રાજકોટ
News of Tuesday, 9th March 2021

રૂડા-૧ના ઇન્દ્રજીતસિંહ રાણાએ મોટા મવાના ખંઢેર મકાનમાં દારૂ ઉતાર્યોઃ ૮૨ હજારની બોટલો કબ્જે

મહારાષ્ટ્ર પાસીંગની ગાડીનો ચાલક જથ્થો આપી ગયો'તોઃ ડીસીબીના બલભદ્રસિંહ જે. જાડેજા, ચેતનસિંહ ગોહિલ અને મહિપાલસિંહ ઝાલાની બાતમી પરથી દરોડો

રાજકોટ તા. ૯: કાલાવડ રોડ પર રૂડા-૧ની અંદર ગાર્ડન સામે હરદેવસિંહ ચુડાસમાના મકાનમાં ભાડેથી રહેતાં અને છુટક કામ કરતાં ઇન્દ્રજીતસિંહ જટુભા રાણા (ઉ.વ.૨૬)એ મોટા મવા સ્મશાન નજીક મંદિર પાસે આવેલા અને વર્ષોથી બંધ પડેલા ખંઢેર જેવા મકાનમાં વિદેશી સ્કોચ-દારૂની બોટલોનો જથ્થો ઉતાર્યો હોવાની બાતમી પરથી દરોડો પાડી ક્રાઇમ બ્રાંચે રૂ. ૮૨૫૦૦ની ૫૯ બોટલો સાથે તેને પકડી લીધો હતો.

આ શખ્સના કબ્જામાંથી હન્ડ્રેડ પાઇપર્સની ૭, બ્લેક એન્ડ વ્હાઇટની ૧૧, ટીચર્સ બ્રાન્ડ વ્હીસ્કીની ૧૧, વેટ ૬૯ની ૧૦, બ્લેક ડોગ રિઝર્વની ૨૦ મળી કુલ ૫૯ બોટલો કબ્જે લીધી હતી. એએસઆઇ બલભદ્રસિંહ જે. જાડેજા, હેડકોન્સ. મહિપાલસિંહ ડી. ઝાલા અને ચેતનસિંહ આર. ગોહિલની બાતમી પરથી પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયા અને પીઆઇ વી. કે. ગઢવીની સુચના અને માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી થઇ હતી.

ઇન્દ્રજીતસિંહે કબુલ્યું હતું કે મહારાષ્ટ્ર પાસીંગની ગાડી લઇને આવેલો શખ્સ લીમડા ચોકમાં જથ્થો આપી ગયો હતો. આ જથ્થો તેણે રેઢા ખંઢેર જેવા વર્ષોથી બંધ પડેલા મકાનમાં ઉતાર્યો હતો. એએસઆઇ બી. જે. જાડેજા વધુ તપાસ કરે છે.

(1:01 pm IST)