રાજકોટ
News of Friday, 9th March 2018

આસ્થા ગ્રીનસીટીમાં ડિપ્લોમાના વિદ્યાર્થી પાર્થ સોલંકીનો ગળાફાંસો ખાઇ આપઘાત

ખાંટ યુવાન પોલી ટેકનિકમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતો'તોઃ માતા સવારે ઉઠાડવા જતાં પુત્ર લટકતો જોવા મળ્યો : અભ્યાસ કરવા સાથે પાર્ટ ટાઇમ નોકરી પણ કરતો હતોઃ મોડા ઉઠવા પ્રશ્ને ઠપકો મળતાં પગલુ ભર્યાની ચર્ચા

રાજકોટ તા. ૯: ગોંડલ રોડ પર કિસાન પેટ્રોલ પંપ સામે આસ્થા ગ્રીન સીટીમાં રહેતાં  ડિપ્લોમા એન્જિનીયરીંગના છાત્ર એવા ખાંટ પરિવારના યુવાન પુત્રએ ગળાફાંસો ખાઇ જિંદગીનો અંત આણી લેતાં અરેરાટી ફેલાઇ ગઇ છે. સવારે મોડે સુધી રૂમમાંથી પુત્ર બહાર ન આવતાં માતા ઉઠાડવા જતાં તે લટકતો જોવા મળ્યો હતો.

બનાવની જાણવા મળેલી માહિતી મુજબ આસ્થા ગ્રીનસીટી બ્લોક નં. બી-૨૧૬માં રહેતાં પાર્થ કરસનભાઇ સોલંકી (ઉ.૧૮) નામના ખાંટ યુવાને પંખાના હુકમાં દોરી બાંધી ગળાફાંસો ખાઇ લેતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ તબિબે નિષ્પ્રાણ દેહ જ પહોંચ્યાનું જાહેર કર્યુ હતું. હોસ્પિટલ ચોકીના એએસઆઇ સલિમભાઇ ફુલાણીએ કાગળો કરી શાપર પોલીસને જાણ કરી હતી.

આપઘાત કરનાર પાર્થ બે ભાઇમાં મોટો હતો. તેના નાના ભાઇનું નામ દિપેન છે. પાર્થ આજીડેમ ચોકડી પાસે પોલિટેકનીક કોલેજમાં ડિપ્લોમાના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. સાથો સાથ ગોંડલ રોડ ચોકડીએ પરફેકટ ઓટોમાં પાર્ટ ટાઇમ નોકરી પણ કરતો હતો. તેના પિતા કરસનભાઇ કારખાનામાં મજૂરી કરે છે. નાનો ભાઇ દિપપેન ધોરણ-૧૨માં ભણે છે. પાર્થ દરરોજ સવારે સવા આઠ આસપાસ ઉઠી જતો હતો. આજે તે મોડે સુધી ન ઉઠતાં માતા ઇલાબેન ઉપરના રૂમમાં તેને ઉઠાડવા ગયા ત્યારે તે લટકતો જોવા મળતાં કલ્પાંત કરી મુકયો હતો. હોસ્પિટલમાં ખસેડ્યો હતો પણ ત્યાં સુધીમાં મોડુ થઇ ગયું હતું.

પ્રાથમિક ચર્ચા મુજબ મોડા ઉઠવા બાબતે કોઇએ ઠપકો આપતાં માઠુ લાગી જવાથી આ પગલુ ભર્યુ હતું. જો કે શાપર પોલીસે કારણ જાણવા વિશેષ તપાસ હાથ ધરી છે.

(12:57 pm IST)