રાજકોટ
News of Friday, 9th March 2018

ફી માટે સોમનાથ સ્કૂલના સંચાલકો છેલ્લી પાટલીએઃ છાત્રાની હાલત કથળી

હુડકો ચોકડીએ આવેલી શાળામાં ભણતી ધો-૧૦ની છાત્રા ધારા ફી ન ભરી શકતાં એક મહિનાથી શાળાએ આવવા દેવાતી નહોતીઃ હોલ ટિકીટ પણ અપાઇ નહોતીઃ આજે તબિયત બગડતાં ઘરમાં પડી જતાં ૧૦૮ ઘરે આવી ત્યારે છેક પરિક્ષાની રિસીપ્ટ અપાઇ!: આર્થિક રીતે ખુબ નબળા બાળાના વાલીઓએ વર્ષની ૨૦ હજાર ફી પોતે ૫-૫ હજારના હપ્તેથી ભરશે તેવી રજૂઆત કરી એક હપ્તો ભરી દીધો હતોઃ બાકીની ફી એક સાથે ભરવા માટે સતત ટોર્ચરીંગ થતું હોઇ હમેંશા પહેલો નંબર લાવતી ધારા પોતે પરિક્ષા નહિ આપી શકે તે બાબતે ખુબ જ ટેન્શનમાં હતીઃ મામલો પોલીસ સુધી પહોંચ્યો

ફી ન ભરી શકવાને કારણે શાળા સંચાલક તરફથી થયેલી હેરાનગતિને કારણે માનસિક આઘાતમાં ગરક થઇ જતાં પડી ગયેલી ધારાને સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી (પ્રથમ તસ્વીર). બાજુમાં વિગતો જણાવતાં તેના માતા અને ભાઇ જોઇ શકાય છે

રાજકોટ તા. ૯: શાળા સંચાલકો અને વાલીઓ વચ્ચે ફી મામલે ચાલતી માથાકુટ વચ્ચે એક શાળાની ધોરણ-૧૦ની ખુબ જ હોશીયાર એવી છાત્રા ફી ન ભરી શકવાને કારણે શાળા સંચાલકો દ્વારા થયેલી હેરાનગતિને લીધે માનસિક રીતે હતાશ થઇ ગઇ છે. આજ સુધી તેને પરિક્ષાની રિસીપ્ટ પણ મળી ન હોઇ પોતે પરિક્ષા આપી શકશે કે નહિ તેની ચિંતામાં તે આખી રાત રડતી રહી હતી. આજે ટેન્શનને કારણે ઘરમાં દાદરેથી પડી જતાં સિવિલ હોસ્પિટલમાં અને ત્યાંથી ખાનગી હોસ્પિટલમાં ખસેડાતાં પોલીસે નિવેદન નોંધવા કાર્યવાહી કરી હતી. એક સાથે વીસ હજાર ફી ન ભરી શકનાર આ છાત્રાના વાલીઓએ હપ્તેથી ફી ભરપાઇ કરવાની વિનંતી કરી હતી અને ૫ હજાર ભરી દીધા હતાં. બાકીની ફી એક સાથે માંગી આ છાત્રાને એકાદ મહિનાથી શાળામાં પણ આવવા દેવાતી ન હોવાનો આક્ષેપ થતાં ચકચાર મચી ગઇ છે.

કોઠારીયા રોડ હુડકો કવાર્ટર બી-૩૭૫માં રહેતી ધારા નિતીનભાઇ જોલાપરા (મિસ્ત્રી) (ઉ.૧૬) માનસિક આઘાત લાગવાથી ઘરમાં પડી જતાં માથા-પડખામાં મુંઢ ઇજા થયાની ફરિયાદ સાથે સિવિલ હોસ્પિટલમાં આવતાં તબિબે તેને દાખલ કરી પોલીસ કેસ જાહેર કરતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે એન્ટ્રી નોંધી ભકિતનગર પોલીસને જાણ કરી હતી.

