રાજકોટ
News of Friday, 9th March 2018

ગોવિંદભાઇ તરફી અને વિરોધી જુથ સામસામે આવી જતા રાજકોટ ડેરીની ચૂંટણી મોકૂફ

બહુમતી સભ્યો સરકી જતા સત્તાધારી જુથે સરકારનો 'સહકાર' લીધો

રાજકોટ, તા. ૯ : જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ (ડેરી) ના ચેરમેનની ચૂંટણી આજે ૪ વાગ્યે યોજાનાર હતી પરંતુ સરકારની સૂચનાથી મોકૂક રાખવામાં આવ્યાનું જાણવા મળે છે. ચૂંટણી અધિકારી ચૂંટણી મોકૂફ રાખવાનું સત્તાવાર કારણ ગમે તે દર્શાવે પરંતુ વાસ્તવિક કારણ આંતરિખ ડખ્ખા હોવાનું સામે આવી રહ્યું છે. વર્તમાન ચેરમેન ગોવિંદભાઇ રાણપરિયાની ખુરશી હલબલી જતા તેમના જુથે રાજકીય વગનો ઉપયોગ કરી ચૂંટણી મોકૂફ રખાવ્યાનું સહકારી ક્ષેત્રે ચર્ચાઇ રહ્યું છે. હવે સંજોગો 'સાનુકુળ' થયા બાદ ચેરમેનની ચૂંટણીની નવી તારીખ જાહેર થશે. ડેરીમાં ભાજપ અને કોંગ્રેસ સામસામે છે તેવી પ્રાથમિક છાપ પડે છે પરંતુ ડેરીમાં વિવાદ કરાવામાં ભાજપનાં જ અમુક લોકોનો હાથ હોવાનું કહેવાય છે. ચેરમેનની સામે પડેલા જુથે ચૂંટણી થાય તો પોલીસ રક્ષણ હેઠળ મતદાન મથક હેઠળ આવી મતદાન પ્રક્રિયામાં ભાગ લેવાની હિલચાલ કરી હતી.

ડેરીમાં કુલ ૧પ સભ્યો ચૂંટાયેલા છે. જેમાંથી પાંચ-છ થી વધુ  સભ્યો બે દિવસથી ગોવિંદભાઇથી નારાજ થઇને અજ્ઞાતવાસમાં જતા રહેલ. હાલના 'વહીવટ' સામે કેટલાક સભ્યોની સ્પષ્ટ નારાજગી છે. આજે ચૂંટણી થાય તો ગોવિંદભાઇ બિનહરીફ ચેરમેન ન થઇ શકે અથવા ખુરશી ખતરામાં આવી જાય તેવા સંજોગો નિર્માણ થતા સત્તાધારી જુથની લાગણી અને માંગણી મુજબ સરકારે ચૂંટણી મોકૂફ રખાવી છે.

રાજયના કેબીનેટ મંત્રી જયેશ રાદડિયા બેન્કના પ્રતિનિધિની રૂએ ડેરીના સંચાલકે મંડળના સભ્ય છે સમગ્ર મામલો તેમના સુધી પહોંચ્યો હતો. સહકારી ક્ષેત્રમાં સૌને સાથે રાખી શકનાર વિઠ્ઠલભાઇ રાદડિયા હાલ સ્વસ્થ ન હોવાથી ડેરીનું તંત્ર સહકારી દ્રષ્ટિએ 'રેઢુ' થઇ ગયું છે તેની અસર ચૂંટણીમાં દેખાઇ આવી છે. ભાજપના પ્રભાવવાળી સંસ્થામાં ચૂંટણી છેલ્લી ઘડીએ બંધ રાખવી પડે તે બાબત ઘણુ કહી જાય છે.

(12:57 pm IST)