રાજકોટ
News of Thursday, 8th March 2018

સ્ત્રી એટલે પરિપૂર્ણતા અને સંપૂર્ણતા, સ્ત્રી એટલે સરળતા તો ખરી જ પણ સાથે સચોટતા ય છેઃ નયનાબેન પેઢડીયા

મહિલાઓને શુભેચ્છા પાઠવતા અંજલીબેન, બીનાબેન, રક્ષાબેન

રાજકોટ,તા.૮: શહેર ભાજપ મહીલા મોરચાના અગ્રણી અંજલીબેન રૂપાણી, બીનાબેન આર્ચાય, પૂર્વ મેયર રક્ષાબેન બોળીયા, શહેર ભાજપ મહીલા મોરચાના પ્રમુખ નયનાબેન પેઢડીયાએ આજે મહિલા દિને શહેરની નારીઓને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે સ્ત્રી એટલે પરિપૂર્ણતા અને સંપૂર્ણતા, સ્ત્રી એટલે સરળતા તો ખરી જ પણ સાથે સચોટતા ય છે. લાગણીઓનો સભર અને સાવ સરળ માનવદેવ એટલે સ્ત્રી. મમતા, મકકમતાનો સમન્વય એટલે સ્ત્રી. જેને સ્થિતીની સંપુર્ણ સમજદારી હોય અને અડધી જવાબદારી પોતાના ખભ્ભે ઉપાડે. એટલે જ કદાચ અર્ધાંગીની પણ કહી શકાય કે જે દુધમાં ખાંડની જેમ ભળે, પોતાનું અસ્તિત્વ ગુમાવે અને ખાંડની જેમ સંપુર્ણતા મિઠાશ ફેલાવે તે સ્ત્રી. આજનો દિવસ વિશ્વની અડધી જનસંખ્યા એટલે કે નારીના ઉત્કર્ષ માટે લોકજાગૃતિ લાવવાનો છે.

સામાજિક ઉત્થાનમાં મહિલાઓની ભુમિકાની અગત્યતાને ધ્યાનમાં લઈને તેમનામાં શિક્ષણનો વ્યાપ વધે, તેઓ કુરિવાજો અને રૂઢિઓમાંથી બહાર આવે તે માટેનું આયોજન કરવામાં આવે છે. આજના સમયમાં વિજ્ઞાન, ટેકનોલોજી સહીત વિવિધ ક્ષેત્રોમાં મહીલાઓ પોતાનું ઉત્કુષ્ઠ યોગદાન આપી રહી છે ત્યારે વર્તમાન સમયમાં અવકાશ સંશોધન અને રમતગમત જેવા ક્ષેત્રોમાં પણ મહિલાઓએ પોતાની ક્ષમતા પુરવાર કરી રહી છે. આજે મહીલાઓ પુરૂષ સાથે ખભેખભો મીલાવીને આગળ વધે રહી છે. સ્ત્રીઓ શકિતનું સ્વરૂપ છે.

સ્ત્રીઓ સમગ્ર જીવન દરમ્યાન પોતાના પરીવાર માટે ખુબ સંઘર્ષ કરે છે. અંજલીબેન રૂપાણી, બીનાબેન આચાર્ય, રક્ષાબેન બોળીયા, નયનાબેન પેઢડીયાએ અંતમાં નારીઓને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી ભાજપ સરકાર તેમજ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વવાળી રાજયની ભાજપ સરકાર દ્વારા કન્યા કેળવણી અભિયાન, બેટી બચાવો અભિયાન, સ્ત્રી ભૃણહત્યા નિવારણ, વિધવા સહાય અને તાલીમ યોજના, કુંવરબાઈનું મામેરૂ યોજના, સખી મંડળ યોજના, સરસ્વતી સાધના યોજના, બાલિકા સમૃધ્ધિ યોજના જેવા પ્રયાસો હાથ ધરી નારીઓના ઉત્થાનમાં યોગદાન કરી રહેલ છે તે અભિનંદનને પાત્ર છે.

(5:09 pm IST)