રાજકોટ
News of Thursday, 8th March 2018

દેના બેંક સાથે કરોડોની છેતરપીંડીના ગુન્હામાં પિતૃકૃપા કોટનના ભાગીદારોની જામીન અરજી રદ

બેંકો સાથેના છેતરપીંડીના બનાવો વધી રહ્યા છેઃ જામીન આપી શકાય નહિ

રાજકોટ તા. ૮ : અત્રે રેસકોર્ષ બ્રાંચ તરીકે ઓળખાતી દેનાબેંકમાંથી અંદાજે રૂ. સાડાસાત કરોડની લોન લઇને નાણા ભરપાઇ નહી કરી બેંક સાથે છેતરપીંડી કરવાના ગુનામાં પકડાયેલ અને જેલ હવાલે થયેલા આરોપીઓ દિનેશ ઠાકરશી લીંબાસીયા, ભરત ઠાકરશી લીંબાસીયા, હિતેષ ઠાકરશી લીંબાસીયા અને જેન્તી જેઠાભાઇ લીંબાસીયાએ જામીન પર છુટવા કરેલ અરજીને એડી.સેસન્સ જજ શ્રી એચ.આર.રાવલે નકારી કાઢી હતી.

આ અંગેની વિગત એવી છે કે, આરોપીઓ પિતૃકૃપા કોટન ઇન્ડસ્ટ્રીઝના ભાગીદારો હોય ધંધા માટે દેનાબેંક રેસકોર્ષ બ્રાંચમાંથી રૂ. સાડાસાત કરોડની લોન લીધી હતી.

ત્યારબાદ ધંધામાં ઉત્પાદન પ્રક્રિયા બંધ કરી સ્ટોક અગેના ખોટા સ્ટેટમેન્ટ બનાવી બેંકરો રજુ કરીને બેંક સાથે છેતરપીંડી કરી હતી જેથી બેંક દ્વારા આરોપીઓ સામે ફરીયાદ નોધાવી હતી.

આ ગુનામાં આરોપીઓ દ્વારા જામીન પર છુટવા અરજી થતા સરકારી વકીલ એસ.એક.વોરાએ રજુઆત કરેલ કે, હાલમાં બેંક સાથેના આર્થિક ગુનાઓનું પ્રમાણ વધી રહ્યું છેલોન લઇને નાણા ન ભરવા માટે યેનકેન પ્રકારે બેંકો સાથે છેતરપીંડી થઇ રહી છે.આરોપીઓ સામે ગંભીર પ્રકારનો સમાજ વિરોધી આર્થિક પ્રથમ દર્શનીય ગુનો હોય જામીન અરજી રદ કરવી જોઇએ.

ઉપરોકત રજુઆત અને ગુનાની ગંભીરતાને ધ્યાને લઇને સેસન્સ અદાલતે આરોપીઓની જામીન અરજીને રદ કરી હતી.

આ કામમાં સરકાર પક્ષે  જીલ્લા સરકારી વકીલ એસ.કે.વોરા રોકાયા હતા.

(4:09 pm IST)