બાળાને કઇ બાબતનો માનસિક આઘાત લાગ્યો? તે અંગેની તપાસ થતાં ફી માટે છેલ્લી પાટલીએ પહોંચી ગયેલી શાળાની વિગતો આ બાળા અને તેના વાલીઓએ વર્ણવી હતી. ધારાના માતા ચેતનાબેન અને માસી અલ્કાબેને જણાવ્યું હતું કે ધારા એક ભાઇથી નાની છે. પિતા છૂટક મિસ્ત્રી કામ કરે છે. સાતેક વર્ષથી ધારા સોમનાથ સ્કૂલમાં જ ભણે છે. આ વખતે તે ધોરણ-૧૦માં અભ્યાસ કરે છે અને ખુબ જ હોશીયાર છે તેમજ પહેલો નંબર લાવે છે.  આ સ્કૂલમાં ધોરણ-૧૦ની ફી રૂ. ૨૦ હજાર વાર્ષિક છે. પણ અમારી આર્થિક હાલત સારી ન હોઇ જેથી અમે પ્રિન્સીપાલ અમિતભાઇ ભંડેરીને મળીને અમને ફીમાં હપ્તો કરી દેવાની રજૂઆત કરતાં ૫-૫ હજારના હપ્તા કરી દેવાયા હતાં. જે પૈકી પ હજાર અમે ફરી દીધા હતાં.

બાકીની ફી એક સાથે ભરવા માટે દબાણ થવા માંડ્યું હતું અને અવાર-નવાર ધારા પાસે ફી માંગી તેને માનસિક રીતે હેરાન કરવામાં આવતી હતી. ફી ભરી શકાઇ ન હોઇ તેને પ્રિલીમનરી પરિક્ષાના બે પેપર પણ આપવા દેવાયા નહોતાં. એકાદ મહિનાથી તો તેને સ્કૂલમાં આવવા દેવાનું પણ બંધ કરી દેવાયું હતું. અમે તેને દાગીના વેંચીને પણ ફી ભરી દઇશું એવી આજીજી કરી હતી. પણ અમારી વિનંતી ન માનવામાં આવતાં અમે જીલ્લા શિક્ષણાધિકારીને લેખિત રજૂઆત પણ કરી હતી. આ કારણે પ્રિન્સીપાલ વધુ ગુસ્સે ભરાયા હતાં અને અમારી દિકરી ધારાની ધોરણ-૧૦ની રિસિપ્ટ પણ અટકાવી રાખી હતી.

ભણવામાં ખુબ હોશીયાર ધારા આ કારણે સતત ચિંતામાં ગરક થઇ ગઇ હતી. પોતે પરિક્ષા આપી શકશે નહિ એ વાતે તે રડતી રહેતી હતી. ગત રાતે પણ ખુબ રડી હતી આ કારણે નબળાઇ આવી જતાં અને માનસિક આઘાત લાગતાં આજે તે ઘરમાં જ દાદરા પરથી પડી ગઇ હતી અને સારવાર માટે દાખલ કરવી પડી હતી. ચેતનાબેન અને અલ્કાબેને કહ્યું હતું કે આજે ધારા બેભાન થઇ જતાં અમે ૧૦૮ ઘરે બોલાવી ત્યારે નજીકમાં જ સ્કૂલ હોઇ ત્યાં ખબર પડતાં તાબડતોબ કર્મચારી આવીને પરિક્ષાની રિસીપ્ટ ઘરે આપી ગયા હતાં. અમારી દિકરીની આવી હાલત થઇ ત્યારે છેક હોલ ટિકીટ અપાઇ હતી. આ મામલે અમે ભકિતનગર પોલીસમાં નિવેદન લખાવ્યું છે.

ચેતનાબેને અગાઉ જીલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત કરી હતી તેમાં પણ જણાવ્યું હતું કે અમે અમિતભાઇ ભંડેરીને ફીનો હપ્તો કરી દેવા વિનંતી કરતાં અને એક હપ્તો પ હજારનો ભરતાં થોડીવાર મારી દિકરીને બેસવા દીધી હતી. બાદમાં પુરી ફી ભરવાનું કહી કાઢી મુકી હતી. અમે ધારાસભ્ય કુંવરજીભાઇ બાવળીયાને પણ આ અંગે રજૂઆત કરતાં તેમણે પણ શાળાની ઓફિસમાં વાત કરતાં  અઠવાડીયુ બેસવા દીધી હતી. એ પછી ફરીથી અમારી દિકરીને કાઢી મુકી હતી.  કોર્ટમાં જવું હોય તો પણ જજો, એમ કહી અમારી દિકરીને કાઢી મુકાઇ હતી. મારો દિકરો ભરત આ સ્કૂલમાંથી નીકળી ગયો છતાં તેનું લિવિંગ સર્ટિ પણ અપાયું નથી. તેમ પણ ચેતનાબેને જીલ્લા શિક્ષણાધિકારીને કરેલી અરજીમાં જણાવ્યું હતું.

ફી માટે બાળાની હાલત કફોડી કરી નાંખવામાં આવ્યાના કિસ્સાએ ભારે ચર્ચા જગાવી છે. (૧૪.૧૭)

(4:20 pm IST)