રાજકોટ
News of Thursday, 8th March 2018

અબળા નારી બોલે છે, હું અબળા છું એટલે જ એક નહિં પરંતુ બે - બે ઘરને સાચવું છું

હા હું અબળા છું. આથી જ નાદાનીમાં વિતેલુ બચપણ છોડી કોઈની શોભા બનું છું આથી જ દુનિયાએ સતી થતા જોયા છે. કયારેય જોયુ કોઈ તાકાતવર સતો થયો? આથી જ મારા સંબંધો અને ફર્જ નિભાવતા નિભાવતા પણ દેશ-દુનિયામાં મોખરે છે. આથી જ મારો વીરો જવલત હોમે અને મા-બાપ કન્યાદાન કરે ત્યારે પણ એની સામે રડ્યા વગર કોઈકના ઘરની ચુંદડી ઓઢુ છું હસતા હસતા. આથી જ ઘરની લાજ માટે સહી જાવ છું.

કોઈ તો પૂછો મારૂ વજુદ? જીવનના દરેક રોમાંચ પર દરેક પાત્રમાં મારૂ વજુદ અને અભિનય ફરી જાય છે. મા-બાપની દિકરી, ભાઈની બહેન મિત્રની મિત્ર, પતિની પત્નિ ભાભીની નણંદ, સાસુ - સસરાની પુત્રવધુ.

હા, હું અબળા છું. આથી જ મહેંદી અને પીઠીવાળા હાથ કદાચ છેલ્લી વાર ઘરની દિવાલ પર ફરતા મા - બાપ અને ભાઈને કહે છે મારી ચિંતા ન કરતા તમારૂ ધ્યાન રાખજો. આથી જ વર્કીંગ વુમન, ઘરકામ કરતા કરતા બાળક અને સાસુ - સસરાની કાળજી લઈ પતિનો સહારો બને છે. આથી જ શિવ સાથે શકિત અને શ્યામ આગળ રાધા લખાય છે. તેમજ દરેક મહાપુરૂષ પોતાની પાછળ સ્ત્રીના હાથ વર્ણવે છે. આથી જ સેનામાં ફાઈટર પ્લેનની પાયલોટથી લઈ દરેક જગ્યા પર નારીનું શકિત - સાહસ ગુંજે છે અને આથી જ દુનિયામાં કિરણ બેદી જેવી સ્ત્રી છે જેણે જેલને પણ આશ્રમમાં પરિવર્તીત કર્યુ છે.આથી જ તો ગવાય છે, બુંદેલો કે હરબોલો મુંહ હમને  સુની કહાની થી ખુબ લડી મર્દાની વહ તો ઝાંસીવાલી રાની થી.

આથી જ નારીના સંસ્કાર પર સમાજ ટકયો છે, એ ધારે તો ડુબાડે અને ધારે તો ઉગારે અને આથી જ મધર ટેરેસા, ચંદા કોચર, સરોજીની નાયડુ, કલ્પના ચાવલા, સુનિતા વિલિયમ્સ, મેડમ કયુરી, મીથાલી રાજ, પી.વી. સિંધુ, માનુષી છીલ્લર, મેરી કોમ, ઈન્દીરા ગાંધી, લતા મંગેશકર, સુષ્મા સ્વરાજ, પ્રતિભા પાટીલ અને મહારાણી પદ્માવતીના નામની ગુંજ છે.

આથી જ દરેકને દુનિયામાં લાવનાર અને સમજણ આપનાર એક ''માં'' છે.

અંતે વિનંતી છે એટલી કે બધા જ વિચારો થોડીવાર મૂકી નારી વિનાની દુનિયા વિચારજો આપોઆપ રંગ વિનાની દેખાવા લાગશે.

રાધિકા આર. જોષી

આર. કે. યુનિવર્સિટી rjoshi514@rku.ac.in

(4:41 pm IST)