુરી ગણાય નહીં. આ કામમાં ભોગ બનનાર સગીર છે તેની જાણ આરોપીને જાણ હોવા છતાં તેને તેણી સાથે તેની ઇચ્છા વિરૂધ્ધ અવાર-નવાર શારીરીક સંબંધ બાંધેલો તેટલું નહીં તેણી સાથે અવાર-નવાર સૃષ્ટિ વિરૂધ્ધ કૃત્ય પણ કરેલું હતું અને તેણીને આરોપીએ ધમકી આપેલી કે, આ વાતની જાણ કોઇને કરતી નહીં, નહીં તો તારા ભાઇ અને પિતાને હું મારી નાખીશ. વિશેષમાં, ભોગ બનનાર એ તેની મેડીકલ હીસ્ટ્રીમાં પણ ડોકટર સમક્ષ વિગતવારની હીસ્ટ્રી આપેલ હતી જેમાં પણ આરોપીનું નામનો ઉલ્લેખ હતો અને આ કામના આરોપી વિરૂધ્ધ પુરતા પુરાવાઓ હોય જેથી તેની સામે ચાર્જશીટ ફાઇલ થયેલ છે. આ રીતની વિગતવારની દલીલો કરેલી હતી. આમ, આ કામમાં સરકારપક્ષની દલીલો, પોલીસ પેપર્સ, અભિપ્રાય તથા મેડીકલ પેપર્સ અને ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ આરોપી શિક્ષક ભાર્ગવ દવેની ચાર્જશીટ બાદની જામીન અરજી પોકસો કોર્ટએ રદ કરેલ હતી. આ કામમાં સરકાર પક્ષે એ.પી.પી. શ્રી પરાગ એન. શાહ રોકાયેલ હતા.

(3:03 pm IST)