રાજકોટ
News of Friday, 9th March 2018

વ્યાજના પૈસા પડાવ્યાની ફરિયાદ રદઃ કવોસીંગ પીટીશન મંજુર

રાજકોટ તા.૯: શહેરના હરી ધવા માર્ગ પર ગાયત્રીનગરના શખ્સે મકાનનો સોદો કર્યા બાદ દસ્તાવેજના મુદે કોર્ટમાં સિવિલ દાવો ચાલુ હોવા છતાં વ્યાજના ધંધાર્થીએ બળજબરીથી સાટાખત કરાવી વ્યાજ, બળજબરીથી પૈસા પડાવ્યાની અને ખંડણી માગ્યાની ભકિતનગર પોલીસમાં નોંધાવેલી ફરિયાદ અંગે હાઇકોર્ટમાં દાખલ થયેલી કવોશીંગ પીટીશન રાજયની વડી અદાલતે મંજુર કરી ફરિયાદ ખોટી હોવાનું ઠરાવતો મહત્વનો ચુકાદો આપ્યો છે.

આ અંગેની સુત્રોમાંથી પ્રાપ્ત વિગત મુજબ હરી ધવા માર્ગ પર ગાયત્રીનગરમાં રહેતા વસંત ટાક પાસેથી જયદીપભાઇ વિજયભાઇ દેવડાએ મકાન ખરીદ કર્યુ હતુ તે પેટે રૂ.૧ લાખ ચુકવી રજીસ્ટ્રર સાટાખત કરાવ્યું હતું.

 સાટાખત થયા બાદ વસંત ટાંક દસ્તાવેજ કરી આપતો ન હોવાથી જયદીપભાઇ દેવડાએ કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો તેમ છતાં ગત તા.૨ ઓગસ્ટના રોડ વસંત ટાંકે મકાનનો દસ્તાવેજ ગીરવે મુકી જયદીપભાઇ દેવડા પાસેથી એક લાખ માસિક ૧૦ ટકાના દરે વ્યાજે લીધા હોવાનું અને વ્યાજની પઠાણી ઉઘરાણી કરી ખિસ્સામાંથી રૂ.૧૦ હજાર બળજબરીથી કાઢી લીધાની તેમજ ખંડણી માગ્યા અંગેની ભકિતનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી જયદીપભાઇ દેવડાએ ખરેખર મકાન પેટે એક લાખ દીધા હતા અને વ્યાજની કોઇ રકમ ન હોવાનું તેમજ પુરાવા તરીકે દસ્તાવેજના મુદે કોર્ટમાં ચાલતા દાવાની વિગતો હાઇકોર્ટમાં રજુ કરી કવોશીંગ પીટીશન દાખલ કરી હતી.

હાઇકોર્ટના એસ.એચ.વોરા સમક્ષ સુનાવણી પુરી થતા ખુદ ફરિયાદી વસંત ટાકે પણ કોર્ટમાં દાવો ચાલતો હોવાની વિગતોની સ્વીકારી હતી. અદાલતે જયદીપભાઇ દેવડાની કવોશીંગ પીટીશન મંજુર કરી ભકિતનગર પોલીસમાં દાખલ થયેલી ફરિયાદ ખોટી હોવાનો મહત્વનો ચુકાદો આપ્યો હતો.

જયદીપભાઇ દેવડા વતી એડવોકેટ તરીકે મનિષભાઇ સી.પાટડીયા, વિમલ એચ.ભટ્ટ, રથીન પી.રાવલ રોકાયા હતા.

(4:22 pm IST)