રાજકોટ
News of Friday, 9th March 2018

અમદાવાદમાં રોકડા અને મોબાઇલની લૂંટનો ગુનો આચરનારા રાજકોટના કેટરર્સ સંચાલક હાર્દિક પટેલ સહિત ત્રણ પકડાયા

બી-ડિવીઝનના વિરમભાઇ ધગલ, મહેશ મંઢ અને નિશાંત પરમારની બાતમી પરથી હાર્દિક લીંબાસીયા, તેના મિત્ર દિક્ષીત નશીત અને કેટરર્સ કર્મચારી વિમલ સાગઠીયાની જુના માર્કેટ યાર્ડ પાસેથી ધરપકડઃ દરજી કામ કરતાં યુવાન સાથે ડ્રેસના પૈસાની લેતીદેતીનો ડખ્ખો હોઇ ત્રણેય અમદાવાદથી પૈસા-મોબાઇલ લૂંટી ભાગી આવ્યા'તા

પી.એસ.આઇ. પટેલ, એએસઆઇ મહેશગીરી તથા ટીમ અને પકડાયેલા ત્રણેય શખ્સો તથા કબ્જે થયેલી સ્કોર્પિયો જોઇ શકાય છે

 

રાજકોટ તા. ૯: અમદાવાદમાં ત્રણેક દિવસ પહેલા દરજી કામ કરતાં યુવાન સાથે પૈસાની લેતીદેતી મામલે માથાકુટ થતાં રાજકોટનો કેટરર્સ સંચાલક પટેલ શખ્સ, તેનો મિત્ર અને કર્મચારી માથાકુટ કરી રોકડા ૪૦ હજાર અને મોબાઇલ ફોનની લૂંટ કરી રાજકોટ ભાગી આવ્યા હતાં. આ ગુનામાં બી-ડિવીઝન પોલીસે ત્રણેયને સ્કોર્પિયો સાથે પકડી લઇ અમદાવાદ પોલીસને સોંપવા તજવીજ કરી હતી.

 

રાત્રીના પોલીસ કમિશ્નર અનુપસિંહ ગહલોૈત અને જેસીપી ડી.એસ. ભટ્ટ, એસીપી બી. બી. રાઠોડ અને પી.આઇ. આર. એસ. ઠાકરની રાહબરી હેઠળ બી-ડિવીઝનના પી.એસ.આઇ. આર. એસ. પટેલ, એએસઆઇ મહેશગીરી ગોસ્વામી, હેડકોન્સ. વિરમભાઇ ધગલ, કોન્સ. નિશાંતભાઇ પરમાર, અજીતભાઇ લોખીલ, મહેશભાઇ મંઢ, મહેશભાઇ ચાવડા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે વિરમભાઇ, મહેશ મંઢ અને નિશાંતભાઇને બાતમી મળી હતી કે અમદાવાદના અસલાલી પોલીસ મથકમાં જેના વિરૂધ્ધ લૂંટનો ગુનો નોંધાયો છે એ શખ્સો રાત્રીના સ્કોર્પિયો નં. જીજે૩જેસી-૭૯૯૯માં ગ્રીનલેન્ડ ચોકડીએથી નીકળ્યા છે.

આ માહિતી પરથી વોચ રાખી સ્કોર્પિયો અટકાવી તપાસ કરતાં તેમાંથી હાર્દિક ઉર્ફ એચ. કે. કરમશીભાઇ લીંબાસીયા (પટેલ) (ઉ.૨૬-રહે. સંત કબીર રોડ રાજારામ સોસાયટી-૧), દિક્ષીત જીવરાજભાઇ નશીત (પટેલ) (ઉ.૨૨-રહે. સ્વાતિ પાર્ક-૩-એ) તથા વિમલ વેજાભાઇ સાગઠીયા (વણકર) (ઉ.૨૩-રહે. આદિત્યાણા તા. રાણાવાવ) મળ્યા હતાં. પુછતાછમાં હાર્દિક પટેલે કહ્યું હતું કે પોતે કેટરર્સનું કામ કરે છે અને તેણે અમદાવાદના મહેશ રાણા પાસે કેટરર્સ કર્મચારીઓ માટેના ડ્રેસ સીવડાવવા નાંખ્યા હતાં. તેણે સમય મર્યાદામાં ડ્રેસ સીવી આપ્યા નહોતા અને રૂ. પાંચ હજાર પણ પાછા આપ્યા નહોતાં. આ કારણે તેની સાથે માથાકુટ થઇ હતી પોતે તથા મિત્ર દિક્ષીત અને કર્મચારી વિમલ અમદાવાદ મહેશ પાસે પૈસાની ઉઘરાણી કરવા જતાં તેણે હાલ પૈસા નથી, મારો મોબાઇલ ફોન લઇ જાવ તેમ કહેતાં અમે તેનો મોબાઇલ લઇને આવી ગયા હતાં. પાછળથી તેણે લૂંટની ફરિયાદ કરી હતી.

બી-ડિવીઝન પોલીસે અસલાલી પોલીસમાં ગુ.ર.નં. ૨૩/૧૮ આઇપીસી ૩૯૪, ૧૧૪ મુજબ ગુનો નોંધાયો હોઇ ત્રણેયને ત્યાં સોંપવા તજવીજ કરી હતી.  ત્રણેય પાસેથી સ્કોર્પિયો કાર, મોબાઇલ ફોન, આધાર કાર્ડ, નોકીયા ફોન મળી રૂ. ૮,૦૬,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

(3:58 pm IST)